‘મંગલદીપ’ – મુશ્કેલ સમયમાં સાથ આપે એજ સાચો સંબંધ, વાંચો આંખો ભીની કરી દેતી સ્ટોરી.

0
653

આગંતુક ત્રણેય માણસ, એક યુવાન અને આધેડ સ્ત્રી પુરુષ. શોભાબેન અને ખુશાલભાઈને અજાણ્યા લાગ્યા. ” આવો.. જયશ્રી કૃષ્ણ.. “ કહી અંદર બેસાડ્યા.

દીપાને દવાખાનેથી ઘરે લાવ્યા પછી, રોજ ઘણા સગા સંબંધી ખબર પુછવા આવતા. પતિ પત્નીને લાગ્યું કે, દીપાની કોલેજના કોઈ ઓળખીતા હશે.

દીપાનો એ અકસ્માત ભારે હતો. રોજની જેમ એ ચાલીને કોલેજે જતી હતી. રસ્તામાં આવતું રેલ્વે ફાટક બંદ હતું. બન્ને બાજુ વાહનો જમા થઈ ગયા હતા. આજે મોડું થયું હતું. એ ઉતાવળે ગરક ઝાંપલીમાંથી નિકળી પાટા ઓળંગી રહી હતી. ગાડી સામે જ દેખાતી હતી. અચાનક એનું ઉંચી એડીનું સેન્ડલ પાટા ના સાંધામાં ફસાયું. સેકન્ડોનો મામલો હતો. સેન્ડલ ન નિકળ્યું. ન તો એ સેન્ડલમાંથી પગ કાઢી શકી. એ બહારની તરફ સુઈ ગઈ. કાંડા નજીકથી પગ ગુમાવવો પડ્યો.

આગંતુકોએ દીપાની ખબર પુછી અને પોતાનો પરિચય આપ્યો.

” આ અમારો દિકરો મંગલ. હમણાં જ બેંકમાં નોકરીએ લાગ્યો છે. દીપા કોલેજમાં ભણવામાં આનાથી બે વરસ પાછળ છે. બન્ને પ્રેમમાં છે. મંગલે અકસ્માતની અને એના દીપા સાથેના સંબંધની વાત ઘરમાં કરી.”

થોડું પાણી પીય. આધેડ પુરુષે વાત આગળ ચલાવી.

” આપણી ગ્નાતિ એક નથી. જો દીપાને આવું થયું ન હોત તો અમે મંગલને પ્રેમ છોડી પોતાની ગ્નાતિમાં સગાઈ કરવા સમજાવત. પણ હવે મંગલ વધુ મક્કમ છે. એટલે અમે તમારી દિકરીનું માંગુ લઈને આવ્યા છીએ.”

શું બોલવું.. એ થોડીવાર પતિ પત્નીને સમજાયું નહીં. પરંતુ એકબીજા સામે જોઈ મુક સંમતિ આપી દીધી.

અચાનક શોભા બેને આગંતુક સ્ત્રીનો હાથ પકડી લીધો. ” બેન, તમે મારા માથા પરથી ચીંતાનો ડુંગર ઉતારી નાખ્યો. અમારે કંઈ જ જોવું પુછવું નથી. આજથી આ દિકરી તમારી.”

એણે અનાયાસ મંગલના દુખણા લીધા.

પાંચેય દીપાવાળા ઓરડામાં ગયા. શોભાબેનના ટેકાથી એ પથારીમાં બેઠી થઈ. મંગલને જોઈ, એ અચંબો પામી. તેણે મનોમન વિચારેલું કે ’મંગલ હવે મને ક્યારેય નહીં મળે.’

આગંતુક સ્ત્રીએ દીપાના માથા પર હાથ ફેરવ્યો.

” મારું નામ માણેક. હું તારી સાસુ થઈશ ને આ તારા સસરા. ” એમ કહી થેલીમાંથી નાળીયેર અને સાકરનો પડો કાઢ્યો.

શોભાબેને કહ્યું “ બેટા બે હાથમાં લઈ લે. ”

હીરાલાલે એકસો એક રુપિયા પડા પર મુક્યા.

માણેકબેને કહ્યું. ” મને કંકુ ચોખા આપો. ચાંદલો કરી દઉં.”

દીપાનું મોં મરક મરક થઈ રહ્યું હતું. સાસુએ ચાંદીના સાંકળા કાઢ્યા. બેય સાંકળા એક જ પગમાં પહેરાવી દીધા.

બીજા બહાર ગયા. મંગલે ટેકો આપી દીપાને ઉભી કરી. દીપાએ ગણેશના આરીયા પાસે લઈ જવા કહ્યું. મંગલે એની કમર પકડી. દીપાએ મંગલનો ખભો જાલ્યો. દીપાએ કોડિયામાં દીવો પ્રગટાવ્યો. બોલી,

” તમે ખુબ કમાજો. હું ઘર સાંચવીશ. મમ્મી પપ્પા છોકરાં સાંચવશે. આપણે એક નાનકડું ખુબ સુંદર મકાન બનાવડાવશું. એનું નામ રાખશું. ‘ મંગલદીપ’..”

દીપા મનની અને પગની પીડા સાવ ભૂલી ગઈ.

– જયંતીલાલ ચૌહાણ ૧૪-૭-૨૧ (અમર કથાઓ ગ્રુપ) (પ્રતીકાત્મક ફોટા)