“ઉઘાડી ડેલી” – સત્ય ઘટના પર આધારિત આ સ્ટોરી સમાજ માટે ઉદાહરણ પૂરું પાડનારી છે.

0
1000

ઉઘાડી ડેલી :

– ભાનુભાઈ અધ્વર્યુ.

વરસાદ હજી હમણાં જ થભ્યો, પરબતે એક હાથ માં છત્રી અને બીજા હાથમાં લાકડી લીધી અને ફળિયામાં જોડા પહેરતા પહેરતા અવાજ પાડ્યો, “સવિતા બેટા, વરસાદે પોરો ખાધો છે, બળદ બે દી’ થી બાધ્યા છે, હું ખેતર આટો મારતો આવું અને બળદ ને શેઢે ચરાવતો આવું, મારા અને બળદ બંનેના પગ છૂટા થાય.” “અને, એક શીશલી માં દૂધ ભરી દો, ચા ખાંડની ડબ્બીઓ ભરી દો. ખીલેથી બળદ છોડતા ઉમેર્યું,” મોડો આવું તો ચંત્યાં કરતાં નહીં.”

“ આતા, બોવ મોડુ કરતાં નહીં, તમારે શ્રાવણના સોમવારનુ એકટાણું છે, એકટાણાંના ટાણે વયાં આવજો.” ચા ખાંડની ડબ્બીઓ અને દૂધ ની બોટલ આપતા સવિતા બોલી.

સીતેર સીતેર દિવાળીઓ જોઈ ચૂકેલો પરબત હજી કડે ધડે હતો. ખેતરમાં આવી ચા ખાંડની ડબ્બીઓ તેમજ દૂધની બોટલ એક થેલીમાં નાખી શેઢે આવેલ વિશાળ બાવળ પાતળી તીરમાં ટીંગાડયા. લાંબી રાશે બળદોને બાંધી શેઢામાં છૂટા ચરવા મૂક્યા અને પોતે ખેતર માં આટો મારવા નીકળ્યો.

ઓણસાલ વરસાદ સારો અને સમયસર વરસતો હતો. આખી સીમ લીલીછમ્મ દેખાતી હતી. મગફળી, કપાસ અને બાજરાનો પાક હિલોળા લેતો હતો. હમણાંજ વરસાદ વરસ્યો હોવાથી ખેતર માં ઠેર ઠેર જાબોલીયા ભર્યા હતા. શેઢાના વૃક્ષોના પાન ધોવાઇને સૂર્યપ્રકાશમાં ચમક્તા હતા. પંખીઓના ટોળે ટોળાં કિલ્લોલ કરતાં આમ તેમ ઉડતા હતા. આકાશ હજી ગોરંભાયેલ હતું ઓતરાદી ક્ષિતિજે વાદળોના ઓઘના ઓઘ નીકળીને ઊચે ચડી રહ્યા હતા. પરબત મનોમન બગડ્યો, “ વરસાદ હજી ખરાડ દે તેવું લાગતું નથી, બપોર સુધી માં તો પાછો આવશે કા’તો.

તેણે ખીસ્સામાથી પ્લાસિટિકની કોથળીમાથી બીડી બાકસ કાઢ્યા. શેઢે આડા પડી ગયેલ એક વૃક્ષના થડીયા પર બેસી બીડી પીવા લાગ્યો.

“ઓણની જેમ ઇ વરહ પણ ભલસરાં થયેલું,” બીડીનો ઊંડો કસ ખેચીને, નાક મોં માથી ધૂમાડા કાઢતા સ્વગત બબડ્યો. પરબત ના માનસપટના કમાડ પર અતીતના ટકોરા વાગવા લાગ્યા.

પોતાના પિતાનું તે એકનો એક સંતાન હોવાથી વિશાળ ખેતીવાડી, પાકા ચીરાબંધ મકાનનો તે એકલો વારસદાર હતો. બે ચોપડી માંડ ભણ્યો ને લાગી ગ્યો ખેતીકામમાં વીસમાં વર્ષે તો પરણી પણ ગ્યો. તેની પત્ની દિવાળી દેખાવડી અને પ્રેમાળ સ્વભાવ ની હતી. બે સંતાન થયા મોટી દીકરી સંતોક અને નાનો દીકરો સવજી. બીડીનો છેલ્લો કસ લઇને ફેકી દીધી. બળદ આરામથી શેઢાના લીલાછમ્મ ઘાસમાં ચરતા હતા. પોતાના માતપિતા પૌત્ર પૌત્રી ને રમડીને એક એક વર્ષ ના આતરે પરલોક સીધાવી ગ્યાં. તેનું વિચાર વલોણું

ખેતરની નજીક આવેલ શિવ મંદિર માં કોઈ દર્શનાર્થીએ ઘંટ વગાડયો અને પરબતની વિચારતંદ્રા તૂટી. ઓતરમાં ઘટાટોપ વાદળાં ઉપરને ઉપર ચડે આવતા હતાં.

બળદો એ હવે ચરવાનું છોડીને પરબત તરફ મોં રાખી ભાંભરતા હતાં. તે ઉઠ્યો બળદોને છોડી પાણીથી છલોછલ ભરેલી કુંડી માં પાણી પાયું. અને બાવળ પાસે આવેલ ફરજામાં બાંધ્યા. તેણે ઉગમણે આખ ઉપર હાથના નેજવા કરી ને જોયું, વાદળછાયાં આકશ માં સૂર્યદર્શન થતાં નહોતા પણ તેની અનુભવી આંખે જોઈ લીધું કે દિવસ ખાસ્સો ચડી ગયો હતો.

બાવળ નીચે પત્થરથી બનાવેલા મંગળામાં સૂકા ટીટીયા નાખ્યા એક બોટલમાંથી સાઠીકડા વડે કેરોસીન નું પોતું કાઢી ને મૂક્યું. દિવાસળી વડે મંગાળો પેટાવી તાપ કર્યો. તપેલીમાં પાણી દૂધ ચા ખાંડ ભેગા કરી તપેલીને તાપ માથે મૂકી.

આજ ભૂતકાળ એનો પીછો છોડતો નથી પગથી માથા સુધી ઢબૂરીને સૂતેલો અતીત આળસ મરડી ને બેઠો થયો હતો.

તેની નજર સામે સંતોક અને સવજી મોટા થવા લાગ્યા. પાંચ સાત ચોપડી ભણ્યા અને પછી સંતોક ઘરકામમાં અને સવજી ખેતીકામમાં જોતરાઇ ગયા.

” દી ’ ને જતાં કયા વાર લાગે છે?” તે મનોમન બબડ્યો અને શેઢા પાડોશી ખેડૂત ભીમજી ને સાદ પાડયો, “ભીમા, હાલ્ય ચા પાકી ગઇ છે. “

” હવે તો આ મેઘો ખમૈયા કરે તો સારું, મોલાત માં પાણી લાગી જશે.” બોલતો બોલતો ભીમો આવ્યો અને ચા પી ને તરત રવાના થયો, “હાલો, પરબત કાકા મારે હજી ઢોર પાવા છે.”

ભીમાને જતો જોઈને પરબતને પોતાનો યુવાન દીકરો સવજી નજર સામે તરવરવા લાગ્યો. ઊંચો પાચ હાથ પૂરો, દેખાવે ફૂટડો સવજી જ્યારે નોરતામાં દાંડિયા રાસની રમઝટ બોલાવતો હોય ત્યારે લોકો જોવા થંભી જતાં. અને વહુ સવિતાની તો શું વાત કરવી ! ઊભી બજારે માથે ભરી હેલ મૂકીને પાણી ના રેલાની જેમ હાલી આવતી સવિતાને જોઈને રામજી મંદિરને ઓટે બેઠેલા બુઢીયાઓ આંખે નેજવા કરીને જોઇ રહેતા, કોઈ વળી બોલતું પણ ખરું, “ પરબત તારા ઘરે તો સાક્ષાત લક્ષમીજી પધાર્યા છે હો !”

ઓણની જેમ તે વર્ષે પણ વરસાદ ખૂબ સારા અને સોળઆની પાક થયેલો. એક દિવસ સવિતાએ પાણીની હેલ્ય પાણીયારે મુક્તા કહું, “બા, આપણાં ગામમાથી ચારધામની જાત્રાનો સંઘ નીકળે છે, મોટા ફળિયા વાળા કરશનકાકા અને ચંપાકાકી એ નામ નોધવ્યા છે, તમે ને મારા આતા જઈ આવોને જાત્રામાં.” તે એકી શ્વાસે બોલી ગઈ.

ઓસરી માં બેઠી બેઠી આધેડ ઉમરે પહોચેલી દિવાળી શાક સમારતા સમારતા બોલી,. “બેટા, લગનનો ખર્ચો હજી હમણાં જ કર્યો અને સંતોકને આણું વાળ્યુ હવે જાત્રાના ખર્ચાને કેમ પોગવુ?”

સવિતા કહે, “ એતો દઈ રહેશે દેનારો, તમે ચંત્યા ન કરો વળી ઓણ ઉપરવાળાએ મે’ર કરી છે. જઈ આવો, અહીંનું હું અને તમારા દીકરા પહોચી વળીશું.”

આખરે સવિતાએ બંનેને જાત્રા માં મોકલવાનું નક્કી કરાવ્યુ. પરબત જાતે જઈને નામ નોધાવી આવ્યો. સવજી અને સવિતા શહેરમાં જઈ બન્ને માટે નવા કપડાં, જોડા અને બીજી જરૂરી વસ્તુઓ ખરીદી લાવ્યા. સવિતા એ ઘરની જ ભેસના ઘી માથી રસાળ સુખડી બનાવી અને ભાતાના ડબ્બા ભરી દીધા વાજતે ગાજતે જાત્રા ઉપડી પણ ગઈ.

તે સમયે વાહન વ્યવહાર ખૂબ જ ઓછા જ્યાં સુધી રેલ જાય ત્યાં સુધી રેલ પછી બસ. અને કોઈ સ્થળે ચાલીને જાત્રા થતી. સંધમાં રસોઈયા, મજૂરો સાથે રહેતા જ્યાં મુકામ કરે ત્યાં રસોઈ બનતી સંઘ માં એકાદ ભણેલો માણસ દરેક જાત્રાળુના ઘરે ખુશીખબર ની ટપાલ લખી દેતો. આમ બબ્બે ત્રણ ત્રણ મહિના જાત્રા ચાલતી.

સંઘ રવાના થયા પછી સવિતા રોજ આંગણામાં માં ઓકળીઓ પૂરતી અને પાણીયારે ઘીનો દીવો કરી બે હાથ જોડી પ્રાથના કરતી, “ હે પરભૂ ! જાત્રા હેમખેમ પાર પાડજો.”

એકાએક ઓતરાદો આંખો ને આંજી દેતો વિજળીનો ચમકારો થયો ને પ્રચંડ મેઘગર્જના થઈ, મોરલાના ટહૂકાથી વાતાવરણ ગાજી ઉઠ્યું અને પરબત ભૂતકાળ ની ગર્તામાથી વાસ્તવિક ભૂમિ ઉપર પાછો આવ્યો.

તે ઊભો થયો, ફરજામાં જઈ બળદની માથે હાથ ફેરવ્યો. માલિકનો પ્રેમાળ હાથ શરીર પર ફરતો અનુભવી બળદોએ ખુશી વ્યક્ત કરવા માટે તેનો હાથ ચાટવા લાગ્યા. ધીમી ધારે વરસાદ ચાલુ થયો, તેણે ચા બનાવવા માટેના સાઠીકડા પલળી ન જાય તે માટે ફરજા માં મૂક્યા ત્યાં પડેલા ખાટલા ઉપર બેસીને તેણે ફરીવાર બીડી સળગાવી ને ઊંડા કસ લેવા લાગ્યો.

બીડી માથી નીકળતી ધ્રુમસેરમાં વળી તેને ભૂતકાળ નજરે ચડ્યો.

સફળતા પૂર્વક જાત્રા પૂરી કરીને સંઘ ગામમાં પરત આવ્યો ગામે ઉમંગથી સંઘનું સામૈયું કર્યું. કમરે બાંધેલ દોકડને તાલબદ્ધ થાપી દેતો કાનો હજામ અને ઝાંઝના તાલે પહાડી રાગમાં કીર્તન ગવરાવતા નથુ કોળી નજર સમક્ષ ખડા થયા.

“શેરી વળાવી સજજ કરું ઘરે આવોને ,

શેરડીયે પધરાવું ફૂલ વાલમ ઘરે આવોને.”

હેમખેમ જાત્રા પૂરી કરીને પરત આવેલા સાસુ સસરાનું સવિતાએ હરખ થી સ્વાગત કર્યું. પાણીયારે દિવો કર્યો, ને સાસુ સસરાને પગે લાગીને શુભ સમાચાર આપ્યા કે તેના પેટ માં પરબત પટેલ નો વંશવેલો ઉછરી રહ્યો છે. બન્ને હરખ ઘેલા થઈને ગામને કંઠી પ્રસાદ આપવા જતી વખતે કહેતા, “બેન , અમારી જાત્રા ફળી, સવિ વહુ ને સારા દિવસો જાય છે કારતક માં તો ખોળો ભરવાનો છે.”

પરંતુ ભાવિના ગર્ભમાં કઈક અલગ લખાયું હશે , હસતા કિલ્લોલતો આ સુખી કુટુંબ માથે અચાનક દૂ;ખના ડુંગર તૂટી પડ્યા. પરબત ઉઘાડી આંખે નજર સામે ચિત્રપટ ઉપર દેખાતા ચિત્રોની જેમ ઘટના નિહાળી રહયો. વરસાદ વરસતો હતો અને પરબતની આંખ માં શ્રાવણ ભાદરવો વરસતા હતાં.

આજની જેમ તે દિવસે પણ શ્રાવણનો સોમવાર હતો.ધીમી ધારે વરસાદ વરસતો હતો. પરબત ઓસરીમાં ખાટલો ઢાળીને બેઠો-બેઠો બીડી પીતો હતો. સવજીએ ફરજામાથી બળદ છોડયા, ભેસ પણ છોડી, બોલ્યો, “આતા ઢોરને શેઢેમાં આંટો મરાવતો આવું.”

“સવા, આજે વરસાદની ઉભ વધારે છે. આજે ઢોર ભલે બાંધ્યા. ખીલે નિરણ નાખી દેશું.”

પણ સવજી માન્યો નહીં અને ઢોર લઈને નીકળી ગયો.

બોલતો હતો, “વરસાદ જોઈને ખેડૂત નો દીકરો ડરી જાયતો ખેતી થાય કેમ?”

વરસાદનું જોર વધતું ચાલ્યું નવ-દસ વાગતા સુધીમાં તો સાંબેલાધારે વરસવા લાગ્યો. અને આકાશમાં સબાસબી વીજળી ને મેઘગર્જના થવા લાગી. પરબત ના જીવને આજે કયાય ચેન પડતું નહોતું.

અચાનક આખા આકાશને ભરી દેતો વીજળીનો ચમકારો થયો, ડુંગરા ધણધણાવતી ગર્જના થઈ રસોડામાં કામ કરતી સાસુ વહુ દોડીને બહાર નીકળ્યા. પરબતના હ્રદયના ધબકારા વધી ગયા. વીજળીની સાથે તેના દિલમાં ઉભો ધ્રાસકો પડ્યો. વરસાદનું જોર સતત વધતું જતું હતું.

ત્યાં તો અચાનક દેકારો થયો, ”દોડો, દોડો વીજળી” પડી પરબત ઉભો થતો’કને જોડા પહેર્યા ન પહેર્યાને દોટ કાઢી ખેતર ભણી.

તેનો ભય સાચો પડ્યો. બળદને શેઢે ચરવા મેલીને ખેતરમાં આંટો મારતા સવજી ઉપર વીજળી પડી હતી.

આ જ મોટા બાવળ પાસે ચતા પાટ પડેલા સવજીનું શરીર કાળું પડી ગયું હતું. પરબત હાફતો હાફતો પહોચ્યો ત્યારે અર્ધુ ગામ પહોચી ગયું હતું.

ગામમાં હાહાકાર વર્તાઇ ગયો. પરબત પટેલનો જુવાનજોધ સવજી પોતાના બાળકનું મોં જોવા પણ ન રોકાયો અને અનંતની યાત્રાએ ચાલી નીકળ્યો આધેડ ઉમરે પહોચેલા પરબતનું જીવવું આકરું થઈ પડ્યું.

સવિતાના છાતીફાટ રુદન ભલ-ભલા મરદ મુછાળાને પણ પીગળવતા હતા. ગામની પીઢારૂ સ્ત્રીઓ સમજાવતી હતી. ”સવિતા, દિકરી બીજું બધું તો ઠીક પણ તારા પેટમાં ઉછરતા બાળક સામે તો જો” પણ સવિતાનું રોણું અટક્તું નહોતું.

સૌથી દયનીય હાલત તો હતી સવજીની માની હતી. એક તો જુવાન દિકરાનું ગામતરૂ અને બે જીવ સોતી તેની લાડકી વહુની વેદના એનાથી સહી જતી નહોતી. આમ અચાનક જુવાનજોધ એકનો એક દીકરો અકાળે ગામતરું કરી જાય તે કઈ માં સહન કરી શકે? તેને એટલો તો ઉંડો આઘાત પહોચ્યો હતો કે હવે તે રાતમાં લવી ઉઠતી.

“મારા સવજીના ઘેર દીકરો આવ્યો, અસલ બીજો સવલો છે.”

ને આમને આમ દીકરાના વિરહમાં છ મહિનામાં તો તેની માં પણ હાલી નીકળી અનંતની યાત્રાએ, દીકરાને મળવા.

છ માસના ટૂંકા ગાળામાં ઘરમાં બબ્બે દુઃખદ પ્રસંગથી પરબત ભાંગી ને ભુક્કો થઈ ગયો. પણ હશે, જેવી ઉપરવાળાની મરજી તેમ ગણીને મન વાળતો હતો. પણ નજર સામે વિધવા અને સગર્ભા વહુનું મોં તેનાથી જોયું જતું નોહતું. હિમત વાળી સવિતા કળાવા દેતી નોહતી પણ એકલી એકલી રડયે રાખતી હતી.

આપણામાં એક કહેવત છે. ’દુ;ખ ઓસડ દહાડા’ તે મુજબ ધીમે ધીમે દુ;ખને વિસારે પાડીને પરબત ખેતીકામમાં વળગ્યો અને સવિતા ઘરકામમા અને પેટમાં ઉછરતા આ ઘરના વંશ વેલાના ઉછેરમાં ધ્યાન દેવા લાગી. હવે તે પરબત પટેલની લાજ પણ કાઢતી નહોતી બંન્ને બાપ દીકરી ની જેમ રહેવા લાગ્યા.

એક દિવસ શિરામણ કરતાં કરતાં પરબત પટેલે કહ્યું, “સવિતા અહી આવને દિકરી, મારી વાત સાંભળ, મારી જીભ આ કહેતા ઉપડતી નથી પણ તું હજી નાની બાળક, આમ કેટલો વખત રહીશ અને આપણાંમાં ક્યાં નથી થાતું?” તેણે નિશ્ર્વાસ નાંખતા આગળ કહ્યું, “દિકરી, તું હા પાડે તો આ જ ઘરેથી જેમ સંતોકને સાસરે વળાવી તેમ તને પણ વળાવું. મારી દીકરી! મારાથી તારું વિધવાપણું જોયું જતું નથી.”

પરબતની આંખ માથી શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યા.

“આવું કેમ બોલો છો આતા?” પાણીનો કળશ્યો આપતા સવિતા બોલી, “હું વઇ જાવ તો તમારું કોણ?” “ને વળી આ પેટમાં ઉછેરતો આ ઘરનો વેલો. જો દીકરો આવશે તો આ ઘરની ડેલી ઉઘાડી રહેશે અને દીકરી આવશે તો લક્ષ્મી ગણી ઉછેરી ને સાસરે મોકલશું. હવે તો આ ઘરમાથી મારી ઠાઠડી જ નીકળશે આતા.” પરબત મૂંગા મુંગા સાંભળતો રહયો.

સવિતાએ દીકરીને જન્મ આપ્યો. પરબતે “જેવી પ્રભુની મરજી “ કહીને મન વાળી લીધું હવે તો “દીકરો હોય કે દીકરી, ભણાવી ગણાવી સારા સંસ્કાર આપો એટલે દીકરી પણ સવાયો દીકરો સાબિત થાય.”

પણ સવિતાનું મન માનતું નોતું “ ગમે તેમ તોય દીકરી પારકી થાપણ, કાલ સવારે પાંખો આવે ને ઉડી જાય.” અને આતા કે હું ન હોઈએ તો આ ડેલી હમેશ માટે બંધ થઈ જાય.” ”ના, આનો મારે કઈક રસ્તો કાઢવો પડશે.” તેણે મનોમન કંઇક સંકલ્પ કર્યો.

વળી એક દિવસ પરબત ખેતરે થી આવ્યો સવિતા બાળકીને હીંચકાવતી હતી. ત્યારે તેણે ફરી કહ્યું “સવિતા, દીકરી માની જા હો હજીય મોડુ નથી થયું. દીકરી મોટી થશે એટલે હું લઈ જઈશ અને અમે દાદો, દીકરી અહી રહીશું પણ તારું જીવતર બગાડ માં દિકરી.” તેણે બળદ ને ફરજામાં બાંધ્યા.

“મે તો કઈક નવું જ વિચાર્યું છે આતા,” પરબતને પાણી આપતા સવિતા બોલી મારે નવી સાસુ લાવવી છે. તમારું ઘરઘૈણું કરવું છે.”

પરબતના ચહેરા ઉપરનું નૂર ઊડી ગયું, ચહેરો ધોળો પૂણી જેવો થઇ ગયો. જેમ કોઈ અઘટિત પ્રસંગ સામે આવ્યો હોય તેમ પરબત વિસ્ફારિત આંખે સવિતા તરફ જોઈ રહ્યો.

“તારે મારા ધોળામાં ધૂળ નાખવી છે.”

“ઘરમાં જુવાનજોધ વિધવા વહુ હોય ને હું ઘરઘૈણું કરું. આ કરતાં તો હું દુનિયા છોડવાનું પસંદ કરીશ.”

તેની આંખમાથી ટપ..ટપ આંસુ વહેવા લાગ્યા.

પણ એમ હારે તો સવિતા શેની ! તેણે ગામના પાંચ આગેવાનો અને પીઢારૂ બે ત્રણ ડોસીઓને એક દિવસ ઘરે બોલાવીને તેના સસરાનું ઘરઘૈણું કરવાની વાત વહેતી મૂકી.

પહેલા તો ગામના આગેવાનો અચંબામાં પડી ગયા પણ સવિતા એ મુદ્દાસર વાત કહેતા કહ્યું, “જુઓ, મેઘજીકાકા, લખમણઆતા , મારે તો આ પરબત પટેલની ડેલી ઉઘાડી રાખવી છે. મારા આતાનું ઘરઘૈણું કરવા સિવાય ડેલી ઉઘાડી રાખવાનો કોઈ રસ્તો છે ખરો?” “સાચું કેજો અમરતકાકી હજી મારા આતાને પંચાવન માંડ થયા છે અને આ કઈ મોજ શોખ ના લગન થોડા કરવા છે !”

“પાંચ માં પૂછાતા પરબત પટેલની ડેલી સુની રહે એ મરાથી ખમાંતું નથી મારે તો મારા દેર ને, આ છોડી ના કાકાને રમાડીને મોટો કરવો છે. અને ફરી વાર આ ઘરમાં આનંદના અંજવાળા પાથરવા છે,” દીકરીના માથે હાથ મુક્તા સવિતાએ ઉમેર્યું,. “અને જો આતા નહીં માંને તો મારે આજથી અન્નજળ હરામ ” સવિતા સાડલા ને છેડે આંસુ લૂછતા બોલી.

અરે અરે ! આ તું શું કહે છે દીકરી ! છાની રહે, તારા આતા માને શું નહીં? અમે માનવીશું પરબતને આ સો વીઘા જમીન, વાડી ઘોડી, ચીરાબંધ મકાનનો વારસદાર કોણ? પરબત ના ગયા પછી સવિતાનું કોણ અને તમારા બન્નેના ગામતરા પછી આ વખંભર ડેલી અને ઊંચા પડથારના મકાન ખાવા દોડશે. આ દીકરી તો કાલ સવારે પાંખો આવશે એટલે ઊડી જશે.” સવિતાની વાતમાં સચ્ચાઈ લાગતાં પંચ બોલ્યું.

અને આખરે પરબતને માનવું પડ્યું.

સવિતાએ પોતાના મોસાળ માથી પોતાના થી દસેક વરસ મોટી એક ત્યક્તા સ્ત્રી ને શોધી કાઢી અને સસરાનું ઘરઘૈણું કર્યું.

આજ સુધીમાં વિધવા વહુનાં પુર્ન: લગ્ન સસરા ના ઘરે થી થયાના ઘણા પ્રસંગો બન્યા છે. પણ, વહુ એ સસરાને ફરીવાર પરણાવ્યાનો પ્રથમ દાખલો હતો.

અરે ! આપણાં રાષ્ટ્રીય શાયર મેઘાણીની લોક કથામાં દીકરી એ બાપ ને ભાઈની ખોટે ફરી પરણાવ્યાનો પ્રસંગ છે. પણ સવિતા જેનું નામ તેણે એક અનોખો ઇતિહાસ રચ્યો. આખા પરગાણા માં સવિતા વહુનો ડંકો વાગી ગ્યો.

આવનારી નવી સાસુએ વરસ વળોટ માં દીકરા નો જન્મ દીધો. સવિતાએ પોતાની સાસુની દીકરીની જેમ સુવાવડ કરી.

ધીમે ધીમે સવિતા વહુ માથી સવિતા માં તરીકે ગામમાં ઓળખાવા લાગી. તેણે પોતાના નાનકડા દેર અશ્વિનને ઉછેરવામાં રાતદિવસ એક કર્યા. પોતાની દીકરી અર્પિતા અને કાકા અશ્વિન બન્ને સાથે સારી રીતે ઉછરવા લાગ્યા. સવિતા હવે ગામમાં પુછ્યા ઠેકાણું હતી. સારા નરસા પ્રસંગે તેની સલાહ ઉપયોગી નીવડતી. આજે હવે કાકો , ભત્રીજી નજીક ના શહેરમાં કોલેજ ના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરે છે. અને પરબત પટેલ ની ડેલી ઉઘાડી જોઈ ને સવિતા પરમ સંતોષ અનુભવે છે.

વરસાદ હવે બંધ થઇ ગયો હતો. પનીયાને છેડેથી આંખો લૂછતો પરબત ફરજા માથી બહાર આવ્યો. લીલીછમ મોલાત ઉપર વરસાદ વરસી ગયા પછીનો તડકો ચમકતો હતો અને તેવોજ ચમકતો હતો નજીક માં આવેલ શિવમંદિર ઉપરનો કળશ. તેણે શ્ર્ધા પૂર્વક મંદિરની દિશામાં બે હાથ જોડી માથું નમાવ્યું, “વાહ પ્રભુ , જોતો ખરો કેવી છે તારી માયા!!”

અચાનક રસ્તા ઉપર મોટરસાયકલનો આવાજ આવ્યો. મોડુ થઈ ગયું હોવાથી અશ્વિન તેને તેડવા આવ્યો હતો. “બહું મોડુ કર્યું બાપુજી,” તેણે મોટરસાઇકલ ઉભીરાખીને ઉમેર્યું,” મારી બેય માં એ હજી તમારી વાટમાં એકટાણું નથી કર્યું. તેણે પરબત ને બેસાડી ને મોટરસાઇકલ મારી મૂકી. સવિતા તેની ભાભી થતી હોવા છતાં તે હમેશ માં જ કહેતો.

થોડી જ ક્ષણોમાં મોટરસાઈકલે ઉઘાડી ડેલીમાં પ્રવેશ કર્યો.

( સત્ય ઘટના પર આધારિત )

ભાનુભાઇ અધ્વર્યુ, ૩૭, “વિહંગ”, વિદ્યુતનગર, સાવરકુંડલા.