“ઉનાળાની કવિતા” આ રસપ્રદ આર્ટિકલ વાંચશો તો તમારું મન શહેરથી દૂર એક રોમાંચક દુનિયામાં પહોંચી જશે.

0
1164

લેખન : શૈલેષ પંચાલ.

ચૈત્ર વૈશાખની આગ ઓકતી ગરમીમાં રણકાંઠાના ગામડાઓમાં છકડામાં મુસાફરી કરતાં લોકોને ઉનાળાની કવિતા શીખવવી નથી પડતી. એ છકડામાં બેઠેલો વૃદ્ધ ધ્રુજતાં હાથે પોતાના હાથમાં રહેલ કાપડની થેલીને કસીને પકડી રહ્યો હોય છે. એ થેલીમાં રહેલા ચીભડાંમા ઘેર રાહ જોતાં બાળકોના ચહેરા પરનું સ્મિત છુપાયેલું હોય છે. ચીભડાને અમારા મલકમાં ” ઠેઠી ” કહેવાય છે. ઠેઠી શબ્દ ટેટીનુ અપ્રંભશ છે.

એ છકડામાં બેઠેલી કોઈ બહેનની જવાબદારી બેવડી નહીં,ત્રેવડી,ચોવડી ને અનેકગણી હોય છે. વડીલોની આમન્યા ભરવામાં તાણેલો ઘુમટો ગરમીથી પણ રક્ષણ આપી રહ્યો છે. ખોળામા સુતેલા છોકરાં પર ઢાંકેલો સાડલો હવે ખુબ જીર્ણ થઇ ગયો છે પણ, એની જીજીવિષા જીર્ણ નથી થતી. રાધનપુરથી આવતાં સુધીમાં એ પોતાના ટેણીયાને કેટલીય વખત પાણીનું પુછી લે છે. બાસ્પા સ્ટેશને બાજુમાં બેઠેલો મોટો દીકરો જીદે ચઢે છે ને એ બહેનનાં મુખેથી વરાળ નીકળે છે. મેં વઢિયારની બહેનો વિશે આ વાત નોટ કરી છે કે છોકરાં કશુંક ખાવાનું લેવા ધમપછાડા કરે ત્યારે મા એને બરાબર ધમકાવે.. પરંતુ, છકડો ઉપડવાની તૈયારી થાય ત્યારે ગામ સુધી પહોંચવાનું ભાડું રાખીને પણ છોકરાં માટે ખાવાનું લઈ આપે.

મારી દ્રષ્ટિએ આવાં લોકો રણમાં ખીલેલા ગુલાબ છે..જેમની આસપાસ કંટકોની ભરમાર છે ને તોય માનવમુલ્યોની માયા અપાર છે. એમની વાણી બરછટ ને ક્યારેક તો વાગતી બરછી કટાર છે પણ, હૈયા દિલદાર છે. અભાવોના ઓશિકાં કરીને એ કાયમ ઉંઘે છે પણ, સંજોગો સામે બાથ ભીડવા હરહંમેશ તૈયાર છે.

દરરોજ રાત્રે પાણીનું માટલું ચોકમાં ખુલ્લામાં રાખવામાં આવે છે. તો જ આખી રાત ઠરેલુ પાણી બીજા દિવસે બપોરે ફ્રીજની ગરજ સારે છે. અમારા અસંખ્ય ગામડાંઓમાં આ પરંપરા બરકરાર છે.

એ માટલામાં રહેલું પાણી પીવાની અસ્સલ મજા ત્રાંબાના કળશ્યામા આવે છે. લોટો..શબ્દ મને બિલકુલ ગમતો નથી. વઢિયારમા વડીલો કહે છે કે ” કરશીયો ભરીન પાણી આલ ” કળશ્યો શબ્દ કળશ પરથી આવ્યો હશે કદાચ…પરંતુ, સાચું કહું તો હું છેલ્લા બે મહિનાથી ત્રાંબાના કળશ્યામા પાણી પીઉં છું. એક કળશમાં ચાર ગ્લાસ પાણી સમાય છે. શહેરમાં કોઈનાં ઘેર જઈએ ને સામેથી પાણીનો ગ્લાસ આવે છે ત્યારે થોડો ખચકાટ થાય છે. અંદરથી એવું પણ લાગે છે કે આનાથી ગળું પણ નહીં પલળે.

અમદાવાદમાં રહેતો ત્યારે ફ્રીજનું પાણી ફરજિયાત પીવું પડતું. આલ્ફા વન કે સેન્ટ્રલ મોલનુ પાણી એવું ઠંડું..જાણે બરફ પીતાં હોઈએ એવું લાગે. એક તો એ.સી ઉપરથી કોલ્ડ વોટર..! પરસેવો અંદરથી ચીસ પાડે કે મને બહાર કાઢો તોય શકય ન બને. મેટ્રો સીટી છોડ્યા પછી એકપણ વાર મેં ફ્રીજનું પાણી નથી પીધું. આ માટલાની મીઠાશ ક્યાં મળે..?

પાણીની પરબ..એ આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. દાદકા અને ગાજદીનપુરા રોડ પર આવાં ધોમધખતા તાપમાં આવી જ એક પરબ રણમાં મીઠી વીરડીનુ કામ કરી રહી છે. દરેક વાહન ત્યાં થંભી જાય છે. દરેક મુસાફરો ત્યાં પાણી પીવે છે. દરેકના કોઠે ટાઢક વળે છે. મારી દ્રષ્ટિએ આ ઉનાળાની કવિતા છે.

રણકાંઠે આવી પરબનુ મુલ્ય યાત્રાધામથી ઓછું ન ગણાવું જોઈએ. આપણાં સમાજની સમસ્યા એ છે કે શહેરમાં મોટીમસ પરબો બંધાય છે. એમા ઠંડું પાણી આવે છે. એ પણ બરાબર છે. પરબ દરેક જગ્યાએ હોવી જોઈએ પરંતુ, ખરેખર જયાં જરૂર છે ત્યાં કોઈ આવી પરબ નથી બાંધતું.કેમ..? કેમ કે અહીં પરબ પર નામ લખાવાથી કોઈ પબ્લિસીટી નહીં મળે.

ઘણાં લોકો પોતાના સ્વ. માતપિતાના નામ પર પરબ બંધાવે છે. એ લોકોએ ખરેખર પોતાના મા-બાપના આત્માને શાંતિ આપવી હોય તો રણકાંઠાના ગામડાઓમાં પરબ બાંધવી જોઈએ. જયા તરસની માત્રા વધારે હોય ત્યાં ઠંડા પાણીની પરબ બાંધી જુઓ…માબાપનો આત્મા તો રાજી થશે..સ્વયં પરમેશ્વર પણ રાજીના રેડ થઈ જશે. આપણે ત્યાં સુપાત્રે દાનનો મહિમા છે પરંતુ, આપણી તકલીફ એ છે કે શહેરમાં આવતાં જતાં સૌની નજર તકતી પર પડે એવી રોગિષ્ઠ મનોવૃત્તિ ઘર કરી ગઈ છે.એનો કોઈ ઈલાજ નથી.

ખેર, નોર્મલ પાણી પી ને પણ આશિષ આપનારાં અસંખ્ય લોકો અહીંથી રોજ પસાર થાય છે. જેણે જીવનભર કોકના નિસાસા જ લીધાં હોય એ કોઈનાં આશિષ લઇ શકે એ વાતમાં માલ નથી. અહી ધૂળની ડમરીઓ વચ્ચે ,પાણીની પુષ્કળ સમસ્યાઓ વચ્ચે જીવતી જનતા માટે તો માટલું એ જ જીવન..! જીવન એટલે માટલું..! એ માટલું માનવને કહે છે કે અરરર ભુડા… આટલું ન કરી શકે..?

માણસ અને પંખીઓ બેય જ્યાં પાણી પી શકે એવાં માટલાં અને કુંડામાં ઉનાળાની અસ્સલ કવિતા છુપાયેલી છે. ધોમધખતા તાપમાં વટેમાર્ગુ જ્યારે કોઈ ઝુંપડીમાં પાણી માંગે છે ને એ ઘરનું કોઈ સભ્ય કળશ્યો ભરીને એનાં ખોબા પર રેડે છે ત્યારે એ પડતી ધારને તો ઉનાળાની કવિતા કહેવાય જ પણ, એ વટેમાર્ગુ કોઠે ટાઢક થયાં પછી મંઝિલ ભણી ઝડપી ડગ માંડે એનાં પગલાંની છાપને પણ ઉનાળાની કવિતા કહેવાય.

રણકાંઠાના ગામડાઓમાં જીવતી પ્રજાને કોઈ ઉનાળાની કવિતા શીખવવાની ચેષ્ટા કરે છે ત્યારે મારી અંદર બેઠેલ મરુભૂમિનો માણસ જાગી ઉઠે છે. જે પ્રજા રાત-દિવસ આ સંઘર્ષમાં જીવે છે એની અનુભૂતિ ઓક્સફર્ડ યુનિવર્સિટીના શબ્દકોશથી પણ વધું સચોટ અને જીવંત રહેવાની. ઉનાળાની કવિતા એ નથી કે જે પાઠ્યપુસ્તકોની અંદર ભણાવવામાં આવે છે. ઉનાળાની સાચી કવિતા તો એ છે કે જે રણમાં વસતો માણસ જીવે છે. ને કવિતા રોમેન્ટિક જ હોય એવું થોડું છે..? કેટલીક કવિતા બરછટ હોય છે. એનો ઘા બરછી જેવો હોય છે. કોક મરજીવા જ જીરવી શકે ને જીવી શકે.

ઉનાળાની કવિતા એટલે રણનાં માણસની સંવેદનાની સરિતા..! બનાસ, રૂપેણ ને સરસ્વતીના સુકા પટની અંદર જે રચાય એ ઉનાળાની અધૂરાં અરમાનોભરી કવિતા..! રાફુ ગામથી લઈને વાછડાદાદા સુધીનાં રસ્તે સર્જાય એ ઉનાળાની સંવેદનશીલ કવિતા..! અંતે, જે રણની અંદર ઘુમરી ખાઈને પવનની સાથે ભરખાય એ ઉનાળાની કાળઝાળ કવિતા..!

છતાં, રણનો માણસ ગીત ગાતાં ગાતાં ઉનાળાની કવિતા જીવે છે એની મૌજને સો સો સલામ…!

લેખન : શૈલેષ પંચાલ. (અમર કથાઓ ગ્રુપ)