“ઉતાવળ નુકશાન કરી બેસે” – એક ડોક્ટર અને ખેડૂત પુત્રની સ્ટોરી આપણને ઘણું બધું શીખવી જાય છે.

0
1176

નિદાન શિબિર :

સર્વ રોગ નિદાન શિબિર માટે ડોક્ટરો ગામડે પહોંચ્યા. પાદરની શાળામાં આયોજન હતું. ગામના આગેવાનો અને કાર્યકર્તાઓએ સૌનું સ્વાગત કર્યું.

સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. દિપ્તિ અને સ્થાનિક કાર્યકર રમેશ એકબીજાને ઓળખી ગયા. બારમાની પરીક્ષામાં બેયના નંબર એક જ બાંકડી પર હતા.

રમેશે કહ્યું.. “મેડમ, બપોરે મારી વાડીએ જમવાનું ગોઠવ્યું છે. ત્યાં નિરાંતે વાતો કરશું.”

શિબિર ખુબ સારી રીતે ચાલી. ઘણા દરદીઓએ લાભ લીધો.

જમવા માટે સૌ રમેશની વાડીએ ગયા. ગામથી એકાદ કીલોમીટર મુખ્ય રસ્તાથી ઉંડાણમાં વાડી હતી. ત્યાં જ રહેણાંક હતું. સુંદર વિશાળ મકાન હતું. નાનો બગીચો હતો, ફળ ફુલના ઝાડ હતા. બધા ડોક્ટરોને આ કુદરતી વાતાવરણ ગમ્યું. અને સાદું સાત્વિક ભોજન પણ ખુબ ભાવ્યું.

દિપ્તિ અને રમેશે થોડી વાતો કરી. પરીક્ષામાં સાથે નંબર આવેલ. તે સિવાય બીજી કોઈ અગાઉની ઓળખાણ ન હતી.

દિપ્તિએ કહ્યું “પરીક્ષા પછી મને મેડીકલમાં પ્રવેશ મળી ગયો. ડીગ્રી પુરી થતાં મેં મારા સીનીયર સાથે લગ્ન કર્યા. જામ્યું નહીં. છુટાછેડા લીધા. હવે એકલી છું. તમારું પરીક્ષા પછી શું થયું?”

રમેશે કહ્યું “હું પ્રથમથી જ ધુની છું. અમારે ખેતીની જમીન જાજી છે, એટલે નોકરીની કંઈ ગણતરી જ ન હતી. હું કૃષિમાં સ્નાતક થયો અને હવે વૈગ્નાનિક રીતે ખેતી કરું છું. સાહિત્ય વાંચવા લખવાનો શોખ છે. કંઈક લખતો રહું અને આવા જાહેર કામોમાં ભાગ લઉં. ખેતી જરુર કરતાં ઘણી વધારે આવક આપે છે. મમ્મી મને લગ્ન માટે ખુબ કહેતા પણ હવે એ થાક્યા. મને અનુકૂળ છોકરી મળતી નથી ને કોઈ છોકરીને મારી ખેતી અનુકૂળ લાગતી નથી.”

થોડા વિશ્રામ પછી ડોક્ટરો રવાના થવા તૈયાર થયા.

દિપ્તિએ રમેશને ભલામણ કરી “ઘણી દરદીઓને બીજીવારની તપાસની જરુર છે, લાંબી સારવાર પણ ચાલે તેમ છે. મેં બધીને ત્યાં દવાખાને આવવા સુચના તો આપી છે. તેમ છતાં તમે, એ આવવાની આળસ ન કરે તે જોજો.”

ઘણી દરદી સ્ત્રીઓ ફરી તપાસ માટે આવી અને ઘણીને હજી વધુ સારવારની જરુર લાગતાં એણે એક દરદી સાથે સમાચાર મોકલ્યા “રમેશભાઈને કહેજો, મને મળી જાય. જો મને લાવવા મુકવાની સગવડ એ કરશે તો હું જ ત્યાં આવીશ.”

રમેશ ડો. દિપ્તિને મળવા ગયો. નિરાંતે વાત થઈ રમેશે કહ્યું “તો મેડમ, આપણે એમ કરીએ.. મારી વાડીએ જ મકાનની સારી સગવડ છે. દરદીઓને પણ ત્યાં આવવાનું ફાવશે. હું મારા વાહનમાં તમને લઈ જઈશ. બપોરે જમવાનું ત્યાં જ રાખશું. બપોર પછી હું તમને મુકી જઈશ.”

દર પંદર દિવસે ફેરતપાસ, સારવાર માટે ગોઠવણ થઈ. એ પ્રમાણે રમેશ દિપ્તિને લઈ જતો અને મુકી જતો.

દિપ્તિના નમ્ર સેવાભાવી વલણથી દરદી સ્ત્રીઓ રાજી થતી. જુના ઉપરાંત નવા દરદીઓ પણ આજુબાજુના ગામોમાંથી આવવા લાગ્યા. દિપ્તિને પણ કુદરતી વાતાવરણ ગમતું. રમેશના મમ્મી દર વખતે નવું નવું દેશી ખાણું ખવડાવતા.

શિબિર લગભગ નિયમિત જેવી જ થઈ ગઈ.

એક દિવસ જમ્યા પછી દિપ્તિએ રમેશને કહ્યું “મારે તમારી સાથે ખુલ્લા દિલથી થોડી વાત કરવી છે.”

બન્ને બગીચામાં ખુરશી લઈને બેઠા. દિપ્તિએ વાત કરી.

“હું ખરેખર એકાકી જીવનથી થાકી ગઈ છું. મેં પરધર્મી સાથે લગ્ન કર્યા હતા. ઘરના કોઈને પસંદ ન હતું. હવે, છુટી થઈ છું તોય એ લોકો માત્ર દેખાવનો સંબંધ રાખે છે. ક્યારેક એકાંતમાં ખુબ ખરાબ વિચારો આવે છે. પહેલાં એમ લાગતું કે બે ડોક્ટરની આવકથી સંપતિ અને સુખ થશે. પણ હવે સમજાય છે કે, ખરું સુખ સંબંધોમાં છે. લગ્નમાં હું છેતરાઈ ગઈ. એ જુનવાણી વિચારનો નિકળ્યો. મારે નોકરી ઉપરાંત ઘરકામ કરવું પડતું. એ ધીરે ધીરે પતિપણું કરવા લાગ્યો. મને છુટાછેડા લેવાનું યોગ્ય લાગ્યું. બીજા ડોક્ટરોની મધ્યસ્થીથી અમે કેસ કબાડા વગર છુટા થયા.”

રમેશ બોલ્યો.. “હા, ક્યારેક ઉતાવળ નુકશાન કરી બેસે. પણ તોય, તમે છુટા થઈ ગયા, એ ઠીક થયું.”

દિપ્તિએ આગળ કહ્યું “મને આ શિબિરથી જીવનની નવી દિશા મળી છે. મને આવું કામ આવી ખુલ્લી જગ્યાએ કરવું ખુબ ગમે છે. બીજું, તમે ક્રાંતિકારી વિચારના છો, એટલે તમે સાવ કુંવારા છો છતાં વાત મુકું છું. ‘આપણે પરણી જઈએ તો કેવું?’ તમારી આવક સારી છે, એટલે મારા પગારની જરુર નથી. હું નોકરી છોડીને અહીં વાડીમાં જ સેવાનું સસ્તું દવાખાનું ચલાવીશ.”

“રમેશ.. ત્રણ માસના તમારા અને મમ્મીના પરિચયથી મને લાગે છે કે. મને અહીં ખુબ સુખ અને શાંતિ મળશે.”

બેય થોડીવાર મૌન બેસી રહ્યા.

રમેશ હસ્યો.. “મને મમ્મી પણ બે દિવસ પહેલાં તમને પુછી જોવાનું કહેતા હતા. આપણે મમ્મીને સાથે લઈને તમારા ઘરનાને મળશું. અને સમજાવી લઈશું. અને ધામધુમથી લગ્ન કરશું.”

દિપ્તિ હસી.. “હવેથી તમે મને દિપુ કહેજો હો.”

– જયંતીલાલ ચૌહાણ ૩૦-૮-૨૧