ભાગવત રહસ્ય 420: કૃષ્ણાવતારમાં ભગવાન કોના ઋણી રહ્યા છે? આ કથામાં જાણો જવાબ.

0
360

ભાગવત રહસ્ય – ૪૨૦

શ્રીકૃષ્ણ ગોપીઓને કહે છે કે – તમે મને માથે હાથ પધરાવવાનું કહો છો, પણ તમારું મંડળ તો બહુ મોટું છે, તેમાં તો બહુ સમય જોઈએ, મારા બીજા ભક્તોનું થોડું કામ પતાવ્યા પછી હું આવું તો? ત્યારે ગોપી કહે છે કે – કનૈયા, બીજા ભક્તોનું કામ તમે પછી કરજો. અમે તમારાં છીએ અને તમે અમારા છો. જ્ઞાની માને છે કે – ઈશ્વર સર્વના છે, જયારે પ્રેમી ભક્ત માને છે કે – ઈશ્વર મારા છે, તે મારે આધીન છે. પ્રેમ પરમાત્માને પરતંત્ર બનાવે છે.

ગોપી એટલે કહે છે કે – અમારું કામ પહેલું કરો. શ્રીકૃષ્ણ પૂછે છે કે – મારા પર તમારો શાને પહેલો હક? મારે માટે તો બધા ભક્તો સરખા છે. ગોપીઓ કહે છે કે – નાથ, તમે વ્રજવાસીઓની પીડાનો નાશ કરનારા છો, બીજા ભક્તો વ્રજ-ભક્તો નથી, અમે વ્રજ-ભક્તો છીએ. કનૈયા, આપણે એક ગામના છીએ, એક ગામમાં આપણો જન્મ થયો છે, એટલે તમારા પર અમારો હક પહેલો લાગે છે. નાથ તમારો અવતાર અમ વ્રજવાસીઓનો ઉદ્ધાર કરવા થયો છે.

તમારો અવતાર ગોપી માટે છે, કનૈયા, તારા બીજા ભક્તો કાંઇક ને કાંઇક સાધન કરતા હશે. કોઈ યોગી, કોઈ જ્ઞાની તો કોઈ કર્મનિષ્ઠ હશે. આ બધાંને સાધનનું અવલંબન છે, પણ અમને કોઈ અવલંબન નથી, અમે તારા આશરે છીએ. અમે તો ગામડામાં રહેનારી અભણ નારીઓ છેએ, અમે તો કૃષ્ણ કૃષ્ણ કરીએ, બીજું કંઈ આવડતું નથી. અમે નિરાધાર છીએ, તમે જ અમારા આધાર છે. અમે નિ:સાધન ભક્ત છીએ. અને નિ:સાધન ભક્તોનો તારા પર પહેલો હક્ક છે.

સર્વ સાધન કરે તેમ છતાં જેને સાધનનું અભિમાન સ્પર્શ કરતુ નથી, તે નિ:સાધન ભક્ત છે. સત્કર્મ કર્યા પછી અભિમાન ના આવે તે માટે દરેક સત્કર્મની પૂર્ણાહૂતિમાં કહેવામાં આવે છે કે – “મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં જનાર્દન”

દશમ સ્કંધના અધ્યાય – ૩૧ ને લોકો “ગોપીગીત” કહે છે. ગોપીગીતમાં ૧૯ પ્રકારની જુદીજુદી ગોપીઓ ગીત ગાય છે. પ્રત્યેક શ્લોક બોલનારી ગોપી અલગ અલગ છે એટલે એકબીજા શ્લોકમાં સંગતિ મળતી નથી. વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ ગોપીઓના જુદા જુદા પ્રકારો બતાવ્યા છે.

ગોપીગીતના અંતે છેવટે શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે. અને પ્રભુ કહે છે કે – મેં તો થોડો વિનોદ કર્યો અને તમે બહુ રડ્યાં, તમારો પ્રેમ હું જાણું છું. ભગવાનના આવાં વચનો સાંભળી ગોપીઓને આનંદ થયો છે. શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રમે છે. અને તે જ વખતે કામદેવ બાણ મારે છે, પણ કામદેવની હાર થઇ છે. કામદેવે સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.

શ્રીકૃષ્ણ ગોપીઓને કહે છે કે – હું તમારો જન્મોજન્મનો ઋણી છું. તમારા પ્રેમનો બદલો હું આપી શકું તેમ નથી. તમે મારા માટે ઘરગૃહસ્થની બેડીઓ તોડી નાંખી છે કે જેને મોટા મોટા યોગીઓ પણ જલ્દી તોડી શકતા નથી. મારું તમારા સાથેનું આ મિલન સર્વથા નિર્મળ અને સર્વથા નિર્દોષ છે.

ભગવાન રામાવતારમાં હનુમાનજીના ઋણી રહ્યા છે અને કૃષ્ણાવતારમાં ગોપીઓના ઋણી રહ્યા છે. રામચંદ્રજીએ હનુમાનજીને કહ્યું છે કે – તારા એક એક ઉપકારના બદલામાં પ્રાણ દઉં, પણ તારા ઉપકારો અનેક છે ને મારા પ્રાણ તો એક જ છે. મારાથી તારા ઉપકારોનો બદલો વળી શકાય તેમ નથી.

અહીં, ગોપીઓના ઋણમાં છે એટલે તો કહ્યું છે કે – વૃંદાવન ત્યજીને હું જઈશ નહિ. દ્વારકાલીલામાં મર્યાદા છે પણ ગોકુળલીલામાં માત્ર પ્રેમ છે. પ્રભુએ ગોપીઓને પરમાનંદનું દાન આપ્યું છે. ગોપીઓ કૃતાર્થ થઇ છે.

વધુ આવતા અંકે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)