લઘુકથા – શિક્ષક :
– માણેકલાલ પટેલ.
પ્રાર્થના પૂરી થઈ એટલે ગોવિંદભાઈ એમના રૂમમાં આવ્યા. એક પછી એક બધા શિક્ષકો પણ એમની સામે પડેલી ખુરશીઓમાં ગોઠવાઈ ગયા.
થોડીવાર થઈ હશે અને બે આગેવાનોએ ત્યાં આવી કહ્યું :- “ગોવિંદભાઈ ! કાલે ચાર વાગે અહીં એક મિટીંગ રાખવાની છે.”
“પણ, પાંચ વાગ્યા સુધી તો નિશાળ ચાલુ છે ને?”
“કાલનો દિવસ છોકરાંઓને એકાદ કલાક વહેલાં છોડી દેજો.”
ગોવિંદભાઈ અને બીજા શિક્ષકો એ આગેવાનો સામે જોઈ રહ્યા.
“શાની મિટીંગ છે, રઘુભાઈ?” એક શિક્ષકે પૂછ્યું.
“અમારી પાર્ટીના મોટા કાર્યકરો આવવાના છે તે…….”
“રઘુભાઈ!” મુખ્ય શિક્ષક ગોવિંદભાઈએ કહ્યું :- “રાજકીય પક્ષોની મિટીંગ માટે તો નિશાળનો ઉપયોગ કરી ન શકાય ને?”
થોડી રકઝક થઈ પણ ગોવિંદભાઈ મક્કમ જ રહ્યા.
જતાં જતાં રઘુભાઈએ ધમકીની ભાષામાં કહ્યું :- “તકલીફ પડશે સાહેબ, તમને?”
“વધુમાં વધુ તો બદલી થશેને મારી?”
“એથી પણ ઘણું થઈ શકે.”
“એ ભોગવી લઈશ, રઘુભાઈ ! પણ, નિશાળનો રાજકીય રીતે ઉપયોગ નહિ થવા દઉં.”
એમના ગયા પછી બે-ત્રણ શિક્ષકોએ રઘુભાઈને પ્રેક્ટિકલ બનવા સમજાવ્યા ત્યારે એમણે કહ્યું :- “નિયમ મુજબ તો શાળાનો કોઈ પણ રીતે દૂરુપયોગ થવા ન દેવાય. છતાંય, આપણે ગામનો કોઈ સામાજીક કાર્યક્રમ હોય તો આંખ આડા કાન કરીએ જ છીએ ને?”
“તો આ રઘુભાઈને…….”
“ના.” ગોવિંદભાઈએ સમજાવ્યું :- “આ સરસ્વતીનું મંદિર છે. રાજકીય પક્ષો માટેનું સાર્વજનિક સ્થાન નથી.”
બાળકો મારફત આ બધી વાતો ગામ આખામાં ફેલાઈ ગઈ.
એકાદ માસ થયો.
ગામના સરપંચની ચૂંટણી પણ પતી ગઈ.
રઘુભાઈ હારી ગયા હતા.
– માણેકલાલ પટેલ.