નદી ખડકે નિર્જરા,
મલપતા પીએ માલ;
ગાળે કસુંબા ગોવાળિયા,
પડ જોવો પાંચાળ.
ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના માત્ર બે મંદિરો છે. તરણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવ અને હિમાલયમાં બદ્રીકાશ્રમ પાસેનું ત્રીનેત્રતીર્થ. બંને શિવાલયો પ્રાચીન છે.
તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેમણે તેમનાં ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ મંધાતા હતું અને આ તરણેતરનું મંદિર મંધાતાએ બંધાવેલું હતું.
તે ઉપરાંત આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે. જે મહાભારતકાળની છે. તે સમયે દ્રુપદનગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વંયવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલો છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદિર દસમી સદીનું હોવાની શકયતા મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે.
મંદિરનો જીણોદ્ધાર લખતરના રાજવી ‘કરણસિંહજી’ એ ઇ.સ.૧૯૦૨ ની સાલમાં ઓગષ્ટ મહિનામાં કરાવ્યો હતો. તરણેતર અને થાન પંથક તે વખતે લખતર રાજની હકુમત નીચે હતા. પુત્રી કરણબાના સ્મરણાર્થે રૂ.૫૦ હજારના ખર્ચે કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું. નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય. મંદિરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે. આ મંદિરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદિર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે, જે લખતર રાજ્ય દ્વારા આપેલ.
તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે. જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે. તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની કરણસિંહજીએ મંદિરનો જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરના ઘુમ્મટની ચારે દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે. છતમાં એક અદભુત શિલ્પ છે. તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકારમાં ગોઠવાયેલાં છે. કોઈપણ બાજુથી જોઈએ તો પાંચેય ધડનાં મસ્તક દેખાય. શિલ્પના લાલિત્ય અને અંગભગિમા મોહક તથા મનોહર છે.
તરણેતર મંદિરની ત્રણ બાજુ કુંડ છે. તેને વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આદ્યદેવોના નામ જોડ્યા છે. મંદિરની ચોતરફ ઉંચો ગઢ છે. એક માન્યતા પ્રમાણે પ્રાચીન મંદિરોના અવશેષોને આ ગઢમાં ચણી લેવામાં આવ્યા છે. એક એકર જમીન પર ઉભેલું મંદિર પ્રમાણમાં નાનું લાગે પણ તેની કોતરણી અનુપમ છે.
ચારેબાજુ ઉંચો ગઢ અને વચ્ચે મંદિર જમીનમાં નીચે ઉતાર્યું છે, તેથી સુકી હવા અને પવનની થપાટો સામે સુરક્ષિત રહી શકે તથા મંદિરની બાજુમાં ગૌમુખી બારી પણ છે. શિખર પર ત્રણ દિશામાં તરાપ મારીને નીચે ઉતરતા સિંહોના શિલ્પમાં જાણે કે શિલ્પીઓએ જીવરેડી દીધો હોય તેવા અદભુત છે.
વાચેલી નોંધના આધારે રૂબરૂ મુલાકાત ઓગષ્ટ ૨૦૧૯.
– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)