“ઉપકાર” – આ લઘુકથામાં છુપાયેલો મર્મ સમજી લેશો તો ક્યારે શું કરવું જોઈએ? એ આવડી જશે.

0
458

લઘુકથા – ઉપકાર :

– માણેકલાલ પટેલ.

ગણેશ માધાનું મકાન પડી ગયું. ખેતી ટૂંકી એટલે એની આવકેય મર્યાદિત હતી. ઘરનું પરાણે પૂરું થતું હતું એમાં મકાન પડી જતાં ઘરનાં બધાં મુંઝાઈ ગયાં હતાં.

બીજા બધા વિના ચાલે પણ માથે છાપરા વિના કેમ ચાલે?

પાડોશીના ઢોરવાળા મકાનમાં રહેવાની તો વ્યવસ્થા થઈ ગઈ હતી. એક ભેંસ અને બે બળદોને ઓસરીમાં બાંધતાં હતાં અને ગણેશનો પરિવાર અંદરના ઓરડામાં રહેતો હતો.

કાન્તાએ ગણેશને કહ્યું :- “તમે સવજીભાઈને વાત તો કરી જુઓ?”

“એ હા પાડશે?”

“પૂછવામાં શું જાય છે?”

અને ગણેશે હિંમત કરીને સવજીભાઈને વાત કરી અને એમણે મકાન ફરીથી બનાવવા માટે પૈસા ધીરવાની હા કહી.

મકાનના મલબા આગળ બેસીને એ પતિ-પત્નીએ આખો દિવસ હરખનાં આંસુ સાર્યાં.

સાંજના સમયે એમની દીકરી દૂધ લેવા માટે બહાર નીકળી ત્યારે સવજીભાઈએ એને બોલાવીને કહ્યું :- “કાન્તાવહુને કહેજે કે રાતે હું આવું છું. દૂધ બચાવીને રાખે.”

દીકરીએ ઘરે આવીને એની બાને આ વાત કરી.

મોડી રાતે એ ગણેશના ઘરે આવ્યા અને ખિસ્સામાંથી રૂપિયાની થોકડી બહાર કાઢી કાન્તાના હાથમાં આપતાં બોલ્યા :- “મકાનનું કામ ચાલુ કરાવો. હું બેઠો છું ને?”

પણ, કાન્તાએ એ થોકડી પાછી આપતાં કહ્યું :- “ભા ! અમે ભાડેથી રહીશું પણ કોઈના ઉપકાર નીચે જીવવું નથી.”

– માણેકલાલ પટેલ.