તુલસીદાસના જન્મ, બાળપણ, લગ્ન અને રામચરિત માનસની રચના સાથે જોડાયેલી આ વાતો લોકો જાણતા નથી.

0
246

જન્મ પછી તુલસીદાસને જોઈને ડરી ગયા હતા તેમના માતા, 12 મહિના ગર્ભમાં રહ્યા અને પત્નીએ ઠપકો આપતા તેમનું જીવન બદલાયું.

વિશ્વને રામચરિત માનસના રૂપમાં એક અનોખો અને અદ્ભુત ગ્રંથ આપનાર ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ સંવત 1554 ના શ્રાવણ શુક્લ સપ્તમીના દિવસે પવિત્ર ચિત્રકૂટના રાજાપુર ગામમાં આત્મારામ દુબે અને હુલસીના ઘરે થયો હતો.

જો કે તેમણે તેમના જીવનમાં ઘણા પુસ્તકો લખ્યા, પરંતુ ભગવાન શ્રી રામના જન્મથી લઈને રાજ્યાભિષેક સુધીની ઘટનાઓને દોહા, ચોપાઈ અને છંદના માધ્યમથી મહાકાવ્યના રૂપમાં લખીને તેમણે સામાન્ય માણસને એક શ્રેષ્ઠ પુત્ર, પિતૃભક્ત, માતૃ ભક્ત, ભાઈઓ પ્રત્યે પ્રેમ, પત્ની પ્રત્યે સમર્પિત, દુષ્ટોનો નાશ કરનાર, મર્યાદાના પર્યાય રાજા, આદર્શ પતિ બનતા શીખવ્યું છે. ચાલો આજે આપણે તેમના જીવનના કેટલાક અજાણ્યા પાસાઓ વિશે જાણીએ.

કંઈક અઘટિત થવાની શંકાને કારણે માં એ તેમને દાસીને સોંપી દીધા :

સામાન્ય રીતે કોઈ પણ બાળક જન્મ્યા પછી રડે છે અને જો કોઈ બાળક ના રડે તો લોકો ચિંતા કરવા લાગે છે. પરંતુ તુલસીદાસ જન્મ પછી રડ્યા નહીં, તેમના મોઢામાંથી રામનું નામ નીકળ્યું. જન્મતાની સાથે જ તેમના 32 દાંત અને ભારે કદકાઠી હતી. તે 12 મહિના સુધી માતાના ગર્ભમાં રહ્યા હતા. આવા સંજોગોમાં, કોઈ અઘટિત ઘટના થવાની શંકામાં માતા હુલસીએ તેમને જન્મના ત્રણ દિવસ પછી પોતાની દાસી ચુનિયા સાથે તેના સાસરે મોકલી દીધા. અને બીજા જ દિવસે માતા હુસલી એ પોતે આ દુનિયામાંથી વિદાય લીધી.

તુલસીદાસ પાંચ વર્ષના હતા ત્યારે દાસી ચુનિયાએ પણ દુનિયા છોડી દીધી. હવે તેઓ અનાથ બનીને ઘરે-ઘરે ભટકવા લાગ્યા. તેમની આવી હાલત જોઈને માતા પાર્વતી રોજ તેમને ખવડાવવા આવતા.

ગુરુ દ્વારા શીખવવામાં આવેલા પાઠને એક જ વખતમાં યાદ કરી લેતા હતા :

સ્વામી નરહર્યાનંદજીએ તેમનું નામ રામબોલા રાખ્યું અને સંવત 1561 માં મહા શુક્લ પંચમીના દિવસે અયોધ્યામાં તેમણો યજ્ઞોપવીત સંસ્કાર કરાવ્યો. રામબોલાએ શીખવ્યા વિના જ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રામબોલા એક જ વખતમાં ગુરુના મુખમાંથી સાંભળેલી વાતો યાદ રાખી લેતા.

સ્વામી નરહરિજીએ તેમને સોરોંમાં રામ ચરિત સંભળાવ્યું. તુલસીદાસે કાશીમાં શેષ સનાતનજીના સાનિધ્યમાં રહીને 15 વર્ષ સુધી વેદ વેદાંગનો અભ્યાસ કર્યો. લોકવા-સના જાગૃત થવા પર તેઓ ગુરુના આદેશ પર પોતાના જન્મસ્થળ રાજાપુર પાછા ફર્યા. અહીં તેમના લગ્ન એક સુંદર સ્ત્રી સાથે થયા.

એકવાર તેમની પત્ની પોતાના ભાઈ સાથે પિયર ગઈ, ત્યારે તુલસીદાસ પણ પાછળ-પાછળ ત્યાં પહોંચી ગયા. પતિને પાછળ-પાછળ આવતા જોઈને તેમણે તુલસીદાસને ઠપકો આપ્યો અને ખરું-ખોટું કહ્યું. તેમણે કહ્યું કે, આ હાડ-માંસના શરીરમાં તમારી જેટલી આસક્તિ છે તેનાથી અડધી પણ જો ભગવાનમાં હોત તો તમારો બેડો પાર થઈ ગયો હોત. પત્નીના શબ્દો તુલસીદાસને તીરની જેમ વાગ્યા, અને તેઓ એક ક્ષણ પણ ત્યાં રોકાયા વિના પાછા ફર્યા.

રામચરિત માનસ રામ નવમીના દિવસે શરૂ કર્યું અને રામ વિવાહના દિવસે પૂરું કર્યું :

ભગવાન શંકર અને પાર્વતીજીએ તેમને દર્શન આપીને આદેશ આપ્યો કે, તમે અયોધ્યા પહોંચીને હિન્દીમાં કવિતા લખો, મારા આશીર્વાદથી તમારી કવિતા સર્વવ્યાપી થશે. બસ, એ પછી તુલસીદાસજી કાશીથી અયોધ્યા આવ્યા અને સંવત 1631 માં રામ નવમીના દિવસે રામ ચરિત માનસની રચના શરૂ કરી. બે વર્ષ, સાત મહિના અને 26 દિવસમાં સંવત 1633 ના માગશર માસના શુક્લ પક્ષના રામ વિવાહના દિવસે આ ગ્રંથની સમાપ્તિ કરી. તેમણે તેના સાત કાંડ લખ્યા.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.