બે વિદ્યાર્થીઓએ ગાયબ કરી દીધી એક બકરી અને સ્કુલનો આખો સ્ટાફ તેને શોધવા લાગ્યો, સમજવા જેવી છે આ સ્ટોરી.

0
423

ત્રીજી બકરી :

રોહિત અને મોહિત ખુબ તોફાની છોકરા હતા, બંને પાંચમાં ધોરણના વિદ્યાર્થી હતા અને એક સાથે જ સ્કુલ જતા હતા. એક દિવસ જયારે સ્કુલમાં રજા પડવાની હતી ત્યારે મોહિતે રોહિતને કહ્યું, મિત્ર મારા મગજમાં એક આઈડિયા છે.

બતાવ બતાવ શું આઈડિયા છે? રોહિતે એકસાઈટેડ થઈને પૂછ્યું.

મોહિત – જો સામે ત્રણ બકરીઓ ચરી રહી છે.

રોહિત – તો તેનાથી આપણે શું લેવા દેવા છે?

મોહિત – આપણે આજે સૌથી છેલ્લે સ્કુલ માંથી નીકળીશું અને જતા પહેલા આ બકરીઓને પકડીને સ્કુલમાં છોડી દઈશું, કાલે જયારે સ્કુલ ખુલશે ત્યારે બધા તેને શોધવામાં પોતાનો સમય બગાડશે અને આપણે અભ્યાસ નહિ કરવો પડે.

રોહિત – પણ આટલી મોટી બકરીઓ શોધવી કોઈ મુશ્કેલ કામ થોડું છે, થોડા જ સમયમાં તે મળી જશે અને પછી બધું નોર્મલ થઇ જશે.

મોહિત – હા એજ ખાસ વાત છે કે આ બકરીઓ કોઈ સરળતાથી શોધી નહિ શકે. બસ તું જોતો જા હું શું કરું છું.

ત્યાર પછી બંને મિત્ર રજા મળ્યા પછી પણ અભ્યાસ કરવાના બહાને ક્લાસમાં બેસી રહ્યા અને જયારે બધા લોકો જતા રહ્યા તો તે ત્રણ બકરીઓને પકડીને ક્લાસની અંદર લઇ આવ્યા. અંદર લાવીને બંને મિત્રોએ બકરીઓની પીઠ ઉપર કાળા રંગનો ગોળો બનાવી દીધો. ત્યાર પછી મોહિત બોલ્યો, હવે હું આ બકરીઓ ઉપર નંબર લખી દઉં છું. અને તેણે સફેદ રંગથી નંબર લખવાનું શરુ કર્યું.

પહેલી બકરી ઉપર નંબર 1, બીજી ઉપર નંબર 2, અને ત્રીજી ઉપર નંબર 4.

આ શું? તે ત્રીજી બકરી ઉપર 4 નંબર કેમ લખ્યો? રોહિતે આશ્ચર્ય સાથે પૂછ્યું.

મોહિતે હસતા હસતા કહ્યું, મિત્ર આ જ તો મારો આઈડિયા છે, હવે કાલે જોજે બધા ત્રીજા નંબરની બકરી શોધવામાં આખો દિવસ કાઢી નાખશે. અને તે ક્યારે પણ મળશે જ નહિ.

બીજા દિવસે બંને મિત્ર સમયથી થોડા વહેલા જ સ્કુલે પહોંચી ગયા. થોડી વારમાં જ સ્કુલની અંદર બકરીઓ હોવાથી દેકારો મચી ગયો.

કોઇ બુમો પાડી રહ્યું હતું, “ચાર બકરીઓ છે, પહેલા, બીજા અને ચોથા નંબરની બકરીઓ તો સરળતાથી મળી ગઈ. બસ ત્રીજા નંબર વાળી શોધવાની બાકી છે.”

સ્કુલનો આખો સ્ટાફ ત્રીજા નંબરની બકરીને શોધવામાં લાગી ગયા. એકે એક ક્લાસમાં શિક્ષક ગયા અને સારી રીતે ચેક કર્યું. કેટલાક શોધવા વાળા વીર સ્કુલના ધાબા ઉપર પણ બકરી શોધતા જોવા મળ્યા. ઘણા સીનીયર બાળકોને પણ આ કામમાં લગાવી દેવામાં આવ્યા.

ત્રીજી બકરી શોધવાનો ખુબ પ્રયત્ન કરવામાં આવ્યો. પણ બકરી ત્યારે મળે ને જયારે તે હોય, બકરી તો હતી જ નહિ.

આજે બધા દુઃખી હતા પણ રોહિત અને મોહિત આટલા ખુશ પહેલા ક્યારેય થયા ન હતા. આજે તેમણે પોતાની ચાલાકીથી એક બકરી અદ્રશ્ય કરી દીધી હતી.

આ સ્ટોરી વાંચીને ચહેરા ઉપર થોડું હાસ્ય આવવું સ્વભાવિક છે. પણ આ હાસ્ય સાથે સાથે આપણે તેની પાછળ છુપાયેલો સંદેશ પણ જરૂર સમજવો જોઈએ. ત્રીજી બકરી ખાસ કરીને એ વસ્તુ છે જેને શોધવા માટે આપણે બેચેન છીએ પણ તે આપણને મળતી જ નથી. કેમ કે તે વાસ્તવિક રૂપમાં હોતી જ નથી.

આપણે એવું જીવન ઇચ્છીએ છીએ જે પરફેક્ટ હોય, જેમાં કોઈ પ્રોબ્લેમ જ ન હોય, પણ તે શક્ય જ નથી.

આપણે એવા લાઈફ પાર્ટનર ઇચ્છીએ છીએ જે આપણને સારી રીતે સમજે જેની સાથે આપણે ક્યારેય અણબનાવ ન થાય. પણ તે શક્ય જ નથી.

આપણે એવી જોબ કે બિઝનેસ ઇચ્છીએ છીએ, જેમાં હંમેશા બધું જ એકદમ સરળતાથી ચાલતું રહે. પણ તે શક્ય જ નથી.

શું દરેક વખતે કોઈ પણ વસ્તુ માટે પરેશાન રહેવું જરૂરી છે?

એવું પણ બની શકે છે કે આપણા જીવનમાં જે કાંઈ પણ છે તે આપણા જીવનની પઝલને ઉકેલવા માટે પૂરતું હોય. એવું પણ તો બની શકે છે કે, જે ત્રીજી વસ્તુની આપણે શોધ કરી રહ્યા છીએ તે હકીકતમાં હોય જ નહિ. અને આપણે પહેલાથી જ સંપૂર્ણ હોઈએ.

એટલા માટે અદ્રશ્ય આદર્શની શોધમાં આપણા જીવનને બગાડ્યા વગર વર્તમાનમાં મસ્ત રહીએ.