વ્હાલસોયી લાગણી ઘરથી પરાયી થાય છે, વાંચો સુંદર વિદાય ગીતની પંક્તિઓ.

0
454

વ્હાલસોયી લાગણી ઘરથી પરાયી થાય છે,

ભલભલા પાષાણ હૈયાને પલાળી જાય છે.

જે પૂજાતી વ્હાલથી લક્ષ્મી ગણી પિતૃગૃહે,

કોઈના ઘરની થવા મિલ્કત સવાયી જાય છે.

કાલ સુધી એ છલકતી થૈ ખુશી ઘરઆંગણે,

આજ પાલવમાં બધી યાદો સમાવી જાય છે.

એક આંખે છે વ્યથા ને એક આંખે છે ખુશી,

અશ્રુના કૈં કેટલા તોરણ સજાવી જાય છે.

આજથી ચાતક થશે ઘરનાં ખૂણા, ભીંતો, ગલી,

આગમનની આશ જીવનને જીવાડી જાય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’