ટ્રેનમાં ખુબ જ ટેંશનમાં દેખાતી અજાણી યુવતી માટે એક યુવકે જે કર્યું તે તેને મળેલા સંસ્કારનું વર્ણન કરે છે.

0
1235

મંગળ સૂત્ર :

વડોદરાથી રાત્રે 10.30 વાગે ઉપડતી વડોદરા એક્સપ્રેસ ટ્રેન હજુ પ્લેટફોર્મ ઉપર મુકાઈ નહોતી. ચોમાસાની સીઝન હતી એટલે ઝાઝી ભીડ પણ નહોતી. પોતાના કોચ નંબરની સામેના એક બાંકડા ઉપર બેસીને અનિરુદ્ધ ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો.

જેવી ટ્રેન યાર્ડમાંથી પ્લેટફોર્મ ઉપર આવી કે તરત જ અનિરુદ્ધ એના સ્લીપર કોચમાં ચડી ગયો અને છઠ્ઠા કમ્પાર્ટમેન્ટમાં પોતાના નંબરની બર્થ શોધી એણે બેઠક લીધી. ટ્રેન લગભગ ખાલી જ હતી. થોડીવાર પછી સાઠેક વર્ષ ની આસપાસના દેખાતા એક અંકલ પણ એ જ કમ્પાર્ટમેન્ટમાં આવ્યા. આવતા જ એમણે નીચે સામાન મૂકી સૌથી ઉપરની બર્થ ઉપર લંબાવી દીધું.

ટ્રેન લગભગ ઉપડવાની જ હતી એ જ સમયે હાંફળી ફાંફળી એક ખૂબસૂરત યુવતી એના કોચમાં ચઢી અને નંબર શોધતી શોધતી અનિરુદ્ધના જ કમ્પાર્ટમેન્ટમાં આવી અને બાજુની સીટ ઉપર બેસી ગઈ. સામાનમાં એક નાનકડી બેગ સિવાય કંઈ જ નહોતું. છેલ્લી ઘડીએ દોડતી આવી હોય એમ શ્વાસ થોડો ચડેલો હતો. સ્ટેશન ઉપરથી ખરીદેલી પાણીની બોટલ નું સીલ તોડી થોડું પાણી એણે પીધું. ટ્રેન ઉપડી ચૂકી હતી.

“મુલુંડ જવા માટે મારે કયા સ્ટેશને ઉતરવું બોરીવલી કે મુંબઈ સેન્ટ્રલ?” યુવતીએ અનિરુદ્ધને સવાલ કર્યો.

“સોરી… હું મુંબઈ પહેલીવાર જઈ રહી છું એટલે મને એરિયાની કંઈ જ ખબર નથી.” યુવતીએ ફરી અનિરુદ્ધને સ્પષ્ટતા કરી. એ થોડી ગભરાયેલી અને ટેન્શનમાં હોય એમ લાગતું હતું.

“જુઓ તમે બોરીવલી ઉતરો… દાદર ઉતરો… કે મુંબઇ સેન્ટ્રલ ઉતરો…. તોપણ તમે મુલુંડ જઈ શકો. પણ ટ્રેનમાં જ જવું હોય તો દાદર ઉતરવું સહેલું પડશે. ત્યાંથી તમે ટિકિટ લઈ થાણે ની લોકલ ટ્રેન પકડી મુલુંડ તરફનો પ્રવાસ આગળ વધારી શકો.”

અનિરુદ્ધ ની વાત સાંભળી યુવતી થોડી મૂંઝાઈ ગઈ. બધું નવું નવું હતું. પહેલીવાર મુંબઈ જઈ રહી હતી. ક્યાંથી ટિકિટ મળશે અને કેવી રીતે થાણે ની ટ્રેન પકડવી એની એને કંઈ જ ગતાગમ નહોતી.

“તમે કયા સ્ટેશને ઉતરવાના? આ ટ્રેન તો ખૂબ જ વહેલી સાડા ચાર વાગે મુંબઈ પહોંચી જાય છે. ત્યાં ઉતરીને મને થોડું સમજાવી શકશો? “યુવતીએ અનિરુદ્ધને લગભગ આજીજી ભર્યા સ્વરે કહ્યું.

“હું તો બોરીવલી સ્ટેશને ઉતરી જવાનો છું. હું કાંદીવલી રહું છું. મુલુંડ તો બહુ દૂર છે મેડમ.

અને એમ સમજાવાથી તમને કંઈ જ ખ્યાલ નહીં આવે. અને તમે તો પહેલી વાર જ મુંબઈ જઈ રહ્યા છો. તમે જેના ઘરે જવાના છો એની સાથે વાત કરી લો ને? એ તમને સામે લેવા આવે અથવા તો તમને સમજાવે કે ક્યાં ઉતરવું અને કઈ ટ્રેન પકડવી !! ”

થોડી વાર સુધી તો યુવતીએ કંઈ જવાબ ના આપ્યો. એ ઘણા મનોમંથનમાં હોય એવું લાગ્યું.

“કેવી રીતે ફોન કરું? મારા બોયફ્રેન્ડે પંદર દિવસથી મારો નંબર બ્લોક કરી દીધો છે. વોટ્સએપ માં પણ મને બ્લોક કરી દીધી છે. બીજા કોઈ નંબરથી એને ફોન કરું છું તો એ ઉપાડતો જ નથી. અને હવે બે દિવસથી તો એ નંબર સેવામાં નથી એવો મેસેજ આવે છે. એણે વોટ્સએપ નંબર પણ ચેન્જ કરી નાખ્યો લાગે છે. હવે મને લાગે છે કે એણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.” યુવતીએ છેવટે અનિરુદ્ધને સાચી વાત કરી.

“પણ તો પછી એને છોડી દો ને? શા માટે એની પાછળ પાગલ બનીને છેક મુંબઈ સુધી ધક્કો ખાવ છો? આવા હરામીઓ ને તો વહેતા જ મૂકવા જોઈએ !! ” અનિરુદ્ધ સહેજ ગુસ્સાથી બોલ્યો.

“કારણ કે હું પ્રેગ્નન્ટ થઈ ચૂકી છું. બે વર્ષ પહેલા ફેસબુક થી નીરવ નો પરિચય થયેલો છે. બે વર્ષથી અમે રિલેશનશિપમાં છીએ. એણે મને લગ્નનું પ્રોમિસ આપેલુ. બે મહિના પહેલા એણે મને દમણ બોલાવેલી. અમે બે દિવસ ત્યાં દરિયા કિનારે હોટલમાં રોકાયેલા.”

ફેસબુકનો પ્રેમ !! આજના જમાનાની આવી નાદાન છોકરીઓને શું કહેવું? – અનિરુદ્ધ વિચારી રહ્યો.

“તમારા માતા-પિતા તમારી રિલેશનશિપ કે પ્રેગનન્સીની આ વાત જાણે છે?” અનિરુદ્ધે પૂછ્યું.

“મારા પપ્પા નથી. મારી મમ્મીને આ વાતની હજુ કંઈ ખબર નથી. મારી નાની બહેનને આ રિલેશનશિપ ની વાત મેં કરી છે પણ પ્રેગ્નન્સીની વાત માત્ર હું જ જાણું છું. એક મહિના થી પિરિયડ આવ્યો નથી. હવે મમ્મી ને ખબર પડી જાય તે પહેલા મારે ગમે તેમ કરીને નીરવ ને મળવું જરૂરી છે.”

“તમારી પાસે નીરવ નું એડ્રેસ કેવી રીતે આવ્યું? અને એ સાચું છે કે નહીં એની શું ખાત્રી?”- અનિરુદ્ધ હવે જાણી ગયો હતો કે આ નિર્દોષ છોકરી ફસાઈ ગઈ છે નીરવની વાતોમાં.

“અમે દમણમાં ભેગા થયા હતા ત્યારે આ એડ્રેસ મને લખીને આપ્યું હતું અને કહ્યું હતું કે હું તને સાચેસાચ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન પણ કરવા માગું છું એટલે તને મારું ઘર નું એડ્રેસ પણ આપી દઉં છું. એ મુંબઈ જઈ એના મમ્મી પપ્પાને વાત કરવાનો હતો.” યુવતી બોલી.

“તમારું નામ શું મેડમ?”

“મારું નામ કેતા ઝવેરી !….. હું વડોદરા માં સલાટવાડા માં રહું છું. ગ્રેજ્યુએટ થઈ ગઈ એટલે કારેલીબાગ પાસે એક પ્રાઇવેટ ફર્મ માં નોકરી કરું છું. ”

“તમે એની લગ્નની વાત ઉપર વિશ્વાસ કરીને એની સાથે સીધો શારીરિક સંબંધ પણ બાંધી દીધો? તમે તો એને દમણમાં પહેલીવાર જ મળ્યા હશો ને? ”

” હા… મળ્યા હતા તો પહેલીવાર….. પણ બે વર્ષથી અમે એકબીજાને ઓળખતા હતા… એટલે અવિશ્વાસ કેવી રીતે આવે? અને સાંજે રેસ્ટોરન્ટમાં જમતા જમતા એણે મને જબરદસ્તી આગ્રહ કરી-કરીને, પ્રેમના સોગંદ આપીને ડ્રિંક્સ પણ પાયું હતું. એણે બે દિવસમાં અનેકવાર શા-રી- રિક સં-બં-ધ બાંધ્યો હતો અને હું મારા ભાવિ પતિને નારાજ કરવા માગતી નહોતી ” કેતા નીચું જોઈને બોલી.

“તો ભોગવો હવે ” એવું ગુસ્સાથી કહેવાનું મન થયું અનિરુદ્ધને પણ એ ચૂપ રહ્યો. આજ કાલ ની છોકરીઓ શા માટે આટલો બધો આંધળો વિશ્વાસ મૂકી દેતી હશે?

અનિરુદ્ધ થોડી વાર વિચારે ચડી ગયો. આ છોકરીને હજુ પણ આશા છે કે નીરવ એને અપનાવી લેશે એટલે તો એને શોધવા નીકળી છે મુંબઈ જેવા શહેરમાં !!

” તમે ઘરે થી શું કહીને નીકળ્યા છો? ”

” ઓફિસના કામ થી મારે બે દિવસ મુંબઈ જવું પડે એમ છે એમ મમ્મી ને મેં કહ્યું છે. ”

” હવે તમે એક કામ કરો કેતા !! તમે મારી સાથે મારા ઘરે કાંદીવલી ચાલો. તમે એકલા મુલુંડમાં જઈને એનું ઘર શોધી નહીં શકો. એ તમારું કામ પણ નથી. મારે જ મુલુંડ નું એનું ઘર બતાવવા આવવું પડશે.”

કેતા એ કોઈ જવાબ ના આપ્યો. એ પોતે પણ થોડી અસમંજસ માં હતી કે કોઈ અજાણ્યા પુરુષની સાથે એના ઘરે જવું કે નહીં !!

” તમારે ટેન્શનમાં આવી જવાની કોઈ જરૂર નથી. ઘરે મારી મમ્મી છે. હું કહી દઇશ કે વડોદરાના મારા એક ક્લાયન્ટ ની સિસ્ટર છે અને ઇન્ટરવ્યૂ દેવા માટે મુંબઈ આવી છે !! મારી વાતને તમે મારો આદેશ માનો કે વિનંતી પણ આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી !!”

કેતા એ અનિરુદ્ધ ની વાત સ્વીકારી લીધી. એને પણ લાગ્યું અનિરુદ્ધ સાચું જ કહે છે. એ નીરવ ને શોધવા અજાણ્યા મુંબઈમાં ક્યાં ક્યાં ભટકશે?

” હવે આપણે સુઈ જઈએ….. રાતના અગિયાર વાગી ગયા છે અને સવારે વહેલા ઉઠવાનું છે….. સામે ઉપરની બર્થ ઉપર સૂતેલા કાકા ના તો નસકોરા પણ ચાલુ થઈ ગયા ”

કહીને અનિરુદ્ધ ઉભો થયો અને સુવા માટે ઉપરની બર્થ ઉપર ચડી ગયો. કેતાની બર્થ નીચે જ હતી.

સવારે સાડા ચાર વાગે બોરીવલી આવી ગયું. સ્ટેશનની બહાર થી રીક્ષા કરીને અનિરુદ્ધ જાડેજા કેતા ને લઈને મહાવીર નગર ના પોતાના ફ્લેટ માં પહોંચી ગયો !!

અનિરુદ્ધ ના મમ્મી સરયૂબા એક ખાનદાની સ્ત્રી હતાં. મૂળ તો એ લોકો જામનગરના પણ અનિરુદ્ધ ના પપ્પા વિરેન્દ્ર સિંહ રેલવેમાં જોબ કરતા હતા અને છેલ્લે છેલ્લે એમની ટ્રાન્સફર મુંબઈમાં થયેલી એટલે એ પછી મુંબઈમાં જ સ્થાયી થયા હતા. બે વર્ષ પહેલાં જ અનિરુદ્ધ ના પપ્પાએ દુનિયામાંથી વિદાય લીધી હતી.

અનિરુદ્ધે માર્કેટિંગમાં એમ.બી.એ કર્યું હતું અને રમતગમત નાં સાધનો બનાવતી એક મોટી કંપનીમાં એ જોડાયો હતો. એને માર્કેટિંગ માટે રાજકોટ અમદાવાદ વડોદરા સુરત વગેરે સ્થળે અવાર નવાર જવું પડતું.

અનિરુદ્ધ ના ઘરનું વાતાવરણ ઘણું સારું હતું. સરયૂબાએ પ્રેમથી કેતા ને આવકાર આપ્યો હતો. એને એક પણ સવાલ પૂછ્યો નહોતો. ઘરે આવીને નાહીધોઈને અનિરુદ્ધ તો સવારે નવ વાગે ઓફીસ જવા નીકળી ગયો હતો. જતાં જતાં કેતા ને કહેતો ગયો હતો.

” સાંજે ચાર વાગ્યે તમે તૈયાર રહેજો. ત્યાં સુધીમાં હું મારું કામ પતાવીને ઓફિસથી આવી જઈશ”

સમય પ્રમાણે અનિરુદ્ધ ઘરે આવી ગયો અને કેતા ને લઈને કાંદીવલી સ્ટેશન ગયો. ત્યાંથી ફાસ્ટ પકડીને પાંચ વાગ્યા પહેલાં જ દાદર પહોંચી ગયો. દાદર થી પાંચ વાગ્યાની થાણે લોકલ પકડીને ચાલીસ મિનિટમાં મુલુંડ પણ પહોંચી ગયો.

” હવે તમારા એડ્રેસ ની ચીઠ્ઠી બહાર કાઢો” અનિરુદ્ધે સ્ટેશનની બહાર નીકળીને કેતા ને કહ્યું.

કેતા એ પર્સમાંથી ચિઠ્ઠી કાઢી અને અનિરુદ્ધને આપી. વીણાનગરના કોઈ ફ્લેટ નું એડ્રેસ હતું. અનિરુદ્ધ કેતા સાથે રિક્ષામાં બેઠો અને રીક્ષાવાળાને લાલ બહાદુર શાસ્ત્રી રોડ લઈ જવાનું કહ્યું. વીણાનગર ના ગેટ ઉપર રીક્ષાને ઊભી રાખી.

ગેટ પરના સિક્યુરિટી ને પૂછીને બંને જણા એડ્રેસમાં બતાવેલા ફ્લેટ સુધી પહોંચી ગયા. ફ્લેટના દરવાજા પાસે ઉભા રહીને અનિરુદ્ધે કેતા સામે જોયું. કેતા એકદમ ગંભીર હતી.

ડોરબેલ દબાવતાં જ થોડીવારમાં પચાસેક વર્ષની ઉંમરના એક બહેને દરવાજો ખોલ્યો.

” મારે નીરવભાઈ નું કામ હતું. અમે લોકો વડોદરા થી આવ્યાં છીએ. ” અનિરુદ્ધે કહ્યું.

” ભાઈ તમને કયા ફ્લેટ નું એડ્રેસ આપેલું છે? કારણકે આ ફ્લેટમાં તો કોઈ નીરવ નામની વ્યક્તિ રહેતી જ નથી. ”

અનિરુદ્ધે ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢીને બહેન ને બતાવી. ” જુઓ બહેન આજ ફ્લેટ નું એડ્રેસ લખેલું છે.”

” હા એડ્રેસ તો બરાબર મારા ફ્લેટ નું જ છે પણ અહીં કોઈ નીરવ નથી….. હું, મારા હસબન્ડ અને મારી દીકરી…. અમે ત્રણ જણા રહીએ છીએ….. અને અમારા આખા બ્લોકમાં પણ કોઈ નીરવ નથી…. .સરનામું લખવામાં કંઈક ભૂલ થઈ લાગે છે. ”

” બેન… તમારા સગામાં કે ઓળખીતા માં નીરવ નામની કોઈ વ્યક્તિ ધ્યાનમાં છે કે જેણે તમારા એડ્રેસ નો ઉપયોગ કર્યો હોય? ” અનિરુદ્ધે છેલ્લે છેલ્લે પૂછી લીધું.

” મારા ધ્યાનમાં તો કોઈ જ નથી પણ ઉભા રહો મારી દીકરી જલ્પાને હું પૂછી લઉં. કદાચ એનો કોઈ ફ્રેન્ડ હોય તો ” કહીને એ બહેન અંદર ગયા. થોડીવારમાં ચોવીસેક વર્ષની એમની દીકરી જલ્પા આવી.

” મમ્મીએ મને વાત કરી પણ મારા સર્કલમાં કોઈ નીરવ નામની વ્યક્તિ નથી. એડ્રેસ લખવામાં કે સાંભળવામાં કંઈક ભૂલ થઇ હોય એમ લાગે છે. એનું આખું નામ શું છે? ” જલ્પાએ દરવાજા પાસે આવીને વાત કરી.

” નીરવ જશવંતલાલ સોની.” કેતા એ જવાબ આપ્યો.

” તમે લોકો અંદર આવો ને….. પાંચ મિનિટ બેસો….. ત્યાં સુધી હું સોસાયટીના ચેરમેનને ફોન કરીને પૂછી જોઉં. ” જલ્પા બોલી.

બંને જણા ડ્રોઈંગ રૂમમાં બેઠા. કેટલા બધા સંસ્કારી અને કો-ઓપરેટીવ આ લોકો હતા? અનિરુદ્ધ વિચારી રહ્યો. કેતાના તો હોશ જ ઉડી ગયા હતા !! એ લગભગ રડવા જેવી થઈ ગઈ હતી.

” અરે રાજેશ અંકલ…. હું નીલકંઠ ભાઈની ડોટર જલ્પા બોલું છું….. આપણી વીણાનગર સોસાયટી માં કોઈ જશવંતલાલ સોની નામની વ્યક્તિ છે ? એમનો નીરવ નામનો દીકરો પણ છે….. મારા ઘરે વડોદરાથી કોઈ આવેલું છે અને એ લોકો એડ્રેસ શોધી રહ્યા છે ” જલ્પાએ સોફામાં બેસીને ચેરમેન ને ફોન કર્યો અને મોબાઈલને સ્પીકર ઉપર રાખ્યો જેથી અનિરુદ્ધ અને કેતા પણ જવાબ સાંભળી શકે.

” ના બેટા…. આપણી સોસાયટીમાં ત્રણ સોની ફેમિલી છે પણ એમાં કોઈ જશવંતલાલ સોની નથી… છેલ્લા દસ વર્ષથી હું ચેરમેન છું અને લગભગ બધા ને ઓળખું છું…. અને જશવંતલાલ નામની તો કોઈ વ્યક્તિ જ વીણાનગર માં નથી. હા નીરવભાઈ મહેતા નામના એક વડીલ છે પણ એ પોતે જ પાંસઠ વર્ષના છે ” ચેરમેને જવાબ આપ્યો. અને જલ્પાએ ફોન કટ કર્યો.

” તમને લોકોને કોઈએ ખોટું જ એડ્રેસ આપ્યું છે. પણ થયું છે શું ? અને આ બેન કેમ આટલા બધા ટેન્શનમાં દેખાય છે? ” જલ્પાએ પ્રશ્ન કર્યો.
એટલામાં જલ્પાના મમ્મી પણ રસોડામાંથી બહાર આવ્યા.

” તમે બંને જણા ચા તો પીઓ છો ને ભાઇ?” એ બહેને આવીને તરત અનિરુદ્ધ ને પૂછ્યું.

” ના માસી ચા ની કોઈ તકલીફ ના લેશો. અમે લોકો હવે જઈએ જ છીએ. તમે લોકોએ અંગત રસ લઈને અમારા માટે ખરેખર દિલથી મહેનત કરી છે ” અનિરુદ્ધે બે હાથ જોડી આભાર માનતા કહ્યું.

” તમે લોકો આટલે દૂરથી આવો છો તો અમારાથી જે પણ મદદ થઈ શકે એ અમે કરી. હવે તમે લોકો ચા પીને જ જાઓ. પણ તમે કોને શોધી રહ્યા છો એ તો જરા વાત કરો !!” જલ્પાએ અનિરુદ્ધને કહ્યું.

અનિરુદ્ધે જલ્પા ને ગઈકાલ રાતથી શરૂ કરીને અત્યાર સુધીની તમામ વાત વિગતવાર કરી. કેતા સાથે શું બન્યું છે એ પણ જલ્પાને કહ્યું.

” હું તો આ મેડમ ને ઓળખતો પણ નથી. કાલે ટ્રેનમાં જ અચાનક અમારી મુલાકાત થઈ ગઈ. પહેલીવાર મુંબઈ આવે છે એટલે માનવતાની દ્રષ્ટિએ મેં એમને સપોર્ટ કર્યો છે. ફેસબુકની મિત્રતા એમને ખૂબ ભારે પડી છે. ફેક એકાઉન્ટ ખોલી ને એમને કોઈએ ફસાવી દીધાં છે. અત્યારે એમને પ્રેગ્નન્સી પણ શરૂ થઈ ગઈ છે. એ હરામીએ તમારા ફ્લેટનું એડ્રેસ કેમ આપ્યું એ સમજાતું નથી !! ”

આ બધી વાતો સાંભળતાં સાંભળતાં કેતા નું હૈયું ભરાઈ આવ્યું અને અત્યાર સુધી રોકી રાખેલા આંસુ હવે ધારા બનીને વહેવા લાગ્યા. કેતા મન મુકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

જલ્પા ઉભી થઈને કેતાની બાજુમાં બેઠી અને એને છાની રાખવા એને બાથમાં લીધી. બંને લગભગ સરખી જ ઉંમરની હતી. જલ્પા ના મમ્મી પણ રડવાનો અવાજ સાંભળીને બહાર દોડી આવ્યા.

” કેતા તું રડીશ નહીં. જે થવાનું હતું તે થઈ ગયું. હવે આગળનું તારે વિચારવાનું છે. ત્યાં વોશબેસિન છે. તું ફ્રેશ થઈ જા ” કહીને જલ્પા કેતાને વોશબેસિન પાસે લઈ ગઈ.

કેતાએ મોં ધોઈ નાખ્યું. વોશરૂમમાં જઈ આવી અને સોફા ઉપર આવીને બેઠી. ત્યાં સુધીમાં ચા પણ આવી ગઈ હતી.

” કેતા તું ખરેખર નસીબદાર છે કે ટ્રેનમાં તને આ ભાઈ મળી ગયા….. બાકી મુંબઈમાં પહેલીવાર આવીને લોકલ ટ્રેનો બદલીને વીણાનગર સુધી પહોંચવું તારા જેવી અજાણી છોકરી માટે બહુ જ અઘરું કામ છે… એમનો તારે આભાર માનવો જોઈએ. ”

” ના….ના… જલ્પાબેન એમાં આભાર માનવા જેવું કંઈ છે જ નહીં. કાલે રાત્રે જ હું સમજી ગયો હતો કે પેલાએ જે એડ્રેસ આપ્યું છે તે સો ટકા ખોટું જ હશે !! અને મેડમ પ્રેગ્નન્ટ છે એ જાણ્યા પછી હું એમને એકલા કેવી રીતે છોડી શકું? હું રાજપૂતનો દિકરો છું.”

અનિરુદ્ધ ની વાત સાંભળી કેતાના મનમાં અનિરુદ્ધ માટે અનેક ઘણું માન વધી ગયું. આજના યુગમાં કોઈને કોઈના માટે સમય જ ક્યાં હોય છે !!

ચા પાણી પી ને બંને જણા ઉભા થયા. ફરી જલ્પાનો અને એની મમ્મીનો આભાર માન્યો.

ત્યાંથી નીકળીને અનિરુદ્ધ દોઢેક કલાક માં કાંદીવલી પહોંચી ગયો અને ત્યાંના એક ડાઇનિંગ હોલમાં કેતા ને જમવા લઈ ગયો. ઘરે સરયૂબા ને ફોન પણ કરી દીધો.

” હવે આગળ શું વિચાર્યું છે? કારણકે નીરવ તો હવે આ જિંદગીમાં તમને મળવાનો જ નથી. એણે નંબર પણ બદલી નાખ્યો છે. આપણે પોલીસ કમ્પલેન પણ સાયબર સેલમાં કરી શકીએ પણ એનાથી તમારો કોઇ રસ્તો નહીં નીકળે. ”

” એબોર્શન કરાવવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી હવે….. હું ખૂબ જ મુંઝાઈ ગઈ છું….. ડોક્ટરને પણ એબોર્શન નું શું કારણ આપુ? ……મારે બધો ઇતિહાસ કહેવો પડે….. અને વડોદરામાં તો એબોર્શન ન જ કરાવી શકું”

” હા એ વાત તમારી સાચી છે. વડોદરા તો તમારું વતન છે….. ત્યાં કોઈકને કોઈક ઓળખીતું મળી જાય ! .. અને હવે ડોક્ટરો પણ ગર્ભપાત કરતા નથી.”

” અનિરુદ્ધ… તમે મને એક ફેવર કરી શકો પ્લીઝ? અહીં મુંબઈમાં તમારા કોઈ જાણીતા ડોક્ટર છે? હું હવે તત્કાલ આનો નિકાલ કરવા માગું છું….. સોરી હું તમને બહુ તકલીફ આપી રહી છું.”

” હા… બોરીવલીમાં મારા એક જાણીતા ગાયનીક સર્જન છે. આપણે એમને કાલે સવારે મળવા જઈશું ”

ડિનર લઈ ને લગભગ રાત્રે દસ વાગે બંને જણા ઘરે પહોંચ્યા. કેતા અનિરુદ્ધ ના બેડરૂમ માં સુઈ ગઈ અને અનિરુદ્ધ ડ્રોઈંગ રૂમ માં સોફા ઉપર !! સરયુબાનો બેડરૂમ અલગ જ હતો.

બીજા દિવસે સવારે દસ વાગે અનિરુદ્ધ કેતા ને લઈને ડોક્ટર મહેતાના નર્સિંગ હોમમાં પહોંચી ગયો. અનિરુદ્ધે ડોક્ટરને બધી વિગતવાર વાત કરી અને એબોર્શન માટે વિનંતી કરી.

ડોક્ટરે કેતાની મજબૂરી સમજી એબોર્શન માટે તૈયારી બતાવી. ચેક અપ કરીને બીજા દિવસે સવારે નવ વાગે નર્સિંગ હોમ આવી જવાનું સૂચન કર્યું.

” ચાલો તમારો પ્રોબ્લેમ તો કાલે સોલ્વ થઈ જશે. ” પાછા વળતા રિક્ષામાં અનિરુદ્ધે કેતા ને કહ્યું.

” ખબર નહીં કેમ પણ તમારી અને મારી ટ્રેન ની મુલાકાત પાછળ ઈશ્વરનો જ કોઈ સંકેત હોય એમ મને લાગે છે. તમે ના મળ્યા હોત તો આ બધું શક્ય બન્યું જ ના હોત !! ” કેતાએ લાગણીવશ થઈને કહ્યું.

” મને પણ તમને મદદ કરવાનો ખુબ આનંદ છે. એક સારી ઓળખાણ પણ થઈ ને ? તમે નીરવ ને ભૂલી જાઓ અને હવે પછીની જિંદગી વિશે વિચારો. કેટલા વર્ષ થયાં તમને ?”

” અરે આ બધા ટેન્શનમાં હું તો ભૂલી જ ગઈ. કાલે મારો જન્મદિવસ છે. કાલે મને 24 પૂરા થઈ જશે !! ”

” વાઉ… તો કેતા મેડમ કાલ નો જન્મદિવસ મારા તરફથી !!”

” શું તમે મેડમ મેડમ કહ્યા કરો છો કાલથી !! તમે મારાથી મોટા છો મને ખાલી કેતા જ કહો. અને તમારે મને તમે તમે કહેવાની કોઈ જરૂર નથી.” કેતાએ મીઠો છણકો કરીને કહ્યું.

” અમે રાજપૂતો સ્ત્રીઓને હંમેશા રિસ્પેક્ટ આપીએ છીએ. અમે તો પત્નીને પણ તમે કહીએ છીએ. એટલે તું તો મારાથી નહીં જ કહેવાય ” અનિરુદ્ધે હસીને કહ્યું.

ઓફીસ જવાનું મોડું થઈ ગયું હતું એટલે કેતાને ફ્લેટ પાસે ઉતારીને અનિરુદ્ધ સીધો એ જ રિક્ષામાં સ્ટેશન ગયો. સાંજે સાત વાગે ઘરે આવતી વખતે બર્થ ડે કેક અને મીણબત્તી પેક કરાવ્યાં . બહુ વિચારીને ઓળખીતા ની એક દુકાનમાંથી કેતા માટે એક ગિફ્ટ પણ પેક કરાવી. બધું એની બેગ માં મૂકી દીધું જેથી ઘરે જાય તો કેતાને ખબર ના પડે.

કેતા સરયૂબા સાથે સારી રીતે ભળી ગઇ હતી અને સાંજની રસોઈ કેતાએ જ બનાવી હતી. ભરેલા રવૈયાનો સંભાર અને નાની-નાની સોફ્ટ ભાખરી જોઈને જ અનિરુદ્ધ સમજી ગયો કે આજે કેતાએ હાથ અજમાવ્યો લાગે છે !!

” વાહ.. શું ટેસ્ટ છે !! રસોઈ ખરેખર ખુબ સરસ બની છે. આટલી સોફ્ટ ભાખરી મેં આજે પહેલી વાર ચાખી. મમ્મી તું પણ ચાખી જો !! ” અનિરુદ્ધ પહેલો કોળિયો જમતાં જ બોલી ઉઠ્યો.

” બેટા મારે ચાખવાની પણ જરૂર નથી…. એને રસોઈ બનાવતા જોઈને જ એનો હાથ હું ઓળખી ગઈ હતી…. આજે ઘરનું તમામ કામ પણ એણે જ કર્યું છે…. વાસણ કચરા-પોતા બધું સંભાળી લીધું…. જરા પણ આરામ કર્યો નથી….. એ જેની સાથે લગ્ન કરશે એ ખૂબ નસીબદાર હશે ”

“તારા વિશે પણ ઘણું બધું પૂછી લીધું મને. છ મહિનામાં જ તારા છૂટાછેડા થઈ ગયા એ સાંભળીને એ બિચારી પણ ખૂબ દુઃખી થઈ. ”

” અરે પણ મમ્મી મારા છૂટાછેડાની વાતો એને કરવાની ક્યાં જરૂર હતી? આપણાં નસીબ ખરાબ !! બાકી કેતા જેવી કન્યા બધાને થોડી મળે !! ” અનિરુદ્ધ થી બોલતા તો બોલાઈ ગયું પણ પછી શરમિંદો બની ગયો.

જમી પરવારીને અગિયાર વાગે બધા સૂઈ ગયા. કાલની જેમ જ કેતા અનિરુદ્ધ ના બેડરૂમમાં સુઈ ગઈ. સરયૂબા એમના બેડરૂમ માં.

બરાબર રાત્રે બાર વાગ્યે અનિરુદ્ધ ઊભો થયો અને ટેબલ ઉપર કેક ગોઠવી. કેકમાં બે મીણબત્તી ભરાવી ને સળગાવી. પ્લેટમાં છરી પણ મૂકી અને તરત કેતાને મોબાઈલ કર્યો. ” બે મિનિટ જરા બહાર આવશો?”

કેતા બેડરૂમમાંથી જેવી બહાર આવી કે તરત જ કેક અને સળગતી મીણબત્તી જોઈને બધું સમજી ગઈ. એને તો કલ્પના પણ નહોતી કે આટલા બધા પ્રેમથી અનિરુદ્ધ એનો જન્મદિવસ ઉજવશે !! એણે ઝડપથી આવીને નીચે બેસી મીણબત્તીને ફૂંક મારી.

એ સાથે જ અનિરુદ્ધ બોલી ઉઠ્યો ” હેપ્પી બર્થ ડે કેતા !! ……દિલથી મુબારકબાદી આપું છું. હવે તમે કેક કાપો…. હું એક સરસ ફોટો ખેંચી લઉં. ”

જેવી કેતાએ કેક કાપી કે તરત અનિરુદ્ધે મોબાઈલથી એક ફોટો પાડી લીધો અને તરત કાપેલી કેક નો ટુકડો કેતાના મોં માં મૂકી દીધો. થોડી કેક એના ગાલ ઉપર પણ ઘસી દીધી.

” કેતા તમારા જીવનમાં પણ હવે આવી ખુશી હંમેશા આવે એવી જન્મદિવસે ઈશ્વરને પ્રાર્થના કરું છું. ગોડ બ્લેસ યુ !! ”

કેતાએ પણ કેક નો એક મોટો ટુકડો પ્રેમથી અનિરુદ્ધ ને ખવડાવ્યો.

” તમે આજે ખરેખર મારું દિલ જીતી લીધું છે. આટલું સુખ આજ સુધી મને કોઈએ આપ્યું નથી. મારા દિલની એક વાત કહું અનિરુદ્ધ ”

” એમાં તમારે રજા લેવાની થોડી હોય કેતા?”

” મને વાત કરતા બહુ જ ડર લાગે છે. પણ વાત કરવાનો આ જ મોકો છે. મારો ઇતિહાસ જાણ્યા પછી તમે મારી સાથે લગ્ન કરી શકો અનિરુદ્ધ? તમે જો હા પાડો તો આ ઘરને છોડીને બીજે ક્યાંય જવાની મારી ઈચ્છા નથી. મમ્મીએ તમારી બધી જ વાત મને કરી છે. તમે એક વાર લગ્ન કરીને ઘણું સહન કર્યું છે. હવે પ્રેમ કોને કહેવાય એનો મારે તમને અનુભવ કરાવવો છે. તમે મને એક તક આપશો?”

” માય પ્લેઝર … પહેલાં મારી આ બર્થ ડે ગિફ્ટ જોઈ લો. પછી આપણે આ બાબતની ચર્ચા કરીએ” કહીને અનિરુદ્ધે કેતાના હાથમાં ગિફ્ટ મૂકી.

રેપર અને બોક્સ ખોલીને કેતા એ ગીફ્ટ બહાર કાઢી. એના આશ્ચર્ય વચ્ચે એ સોનાનું મંગળસૂત્ર હતું.

” કેતા ઝવેરીને ઝવેરાત જ ગિફ્ટ અપાય. મારા એક જાણીતા જ્વેલર્સ પાસેથી લઈ આવ્યો છું. હવે બોલો…. મારી આ નાનકડી ગિફ્ટ તમે સ્વીકારશો? જો તમે હા પાડો તો કાલ સજોડે જઈને બિલ ચૂકવી દઈએ. ”

” અનિરુદ્ધ મારી પાસે બોલવા માટે કોઈ શબ્દો જ નથી. તમે તમારા હાથે જ અત્યારે એ પહેરાવી દો. હું આજથી તમારી જ છું. ”

” એક શરતે કેતા !! તમારા ગર્ભમાં રહેલા બાળકને હું મારું નામ આપીશ. મારે અબોર્શન થવા દેવું નથી. બોલો મંજૂર છે?”

” ઓહ…અનિરુદ્ધ… હું તમને શું કહું?…. ખરી નસીબદાર તો હું છું. મારા જીવનનો આ સર્વશ્રેષ્ઠ દિવસ છે ” કહીને કેતા અનિરુદ્ધને પ્રેમથી વળગી પડી. અને અનિરુદ્ધે પોતાના હાથે એના ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું.

રાત્રે બાર વાગે ડ્રોઇંગરૂમમાં થતો અવાજ સાંભળીને સરયૂબાએ બેડરૂમનો દરવાજો સહેજ ખોલ્યો પણ બહારનું દૃશ્ય જોઈને જ એ મલકાઈ ઉઠયાં અને સાચવીને દરવાજો ધીમેથી બંધ કરી દીધો. દીકરા વહુના પ્રેમમાં ખલેલ ન પડે એટલા માટેસ્તો !!

અશ્વિન રાવલ. (અમદાવાદ) (અમર કથાઓ ગ્રુપ)