“ઉપાય” : આ લઘુકથા અંધશ્રદ્ધામાં માનતા લોકોના વિચાર બદલી શકે છે.

0
412

મોડી રાત્રે ધનજીના મેડા ઉપર ડાકલા વાગવાનો અને ધૂણવાનો અવાજ આવી રહ્યો હતો.

ઘણી વખત એના ઘરે ભૂવાજી આવતા. મેડા ઉપર એમની બેઠક જામતી. ઘરનાં બધાં ભૂવાજીની સામે ગોઠવાઈ જતાં. ભૂવાજી ધૂણીને વેણ- વધાવો આપતા. અને બધાં ” ખમ્મા માને ! ખમ્મા માને !! ” એવો હોંકારો ભરતા.

એક વખત એમની ભેંસની પાડી મ રીગયેલી તે ધનજીને વહેમ પડતાં ભૂવાજીને બોલાવેલ. ગયા ચોમાસામાં ધાર્યા કરતાં કપાસ ઓછો થયેલો ત્યારેય ભૂવાજીએ બેઠક કરેલી.

ધનજીની વહુ શાન્તાને આ બધું ગમતું નહીં. એતો કહેતી : ” કરમના સંજોગ છે આ બધા.” પણ, ધનજીને પાકો વહેમ હતો કે કંઈક નડતર છે નહિ તો સાવ આવું ન થાય. એમાંય એના બે દીકરામાંથી નાનાની તબિયત પણ નરમ રહ્યા કરતી હતી. એટલે ધનજી વધુ ઉલઝનમાં પડી ગયેલો.

આજે પણ એણે ભૂવાજીને બોલાવ્યા હતા અને મોડી રાતે બેઠક જામી હતી.

ભૂવાજીએ દેશી બીડી સળગાવીને કહ્યું : ” વહેમના રાખો તો કહું ! ”

“હા, બોલોને બાપુ?” ધનજીએ ગભરાઈ જઈને પૂછ્યું : ” કંઈ પકડાય છે?”

ભૂવાજીએ ચા પીવાનું બહાનું કાઢી શાન્તાને નીચે જવા ઈશારો કર્યો એટલે એ ઉઠી અને ભૂવાજી સામે જોઈને દાદરા બાજુ ગઈ. ભૂવાજીએ એ બાજુ નજર કરી અને બીડીનો કસ ખેંચ્યો અને પછી ધૂણતાં ધૂણતાં કહ્યું : ‘” એમના કોઠે છે.”

ધનજી તો હાકાવાકા થઈ ગયો. લથડાતી જીભે બોલ્યો : “કંઈ ઉપાય તો હશે ને?”

ત્યાં તો વાવાઝોડાની જેમ શાન્તાએ આવી બાજોઠ ઉપર પાથરેલા કપડાને હવામાં ઉછાળતાં કહ્યું : “છેને આ ઉપાય!”

– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ)