” વડલામાં ચુડેલ રે હ….” – વાંચો જૂની યાદો તાજી કરી દેતો સરસ મજાનો લેખ, બાળકોને પણ સંભળાવો.

0
524

ગામનાં વચ્ચોવચ વડલાનું ઝાડ હોય એની નીચે સરસ મજાનો ઓટલો કરેલો હોય એ ઓટલા ઉપર ગામનું નાક એવાં ધોળા બગલાની પાંખ જેવા પહેરણ અને ધોતીયું પહેરી ગામનાં છ સાત વરિષ્ઠ બેઠા હોય. મોઢા પર ચલમ દાબી ધુમાડા નાં ધોટેઘોટા કાઢી ” આ ગામની અને ફલાણા ગામની ” પંચાત કરાતાં હોય એવા ડોહા હવે લોપ થઈ ગયાં છે. સાથે સાથે વડલાં નાં એ ઝાડ નીચે કરેલાં ઓટલા હવે સુમસામ નજરે ચડે છે.

પણ મારા ગામ માં હાલ પણ ઘરડાં નો હેડીલો વડલો મારા ફળિયા નાં નાકા માં હજીયે અડીખમ ઉભો છે. ગણી આંધળી વાતો પહેલાં રવડતિ થઈ હતી કે ” વડલામાં ચુડેલ રે હ….” ” વડલા માં દીવા થોય હી……” આ બધી હવાબાજી ને જડમૂળ માંથી વખોડી નાખવા મારા ગામનાં સરપંચ એવા શ્રી ભરત ભાઈ એ વડલા નીચે સરસ મજાનો ઓટલો બનાવી વટેમાર્ગુ ને વિસામો આપ્યો છે એ બદલ હું એમનો આભારી છું.

હોળી નાં પર્વ નિમિતે શ્રીફળ થી ટાંકુ ટપાડવાની ( કૂદાડ વાની ) યુવા વર્ગ ની મનોરંજ અર્થ ની પરંપરા હજુ મારા કાળજા માં એવી ને એવી સ્થિર છે. વડલાની લગોલગ ઉભેલું એ પાણી નું ટાંકુ જર્જરિત થઈ જવાના કારણોસર હવે ભોયભેળૂ કરી દેવાનું છે. પણ એવું નથી કે એની સાથે જોડાયેલી બાહુબળ ની સ્પર્ધા વાળી યાદો ધૂળ ચાટસે એ યાદો કાયમ આ ટાંકા ની જેમ અમારાં હૈયે અડીખમ રહેશે.

આજે હું તમને એક એવી વ્યક્તિ ની યાદ અપાવા જઈ રહયો છું જેનાં કાર્ય ઉપર ગણા સમય થી ધૂળ જામી ગઈ હતી. ગામકૂવા ની ઓરડી માં રહી આખા ગામને પાણી પુરુ પાડનાર મોંજી ભા અત્યારે હયાત નથી. પણ એમનાં જીવનની ગણી યાદો હાલ પણ એવીનેએવી હોંભરે છે. મોંજી ભા નાં કૂતરાં ની ટોળી એમનાં અંગરક્ષક બની હાજરે જવાબી રહેતી.

ઘરે થી નીકળ્યા હોય તો એક વાર છૂપી નજરે જોવામાં આવે કે મોંજી ભા છે કે નહીં ….! જો હાજર હોય તો આગળ વધાય બાકી સીધા એમનાં કૂતરા જૂનાળી ભેળા કરી દે. પણ મોંજી ભા નો જાનવરો પ્રત્યે નો પ્રેમ પણ ખરેખરે વાત્સલ્ય હતો. પાંજરા માં પુરી રાખેલા સસલાં ની જોડ માંથી ક્યારેક એક સસલું લઈ ફળિયા માં વાંટો મારવા નીકળી જતાં તો છોકરાં નું ટોળું મોંજી ભા ની પાછળ પાછળ સસલાં ને જોવા હાટુ નાહવાનું ભૂલી જાય.

જ્યારે મોંજી ભા આંદ્રિપાનું પાણી ની ઘોડી માં ભરાવી પાણી છોડે એની અડધો કલાક પાછી નિરીક્ષણ અર્થે નીકળે જો કોઈનાં ઘરે પાણી નો નળ ચાલુ રહી ગયો હોય અને પણી નો રેલો રસ્તે નજરે ચેડે તો એનું આઈ બને. મોંજી ભા બોલે ” એ સોકેર પોણી ઓસું રેડો….નકર કાલ પોણી જ ની સોડુ….”

હવાડા નાં પાણીમાં કપડાં ધોવા આવેલી કોઈ બાઈ એ સાબુ વાળી ડોળ હવાડા માં નાખી તો એને મોંજી ભા ની સૂટભેર ગાળો સાંભળ્યાવીના છુંટકો નથી.

આખું જીવન વડલા નાં ઝાડ નીચે કાઢી નાખ્યું પણ એમને ક્યારે પેલી ચુડેલે બાથો ભરી નથી. મોંજી ભા ની એ લકડાની ખુરશી હજુયે, હજુર ભા પાસે છે.

બાયો સવાર સવાર માં નાગાપદડ છોરાં ને આંગળી વળગાડી ગામનાં ગોમકૂવે લૂગડાં ધોવા જાય એ સમય હવે લોપ થઈ ચુક્યો છે. ધોકાનો ધબધબ અવાજ સાંભળવા માંગતા કાન હવે ક્યાંક દુર એ યાદો મુકી આવ્યાં છે. વડ ની વડવાઈઓએ વળગી ઉંચા ઉંચા હિંચકા ખાતાં બાળકો હવે ફોન ની નકલી ગેમ ની દુનિયા માં જડ થઈ ચુક્યા છે.

ગામનું આગવું ગૌરવ એવો મારા ગામનો આ વાડલો જ્યારે જ્યારે હું જોવું છું ત્યારે ત્યારે મને મન થાય કે એક એવો મોભીડો એની નીચે બેસી ચલમ ફૂંકે કે આવતાં જતાં બધાં એ ચમલનાં ધુમાડા ની કદર કરે.

કુવા માં ડોકિયું કરી એમાં ટહુકો કરો એટલે અંદર બેસેલો આપડા જેવો વ્યક્તિ કેવો વળતો જવાબ આપે છે એ અચરજતાં હવે આ યુગમાં માળીએ ચડી ગઈ છે. બાકી સુગરી ની આવડત તો તમે જોવો પોતાના પરિવાર ને કૂવાનાં ઉપર ઉગેલા એક ઝાડવાની ડાળ પર ટટળતી કરી મુકે છે. કેટલો ભરોસો એણે એનાં બનાવેલા ઘર પર હસે !

બાપો પોણત કરતાં હોય અને શેઢા પરથી માથે ભાથું લઈ આપવા જતાં હોય એ સમયે શેઢાની ચાર માંથી તેતરો ઉડે એટલે બે હવાશેરની ગા ળો લેતો જાય. ઘરે બેઠાં બેઠાં પીઝા અને મંચુંરીયન ખાતી પેઢી ને હું એટલું કહેવા માંગુ છું કે કોયવાર ખેતરનાં શેઠે બેસી કાલેન્ગડાં નું શાખ અને બાજરી નો રોટલો ખાઈ જોજો તમારા એ પીઝાનો ચસ્કો ભૂલી જશો.

બાજરી નાં રોટલા ની ખપોત્રી ઉંચી કરી એમાં થિજેલું ઘી ભરવા માં આવે અને ગરમ ગરમ રોટલા માં એ ઘી પીગલી જે બૌવૂ બને એ ખાણું ખેતર ની બાજરી લણવા માં શક્તિ પુરી પાડે. અને હા ચારા ની નેક માંથી વહી જતાં પાણીમાં ખોબો બોળી પાણી પીવાથી જે તરસ છીપે એ ઠંડાપીણાં થી ક્યારે ના છીપે.

મારી આપણી પ્રાથમિક સ્કૂલ માં આચાર્ય સાહેબ તથા શિક્ષકગણ ને એક વિનતી છે કે બાળકો ને ગામનાં આવા વારસા થી પરિચિત કરાવો. અને જૂની ગણી વસ્તુઓ હાલ પણ આપણાં ગામમાં હયાત છે. તો એક પ્રવાસ આપણાં ગામ નો કરાવો.

હું રશ્મિન પ્રજાપતિ.