આજના બાળકોનું બાળપણ આશીર્વાદ કે અભિશાપ?

0
927

આમ તો પ્રભાતમાં વહેલી સવાર-સવારમાં ચાલવા નીકળવું તે તંદુરસ્તી માટે ઉત્તમ ગણાય છે ! કોણ જાણે કેમ, પણ મને તો સવારમાં મીઠી ઉંઘ છોડી વહેલા ઉઠી સવાર બગાડવા જેવું જ લાગે છે અને હું એવો શ્રમ લેવો પસંદ કરતો નથી ! તેમ છતાં આરોગ્ય અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખી સાંજના અચુક અને અનિવાર્ય રીતે હું ચાલવા ( walking ) માટે અવશ્ય નીકળી પડું છું ! ઘરથી થોડે જ દૂર એક બગીચો આવેલ છે તેમાં થોડાં ચકકર મારી આરામ માટે રાખવામાં આવેલા બાંકડા ઉપર થોડી વાર વિરામ કરી ઘેર પરત આવું છું.

આવી જ એક સુંદર અને રમણીય સાંજે ચાલવા નીકળ્યો અને બાગમાં ચકકરો મારી એક બાંકડા ઉપર આરામ કરવા માટે જમાવ્યું અને અચાનક આંખ લાગી ગઈ ! અને ઊંડા વિચારમાં ડૂબી ગયો !

વિચારોમાં બાગમાં એક વિશાળ મેદાન જણાયું જેમાં બાળકો-કિશોરોને માટે રમત ગમતના ભરપૂર સાધનો હોવા છતાં તેમની હાજરી –વેકેશન હોવા છતાં – ન ગણ્ય અર્થાત પાંખી હતી. આમ કેમ? તેવા વિચારોમાં ખોવાઈ ગયો અને મને સ્મરણ થયું મારા બાળપણનું !

અમારાં બાળપણના દિવસોમાં નહિ હતા આવા સુંદર બાગ-બગીચાઓ ! પણ આજુ-બાજુના અને પાડોશના બાળકો સાથે મળી સવારથી જ અનેક પ્રકારની રમતો રમવામાં એટલા તો મશગુલ થઈ જતાં કે અમને જમવા માટે પણ માને શોધવા નીકળવું પડ્તું !

વેકેશનમાં મોસાળ તો જવાનું જ હોય અને ત્યાં નદી કિનારે નદીમાં ધુબાકા મારવા ! ક્યારેક કુવામાં ખાબકવુ! ઝાડ ઉપર આંબા-પીપળી રમવી ! તો ઘેર હોઈએ ત્યારે સંતાકુકડી , ચોર-પોલીસ, સાત તાળી , આંધળો-પાડો , ગીલીદડા , દડા-પીટ, નારગોલ, હુ તુ તુ , લંગડી , ખો-ખો , ગોટી અને કોડી, ભમરડો ફેરવવો, થપો, સાપ-સીડી, ઈસ્તો, નવ-કાંકરી, વ્યાપાર, પાનાની રમતમાં, ભાગલા બાજી, મંગુસ, સાત-આઠ, દો-તીન-પાંચ, બ્લેક ક્વીન, ધાપ (420), ઠોસો, ચોકડી, છકડી , તો ચોમાસા દરમિયાન વરસાદમાં નહાવું અને પેલા ખીલા ખુંચાડવાની રમત રમવી , કાદવ ખૂંદવો અને પાણીમાં છબ-છબીયાં કરવા વગેરે અનેક પ્રકારની રમતો રમવામાં જાણે હું પણ ખુંપી ગયો !

આ ઉપરાંત મને યાદ આવી અમારા વડિલો આજુ-બાજુના બાળકોને એકઠા કરી પંચતંત્ર, હિતોપદેશ, ગીજુભાઈની વાર્તાઓ, ઉપરાંત જીવરામ જોષીની મિંયા-ફુસ્કી- તભાભટ્ટ, છકો-મકો, અડુકિયો-દડુકિયો, તો હરિપ્રસાદ વ્યાસની બકોર પટેલ અને બીજા અનેક પુસ્તકો જેવા કે બાળ-રામાયણ, મહાભારત, વિક્રમ્-વૈતાળ વગેરે અમારી પાસે વારા ફરથી વંચાવતા. રાત્રે પણ પરિવારના સભ્યો વાળુ-પાણી કરી નવરા પડે એટ્લે અંતકડી રમતા અને અમને પણ રમાડતા જેમાં પ્રભાતિયાં, લોક ગીતો, અને ભજનો ઉપરાંત અમારા અભ્યાસમાં આવતા કાવ્યો વગેરે મુખ્ય રહેતાં. અત્યંત લોકપ્રિય ફિલ્મી ગીતો પણ ગવાતા. અને આમ અમારું વેકેશન આનંદ મસ્તી સાથે પૂરું થતા ફરી અભ્યાસમાં લાગી જતાં.

રાત્રે અગાશીમાં સુવાનું અને તારાઓની ઓળખાણ કરાવતા વડિલો સાથે જ મજાની અનેક પ્રકારની વાર્તાઓ સંભળાવતા અને ક્યારે આંખ લાગી જતી અને ઉંઘમાં સરી પડતા તે ખબર પણ નહિ રહેતી. ઉપરાંત આટલા બાગ-બગીચા નહિ હતા અને જે હતા તેમાં પણ આટલા રમત ગમતના સાધનોથી સમૃધ્ધ નહિ હતા.

આજે બાગ-બગીચામાં બાળકો માટે ખાસ ક્રિડાંગણ બનાવી અનેક પ્રકારના આધુનિક રમત ગમતના સાધનો વસાવેલા હોવા છતાં વેકેશન દરમિયાન પણ બાળકોની હાજરી તદન પાંખી કેમ જણાય છે ? માત્ર બાગમાં જ નહિ પણ ઘરની આજુ-બાજુ પાડોશમાં અનેક બાળકો હોવા છ્તાં ભાગ્યે જ હાજરી વર્તાય છે !

મારું મન વિચારોના વંટોળે ચડ્યું કે આમ કેમ છે ? અને ધારો કે – મને મારું બાળપણ પાછું મળે તો ફરીને ઉપર દર્શાવેલ રમતો બાળકોની હાજરી વગર કેમ રમી શકાશે ? આજના મા-બાપ તો અમારાં મા-બાપ કરતાં વધારે ભણેલા છે. આધુનિક વિચાર સરણી પ્રમાણે જીવન ગોઠવી રહ્યા છે તો તેમાં બાળકોના બચપણનું સ્થાન કયાં ?

મને યાદ આવ્યું કે બાળકો માટે વેકેશન શરૂ થાય તે પહેલાં જ આધુનિક મા-બાપે તેમના માટે કેટલાક વર્ગો કરાવવા નિશ્ચિત કરી લીધું હોય છે. અને તેને માટેની તોતીંગ ફી પણ અગાઉથી જ ચૂકવી અપાઈ હોય છે ! આ વર્ગો જેવાકે કરાટે, સ્વીમીંગ, સ્કેટીંગ, સંગીત, મ્યુઝીક, ડાંસીંગ, ડ્રોઈંગ, પેઈંટીંગ અને રાઈડીંગ અને કોમપ્યુટર વગેરે ! બાળકી હોય તો સીવણ, કૂકિંગ વગેરે પણ ખરા ! અને આ જાતના તમામ વર્ગો વેકેશન દરમિયાન કેટલાક લોકો દ્વારા કમાઈ લેવા જોરદાર જાહેરાતો કરવામાં આવતી હોય આવા વર્ગો જાણે પૂર્ણ કક્ષાએ ખીલી ઉઠ્યા હોય છે !

સપ્તાહમાં 2-3 દિવસ ચાલતા આ વર્ગોમાં પ્રવેશ મેળવવા રીતસરની હરિફાઈ થતી જોવામાં આવે છે ! દરેક મા-બાપને પોતાનું બાળક હાય ! કયાંક બીજા કરતા પાછળ રહી જશે તો તેવી હાય બળતરા ને કારણે બાળકની તૈયારી કે તેની માનસિકતાની કોઈ માંબાપ દરકાર કરતા નથી, અને બાળકની શું શીખી શકવાની ક્ષમતા ધરાવે છે, તેની પણ પરવા કર્યા વગર, માત્ર દેખા દેખીથી જ, આવું વલણ અખત્યાર થતું જોવામાં આવે છે.

આ દિવસો દરમિયાન પણ બાળકને સમયસર જે તે વર્ગોમાં મૂકવા અને તેડ્વા જવા માટે પણ વ્યવસ્થા કરવી રહે છે અને તે માટે મા-બાપે સમય ફાળવવો પડે છે. આમ બાળક વેકેશન દરમિયાન પણ પોતાનું બચપણ સ્વતંત્ર રીતે માણી સકતું નથી. સવારથી જ જુદા જુદા વર્ગોમાં હાજરી આપી સાંજ પડ્યે તદન થાકી જતું હોઈ અન્ય રમત ગમતનો સમય ક્યારેય પણ ફાળવી શક્તું ના હોય એટલે તે વીડીયો ગેમ રમતુ થાય છે અને વાચન માટે તો વાત જ નહિ કરવાની. કારણ મા-બાપ ને પણ એ માટે કંટાળો હોય છે. અને તો રાત્રે પરિવાર સાથે અંતકડી કે અવનવા પુસ્તકોના વાચનનો તો સવાલ જ ઉપસ્થિત થતો નથી.

આવા વર્ગો ભરવા બાળકોના ક્યારેક ચહેરાઓનો અભ્યાસ કરશો તો કોઈના ચહેરા ઉપર પ્રસન્નતા નહિ જણાય પણ મજબૂરીથી મા-બાપની ઈચ્છાને માન આપતા જણાશે. ! ક્યારેક તો એવું લાગે કે આધુનિક મા-બાપ બાળકો ને બીબામાં જાણે ઢાળી ના રહ્યા હોય !

આમ ક્યારે ક તો એમ પણ માનવાને મન લલચાય જાય છે કે શક્ય છે કે આધુનિક મા-બાપોને બાળક ઘરમાં જ રહી ખીલે વિકસે અને સુ-સંસ્કૃત બને તે કદાચ મંજૂર નથી અથવા બાળકની સાથે સમય વહેંચવો તે પસંદ નથી. અને તેથી જ વેકેશન દરમિયાન પણ બાળક ઘરની બહાર વધુ સમય કેમ રહે તેવી અને જાણે બાળકના વિકાસ માટે અત્યંત સભાન હોય તેવી છાપ ઉભી કરવા પ્રયાસ કરતા હોય તેવું જણાય છે.

કંટાળેલું બાળક વીડીઓ ગેમ અને ટીવીને શરણે જતું હોય છે અને તેમાંથી પાશ્ચાત્ય રહેણી-કહેણીની તેના ઉપર જબર જસ્ત અસર થાય છે. તેમજ વીડીઓ ગેમ પણ મોટે ભાગે તે હિં **સક/ કાર રેસના પ્રકારની જોતું હોય છે. મા-બાપ પણ આવી હિં **સક/ કાર રેસના પ્રકારની ગેમ અપાવી દેવામાં ગૌરવ સમજતા હોય છે.

પરિણામે બાળક દ્વારા થતા હિં **સ **ક હુ **મ **લાના બનાવો કે અકસ્માતના બનાવો પશ્ચિમની માફક આપણે ત્યાં પણ વધી રહ્યા છે જે સમાચારો અવાર નવાર અખબારોમાં અને ટીવીમાં પ્રસિધ્ધ થતા રહે છે એટલું જ નહિ પણ આના પ્રભાવ હેઠળ કુમળી વયમાં જ બાળકો સે ક ooસ માં પ્રવૃત થતા પણ કિસ્સાઓ બનતા રહે છે.

આમ બચપણથી જ બાળકોની ઈચ્છા અવગણી મા-બાપ પોતાની ઈચ્છાઓ/આકાંક્ષાઓ બાળકો ઉપર લાદતા અને તે પ્રમાણે ઢાળવાની કોશિશ કરતા થયા છે. બાળક સગીર હોય પરિપકવ ના થયું હોય મા-બાપ ઉપર જ સંપૂર્ણરીતે આધારીત હોય –અનિચ્છાએ પણ મા-બાપની ઈચ્છાને તાબે થતું રહે છે. અને પરિપકવ અને સ્વતંત્ર વિચાર અને સમજ પેદા( MATURE ) થતાં જ મા-બાપ સામે ધીમી ધીમે પણ મકક્મ પ્રતિકાર કરતું થતું હોય છે ! જે બાળક અનેક પ્રકારની ચેષ્ટા દ્વારા વ્યકત કરતું રહે છે..પરંતુ મા-બાપ બાળકને નાદાન અને અણસમજુ ગણી આંખ આડા કાન કરતા રહે છે.

બાળકના પ્રતિકારને સમજવા મા-બાપ ઉણા ઉતરે છે અને અસમર્થ હોય છે, પરિણામે બાળક જમવાની પણ પરવા કરતું હોતું નથી અને મા કે દાદી બાળકની પાછ્ળ જમાડવા માટે થાળી લઈને ફરતા જોવા મળે છે ! બાળક પરીક્ષામાં ધરાર ઓછા માર્ક લાવતું રહે છે.! નાપાસ પણ થાય છે. અત્યંત જીદ્દી અને તોફાની બની જાય છે અને પોતાનું ધાર્યું જ કરતું થાય છે અને મા-બાપ તેની આ જીદ્દને લાડ ગણી પોષ્યા કરતા થાય છે.

અરે ક્યારેક બાળક મા-બાપની આકાંક્ષા પૂરી નહિ કરી શકાય તેવી ધારણા કરી આત્યંતિક બની છેક જીવન ટુંકાવવા સુધી પહોંચી જતું હોવાનુ બનતુ રહે છે. અને આવા કિસ્સાઓ આપણે અવાર-નવાર અખબારોમાં વાંચતા રહીએ છીએ. પણ આ વિષે તેના મૂળ કારણો વિષે ક્યારે ય મા-બાપ કે સમાજ શાસ્ત્રીઓ કે માનસશાસ્ત્રીઓ અભ્યાસ કરી તારણ કાઢતા જણાયા નથી.

દુનિયાનું તમામ જ્ઞાન પોતાના બાળકને કોઈ પણ ભોગે મળી રહેવું જોઈએ, પછી ભલે તે માટે ગમે તે કે ગમે તેવો ભોગ કે કિમત ચૂકવવી પડે. તેવું માનતા મા-બાપ બાળકનું બાળપણ છીનવી લઈ ગુ **ન્હાતિ **કૃત્યકરી રહ્યાનું ક્યારેય માનવા તૈયાર થતા નથી. પણ કોઈ આવી વાત કરે તો અમારું બાળક કોઈથી પાછળ નહિ રહેવું જોઈએ અને બધા મા-બાપ આમ જ કરતા હોય ત્યારે અમે પણ તમામ જ્ઞાન બાળકોને ના અપાવીએ તો અમને ગુ **ન્હો કરતા હોઈએ તેવું લાગ્યા કરે છે, તેવી વાહિયાત દલીલ કરી પોતાની વાત યોગ્ય હોવાનું અને બાળક પ્રત્યે અસાધારણ પ્રેમ હોવાનું દેખાડતા રહે છે !

મને એક એવો વિચાર આવ્યો કે આવી આ ગાંડી અને ઘેલછાને સંતોષ આપવા ઉપર દર્શાવેલ તમામ માટે કોઈ રશી ના બનાવી શકાય ? વિજ્ઞાને પોલીઓ, કોલેરા, શીળી, કમળો, ઓરી, ટીબી વગેરે રોગના પ્રતિકાર માટે બાળક સહિત તમામને આપી શકાય છે તેવી જ રીતે કોઈ વૈજ્ઞાનિકે સંશોધન કરી કરાટે, સ્વીમીંગ, સ્કેટીંગ, સંગીત, મ્યુઝીક, ડાંસીંગ, ડ્રોઈંગ, પેઈંટીંગ અને રાઈડીંગ અને કોમપ્યુટર વગેરે ! બાળકી હોય તો સીવણ, કૂકિંગ વગેરે માટે રશીઓ શોધી કાઢવી જરૂરી બની ગઈ છે અને જે દર સપ્તાહે વેકેશન દરમિયાન બાળકને અપાવી દેવાથી બાળક સંપૂર્ણ સંપન્ન બની રહે અને મા-બાપને પણ નિરાંત અને સંતોષ થાય કે તેઓએ બાળકના વિકાસ માટે તમામ પ્રયાસો કર્યા છે !

મા-બાપે પોતાની ઈચ્છા/આકાંક્ષાઓનું બાળકમાં આરોપણ કરી તેને તેની બાળપણની ઉંમરમાં અર્થાત સગીર વયમાં ક્યારેય તેની ઈચ્છા/આકાંક્ષા વિષે પૂછ્યું ના હોય, કે તેના પ્રતિકારની નોંધ કે પરવા કર્યા સિવાય ઉછેર કર્યો હોય, અને સમય જતાં આ જ બાળક પુખ્ત થતાં સ્વતંત્ર રહેતા અને કમાતું પણ થાય છે. અને મા-બાપ પણ વયને હિસાબે નિવૃતિ સ્વીકારે છે અને જો બાળકની જીવન શૈલી સાથે તાલમેલ કે તાદાતમ્યતા ના સાધી શકે, તો આજ બાળક કાંતો પોતાનું અલગ ઘર બનાવી રહેતું થાય છે અથવા કેટલાક મા-બાપને વૃધ્ધાશ્રમમાં ધકેલી દે છે.

અને આ રીતે જાણે બાળક બાળપણ દરમિયાન તેની ઈચ્છા વિરૂધ્ધ મા-બાપ દ્વારા લાદવામાં આવેલા અભ્યાસ અને અન્ય ઈતર પ્ર્વૃતિઓનું જાણે જાણ્યે-અજાણ્યે મા-બાપ ઉપર વેરની વસુલાત કરતું હોય તેમ નથી લાગતું ?

આવા સંજોગોમાં મને આવેલો વિચાર કે મને મારું બાળપણ પાછું મળે તો ? મારી હાલત પણ આધુનિક બાળક જેવી જ થવાની ભરપૂર શક્યતાઓ રહેલી હોય ડરના માર્યા મારી આંખ ખુલ્લી જતાં અને મને બાગમાં જ બાંકડા ઉપર બેઠેલો જોઈ હાશ અને બચી ગયાની લાગણી પેદા થઈ ગઈ ! અને મનોમન પ્રશ્ન પણ થયો કે શું આપણને બાળકો ઉછેરતા નથી આવડ્યા ?

અંતમાં બાળકોને તેની રીતે જ ખીલવા દેવા ઈશ્વર આજના આ આધુનિક અને માત્ર દેખાદેખી કરી બાળકનું બાળપણ છીનવી લેતા મા-બાપોને સદબુધ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે મને વહેલો જન્મ આપવા માટે મનોમન ઈશ્વરનો આભાર માની ઘર તરફ પ્રયાણ કર્યુ.

બાગમાંથી ઘેર પરત આવ્યા બાદ પણ મારું મન સતત બાળકો વિષેનાં જ વિચારોમાં ગૂથાયેલું રહ્યું અને બાળકોમાં રહેલી શક્તિને વેકેશન દરમિયાન કોઈ સર્જનાત્મક/સકારાત્મક ( CREATIVE/POSITIVE ) દિશામાં વાળવામાં આવે તો બાળકો માટે આવનારા દિવસોમાં કે જ્યારે તેમને સ્વતંત્ર રીતે જિંદગી શરૂ કરવાની આવે ત્યારે વધારે અર્થ પૂર્ણ બની રહે !

જેમકે કેટલીક સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન “સ્વંય શિક્ષણ” દિન ઉજ્વાતો હોય છે તેવી જ રીતે ઘરમાં પણ “બાળક દિન” ઉજવવાનું કેમ ના વિચારી શકાય ? આ દિવસે બાળકની ઈચ્છા પ્રમાણે કૂંટુંબના સભ્યો વર્તે જેમ કે બાળકનો કબાટ/ટેબલ જેમાં તેના વસ્ત્રો/પુસ્તકો રહેતા હોય તેની સફાઈ કરી યોગ્ય રીતે ફરીને ગોઠવી શકાય ! જમવા માટે વાનગી બાળકની પસંદ પ્રમાણે બનાવવા તેને વાનગી બનાવામાં સહાય કરી શકાય વગેરે !

આ ઉપરાંત બાળકને પરિવાર પ્રત્યે વધારે જવાબદાર બનાવવા તથા પરિવારની આવકના પ્રમાણમાં ખર્ચને મર્યાદામાં રાખી શકવા સભાન બનાવવા પરિવારના ઘર ખર્ચને ગોઠવવા માસિક આવકની મર્યાદાને ધ્યાનમાં રાખી અલગ અલગ રકમની ફાળવણી કરે ! જેમકે અનાજ-કરિયાણુ, શાક-ભાજી, ફળ ફળાદી, દૂધ ચા કોફી વગેરે, ટ્યુશન ફી, શાળાની ફી , ટેલિફોન અને વિજ્ળી બીલ ,વાહન હોય તો પેટ્રોલ બીલ, મોજ-મજા માટે ( ENTAIREMENT) સીનેમા કે હોટેલ , દવાઓ , આકસ્મિક વહેવારીક ખર્ચ વગેરે પરિવારની જીવન-પધ્ધ્તિને (LIFESTYLE ) ધ્યાનમાં રાખી બાળકને એ રીતે આવકની મર્યાદામાં જીવવા કેળવી ના શકાય ?

મિત્રો આપ શું માનો છો કે આજના આ બાળકોનું બાળપણ છીનવી લેવાય રહ્યુ છે ? અને તો બાળકોનુ બાળપણ એ આજે આશીર્વાદ છે કે અભિશાપ ? આપ સૌ ક્ષણ ભર વિચારી આપનો પ્રતિભાવ અવશ્ય જણાવશો.

– સાભાર સંજય પટેલ (અમર કથાઓ ગ્રુપ)