તોફાની અને મસ્તીખોર બાળકની ઈન્ટરનેશનલ કંપનીના સીઈઓ બનવાની સ્ટોરી આપણને ઘણું બધું શીખવે છે.

0
548

વાર્તા : દ્વષ્ટિ

લેખક : શ્રીમતી નયના શાહ.

સામાન્ય રીતે એક યુવતી લગ્નબાદ નવા ઘરે આવે ત્યારે અજાણી વ્યક્તિઓ વચ્ચે ગુંગળામણ અનુભવે. પરંતુ હું એ બાબતે નસીબદાર હતી કે બાજુમાં રહેતો નવ એક વર્ષનો નમ્ર મારી સાથે હળીમળી ગયો હતો. મને નમ્ર પહેલી નજરે જ ખૂબ ગમી ગયો હતો. સંયુક્ત કુટુંબમાં રહેતી વ્યક્તિ એકલાં રહેવાનાં વિચારથી જ ડરી જાય. પતિની બદલી ઘરથી દૂર થઇ હતી. સસરા નિવૃત્ત થયા ન હતાં. પરંતુ પડોશમાં રહેતો નમ્ર મારી સાથે બેસીને અલકમલકની વાતો કરતો. એના સ્કૂલના તોફાનો વિષે વાતો કરી મને ખડખડાટ હસાવતો. ધીરે ધીરે મને નમ્ર વગર ચાલતું નહિ.

એકવાર નમ્રના મમ્મી મારી પાસે આવીને કહે, “નમ્રને તમારી ખૂબ માયા છે. તમારે ત્યાં હું ભણવા મોકલું? હું તમને ટયુશન ફી આપીશ.”

“અરે, નમ્ર તો મને ઘણો વહાલો છે. એની ટયુશન ફી આપવાના હોવ તો મારે ત્યાં ના મોકલતાં.”

બીજા દિવસથી જ નમ્ર મારે ત્યાં ભણવા આવવા માંડયો. રવિવારે તો એનું ધ્યાન ઘડિયાળ તરફ જ હોય. એ વખતે દૂરદર્શન પર સાંજે પિકચર આવતું. તેથી રવિવારે એની પાસે બહાનાનો ખજાનો હોય. એ વાત હું સમજી ગઈ હતી. તેથી જ એ આવે કે તરત હું કહું, “પાણીનો જગ તારી બાજુમાં છે. પેટમાં દુ:ખે તો આદુ લીંબુનું શરબત છે. બાજુમાં બામની બોટલ છે માથું દુ:ખે તો લગાડજે. નાસ્તો ગરમ કરવાનો જ છે એટલે ઘેર જવાનું નથી”. નમ્ર ને આવી આશા ન હતી કે એના બધા બહાના નિષ્ફળ જશે.

પરિણામ સ્વરૂપ હમેશાં નાપાસ થતો નમ્ર ત્રીજા નંબરે પાસ થયો. જે વાત માનવા કોઈ તૈયાર જ ન હતું. મેં જોયું કે એ તોફાની છે. ભણવામાં ધ્યાન નથી. છતાં પણ એનો આત્મવિશ્વાસ મને સ્પર્શી ગયો હતો. એનો જવાબ ખોટો પણ હોય તો પણ પુરેપુરા આત્મવિશ્વાસથી જવાબ આપતો. એ સવાલ હું ગમે તેટલી વાર પૂછું પણ એનો જવાબ ના બદલાય. કયારેક તો મને પણ થઈ જાય કે એ સાચો હશે. એના આત્મવિશ્વાસથી હું પ્રભાવિત થઈ ગઈ હતી.

જયારે એ બહુજ ખુશ હોય ત્યારે હું સમજી જતી કે એ બહુ મોટું તોફાન કરીને આવ્યો છે.

તે દિવસે તો એ બહુજ ખુશ હતો. મેં કહ્યું, “નમ્ર સાચુ બોલ,” તેં આજે શું તોફાન કર્યું છે?”

“આ તો આજે મંદિરમાં ભંડારો છે મારે જમવા જવાનું છે.”

“નમ્ર, મારાથી સાચી વાત છુપાવવાની કોશિશ ના કરીશ. સાચું કહે નહિ તો કાલથી મારે ત્યાં ના આવીશ.”

આજુબાજુ જોઇ મને કહે, “કાલે રાત્રે હું મારા ભાઈબંધને ત્યાં જતો હતો રસ્તામાં એક ગણેશજીની મૂર્તિ જોઇ. મેં હાથમાં લીધી. સામે મંદિર હતું. ઝાંપો બંધ હતો. હું ઝાંપો કુદીને મંદિરમાં ગયો. ત્યાં એક ગોખલો ખાલી હતો ત્યાં ચૂપચાપ મૂર્તિ મુકી હું ઘેર આવીને સૂઈ ગયો. સવારે તો આપણા વિસ્તારના બધા દર્શન કરવા ઉમટી પડ્યા. બધા માને છે કે ગણેશજી પ્રગટ થયા.” આટલું બોલી એ ખડખડાટ હસવા માંડ્યો. મને કહે કે આ વાત તમે કોઈને કરતાં નહિ.

મને ૫ણ આ અંધશ્રધ્ધા પર હસવું આવી ગયું.

એકવાર મારે ત્યાં રડતો રડતો આવ્યો કહે, “મારો મોટોભાઈ મને મા-રે-છે હું જોઈ લઈશ. ”

“નમ્ર, તેં જરૂર તોફાન કર્યું હશે. જો મોટાભાઈ સામે બોલાય નહિ. મ-રા-ય પણ નહિ. ”

“હું એને મા-રી-શ નહિ પણ એને જોઈ લઈશ.”

મેં માનેલું કે બાળસહજ ગુસ્સો છે. બાળક છે, ભૂલી જશે. એ વાતને માંડ દસેક દિવસ થયા હશે ને એક દિવસ દોડતો દોડતો આવીને મારી સાડીનો પાલવ પકડી મને કહે, “મને બચાવો. હું સંતાઈ જઉં છું.” હું કંઈ પણ પૂછું એ પહેલાં એણે બીજા રુમમાં જઈને બારણું બંધ કરી દીધું.

હું એના તોફાનોથી પરિચિત હતી. પરંતુ એના દરેક તોફાનો બુદ્ધિપૂર્વકના હોય. બધા કહેતાં આ છોકરો ભણવાને બદલે રખડી ખાશે. કંઈ ઉકાળવાનો નથી. પણ મને એની બુધ્ધિ પર ગર્વ હતો. મેં ખાનગીમાં એની મમ્મીને કેટલીયે વાર કહેલું તમે દિકરા તરફ જોવાની દૃષ્ટિ બદલી કાઢો. એ પુષ્કળ બુધ્ધિશાળી છે. પરંતુ મારી વાત માનવા કોઈ તૈયાર ન હતું.

થોડીવાર બાદ નમ્રનો મોટોભાઈ મારે ત્યાં આવીને કહે, “જુઓ તમારા લાડલાએ મારી દશા કરી.” મેં છાપા માંથી ઉંચુ જોયું. એના ભાઈની હાલત દયાજનક હતી. કપડાં ફાટી ગયા હતાં. શરીર પર મા-ર-ના નિશાન હતાં. મોં સુજી ગયું હતું. મેં એને મારી પાસે બેસાડી પાણી આપ્યું. મેં કહ્યું, “નમ્ર તને મા-રે-જ નહીં મને ખાતરી છે. ”

“હા, પણ એને એથી પણ ખરાબ કર્યુ. મને કહે મને સાયકલ શીખવાડ. હું એની પાછળ જ હતો. ગિર્દીવાળા વિસ્તારમાં હાથે કરીને પડ્યો અને બોલવા માંડ્યો, ” બચાવો… બચાવો..” મેં કહ્યું કે મારો ભાઈ છે. પણ બધા બોલવા માંડ્યા, “આટલા નાના છોકરાને પાડી નાખ્યો.”

મેં કહ્યું, “મારો ભાઈ છે. મેં નમ્રને પણ કહ્યું, તું મારો ભાઈ છું ને! તો એ એક પણ શબ્દ બોલ્યા વગર મોટે મોટેથી રડવા માંડ્યો. એટલે લોકોએ મને બહુ જ-મા-ર્યો. ” કહેતાં રડવા લાગ્યો. એને શાંત પાડીને ઘેર મોકલ્યો કે તરત નમ્ર રુમમાંથી બહાર આવીને કહે, “મેં કહેલું ને કે મને મા-ર્યો-એ-નો બદલો લઈશ.”

એ જ વખતે મેં ધારી લીધું હતું કે આ છોકરો આગળ જતાં ખૂબ જ હોશિયાર થવાનો છે.

માં બાપે બાળકની બુદ્ધિ વિષે વિચારવું જોઈએ. માં બાપ માને છે કે બાળક ભણવામાં હોંશિયાર હોય તો જ સારો કહેવાય. પરંતુ એની ઈતર પ્રવૃત્તિ વિષે કયારેય વિચારતા જ નથી કે એની બુદ્ધિને ઉચિત માર્ગે વાળવી જોઈએ.

આ બનાવ બાદ અમારી અરજી મંજુર થઈ ગઈ. અમે મારા સાસુ સસરા ભેગા જવાના હતા એ વાતે હું ખુશ હતી પણ નમ્રને છોડવાના વિચારે હું બહુ જ દુઃખી થઈ ગઈ હતી. જવાના દિવસે નમ્ર મને મળવા ના આવ્યો એટલે હું એના ઘેર ગઈ. મને જોઈને એ રડવા લાગ્યો. એની ટેવ મુજબ મારી સાડીનો છેડો પકડી પાછળ સંતાઈ ગયો. મને ખબર હતી કે મારી સાડીના છેડાથી એ એના આંસુ લૂછે છે કારણ એની મમ્મીએ કહેલું તું રડીને વિદાય ના આપીશ નહિ તો જનાર વ્યક્તિને અપશુકન થાય.

શરૂઆતમાં મને નમ્ર ખૂબ યાદ આવતો. એ સમયમાં તો ખાસ કોઈને ત્યાં ફોન પણ ના હોય. પહેલાં દિવાળી કાર્ડ લખતાં. ધીરે ધીરે એ પણ બંધ થઈ ગયા. સંસારમાં પડ્યા બાદ નમ્રની છબી માનસપટ પર ઝાંખી થવા માંડી. કયારેક નમ્ર મને તીવ્ર પણે યાદ પણ આવતો. વર્ષો વિતતા જતાં હતાં. અમારી બદલી થતી રહેતી હતી.

એકવાર અમે એમની ઓફિસની એક વ્યક્તિના વિદાય સમારંભમાં ગયા. ત્યાં એક યુવાન મારી સામે આવીને ઉભો રહ્યો બોલ્યો, “મને ઓળખ્યો ! ” હું એની સામે જોઈ રહી. મને કશુંય યાદ આવતું ન હતું, પરંતુ એ યુવાને એટલા પ્રેમથી પૂછ્યું હતું કે હું ના પાડવાની હિંમત જ ના કરી શકી. ત્યાં એ યુવાને મારી સાડીનો છેડો પકડીને સાડી પાછળ સંતાઈને બોલ્યો, “હવે મને ઓળખ્યો? ” અનેે હું આનંદના અતિરેકમાં મોટેથી બોલી ઉઠી, “મારો નમ્ર”. બીજી પળે હું એને ભેટી પડી. કહે, “મારા મિત્રના પપ્પા નિવૃત્ત થાય છે એટલે સમય કાઢીને ખાસ આવ્યો છું.”

ત્યારબાદ એને મારા હાથમાં એક કાર્ડ આપ્યું એ વાંચી મારી ખુશીનો પાર ના રહ્યો. નમ્ર જાણીતી ઈન્ટરનેશનલ કંપનીમાં સી.ઈ.ઓ. હતો. એની સતત થતી પ્રગતિ જોઈ હું ખૂબ ખુશ થઈ ગઈ. ઘણીબધી વાતો કરીને છૂટા પડતી વખતે કહે, “તમે જ એક એવી વ્યક્તિ હતાં કે હમેશાં કહેતાં નમ્રના તોફાન તરફ જોવાને બદલે એની તીવ્ર બુદ્ધિ તરફ જોવાની દૃષ્ટિ કેળવો. આજે બધાને તમારી વાત માનવી પડે છે.”

હું આશ્ચર્ય ચકિત થઈ ગઈ. મેં કહ્યું, “નમ્ર તું આટલા મોટા પદ પર છે તો પણ નાના બાળકની જેમ મારી સાડીનો પાલવ પકડી ને સંતાઈ ગયો. કોઈ જુએ તો.. શું કહે? કહે કે આટલી મોટી કંપનીનો સી.ઈ.ઓ. આવું બાલિશ જેવું વર્તન કરે એ સારૂ લાગે?”

નમ્ર હસીને બોલ્યો, “હું તો હજી પણ તમારા માટે બાળપણનો નમ્ર જ છું. વ્યક્તિ ગમે તેટલો મોટો થાય પણ તેના આપ્તજનોની દૃષ્ટિએ તો એ હંમેશા બાળક જ રહે છે. મને તમારી પાસે બાળક બનીને રહેવું ગમે જ. બસ, તમે મને બાળકની દૃષ્ટિએ જ જુઓ. નહીં કે ઈન્ટરનેશનલ કંપનીના સી.ઈ.ઓ. તરીકે.”

નમ્ર મારી નજરથી દૂર થયો ત્યાં સુધી હું એ બાળક નમ્રને જોતી જ રહી.

લેખક : શ્રીમતી નયના શાહ.