બે મિત્રો અને દરિયા કિનારે તરફડી રહેલી માછલીઓનો આ પ્રસંગ આપણને અતિ મહત્વની શીખ આપે છે.

0
545

એકવાર બે મિત્રો દરિયા કાંઠે બેસીને વાતો કરતા હતા.

અચાનક દરિયાનું એક વિશાળ મોજુ આવ્યુ અને દુર બેઠેલા આ બંને મિત્રો સુધી પહોંચ્યુ.

મોજુ તો આવી ને જતું રહ્યુ પણ આ વિશાળ મોજાની સાથે ઘણી બધી માછલીઓ પણ આવી, પાણી પાછું જતું રહ્યુ પણ માછલીઓ જમીન પર જ રહી ગઇ અને તરફડવા માંડી.

એક મિત્ર તુરંત જ ઉભો થયો અને તરફડી રહેલી માછલીઓને ઉપાડી- ઉપાડીને દરિયામાં ફેંકવા લાગ્યો.

બીજો મિત્ર આ જોઇને હસવા માંડ્યો એટલે માછલીઓને ઉપાડીને દરિયામાં ફેંકી રહેલા મિત્રએ પુછ્યુ કે તું કેમ હસે છે?

પેલા એ હસતા હસતા જ કહ્યુ કે તારા આ ગાંડપણ પર હસુ છું. તું પણ કેવો મુરખો છે આ હજારોની સંખ્યામાં માછલીઓ બહાર આવી છે તું કેટલીને બચાવીશ? તારા આ પ્રયત્નોથી શું ફેર પડશે?

જવાબમાં પેલા મિત્રએ પોતાના હાથમાં રહેલી તરફડતી માછલીને દરિયામાં ફેંકતા કહ્યુ કે, “જો આને તો બચાવી ને, અને આને તો ફેર પડયો ને?”

ઘણી વખત સમાજની બુરાઇઓ જોઇને આપણને એવું લાગે કે હું એકલો આમાં શું કરી શકુ? મારા એકલાના પ્રયાસથી શું ફેર પડે?

આ નાની વાર્તા આપણા આ મહામોટા પ્રશ્નનો બહું સરળતાથી જવાબ આપી જાય છે.

સૂર્ય ન બની શકીએ તો કંઇ નહી નાનો દિવો બનીશું તો પણ આસપાસ થોડું અજવાળું તો આપી જ શકીશું.

અને હા ગમે તેવા ગાઢ અંધારામાં પણ હાથમાં દિવો લઇને ચાલવાનું શરુ કરો તો એ દિવાનું અજવાળું પણ તમારી સાથે જ ચાલશે અને તમે તમારી મંઝીલ સુધી અંધારું હોવા છતા પહોંચી જશો. અંધારું તમારા માટે અવરોધરુપ નહી બની શકે.

(મૂળ સ્ત્રોત – અમદાવાદ બતાવું બ્લોગ) (સાભાર – રઘુવંશી હીત રાયચુરા, અમર કથાઓ ગ્રુપ)