ઉમળકો :
બપોરે વિભાવરીના હાથમાંથી વાસણની ખાટલી છટકી ગઈ. વાસણ પછડાવાનો અવાજ થયો.
સાસુએ પુછ્યું “શું થયું? તને વાગ્યું તો નથી ને?”
કાચની ડીશના ટુકડા અને એક તપેલી લઈને એ બહાર આવી. “મમ્મી, બે ડીશ તુટી ગઈ. ને આ તપેલીમાં ગોબો પડ્યો.”
સાસુએ ડીશના ટુકડા અને તપેલી જોયાં.. “બેસ અહીં.. મારે બીજું કામ છે.”
વિભાવરી સાસુ પાસે બેઠી.. સાસુ એ કહ્યું.. “હું થોડા દિવસથી જોઉં છું. તમે બેય પહેલાંની જેમ હસતા બોલતા નથી. શું વાત છે? જે હોય તે, સાચું કહી દે.”
જવાબ આપવામાં એણે થોડીવાર લગાડી. “મમ્મી, આમ તો કંઈ નથી. પણ એકવાર મારાથી એની સામે ઉંચા સાદે બોલાઈ ગયું. ત્યારથી એ મારી સાથે મજાક મસ્તી કરતા નથી. કામ પુરતી જ વાત કરે છે.”
સાસુ જરા હસ્યા.. “જો તને સમજાવું. અહીં આપણા ઘરમાં આકરા અવાજમાં બોલવાની રીત નથી. ભલે તારો ઈરાદો ખરાબ નહીં હોય, તોય મનીષને ખોટું લાગ્યું હશે. બધાના સ્વભાવ, આ વાસણની જેમ જુદા જુદા હોય. એનો સ્વભાવ આ ડીશ જેવો બરડ છે. પછડાય તો તુટી જાય. કોઈનો ધાતુ જેવો હોય. પછડાય તો તપેલીની જેમ ગોબો પડે.. ને કોઈ પ્લાસ્ટીક જેવું યે હોય એને કાંઈ થાય નહીં. વર વહુએ એક બીજાનો સ્વભાવ સમજી લેવો જોઈએ.”
“મમ્મી.. હું મારી ટેવ સુધારી લઈશ. મને મુંગુ રહેવું નથી ગમતું. મારે શું કરવું?”
“બીજું કાંઈ નહીં. આજે ભૂલ સ્વિકારી લેજે ને શિક્ષા કરવા ગાલ ધરી દેજે. એ તને ઝાપટ કે ટપલી યે નહીં મા રે. પણ..”
એ મમ્મીના કહેવાનો અર્થ સમજી ગઈ.. શરમાઈને નીચું જોઈ ગઈ.
સાસુએ કહ્યું.. “જા આ બધું ઠેકાણે મુક.” એમ કહી એ પોતાના ઓરડામાં આરામ કરવા ગયા.
એટલામાં વિભાવરી કામ પતાવી હસતી હસતી આવી. સાસુએ હસવાનું કારણ પુછ્યું.
એ બોલી.. “મમ્મી.. જુના વખતમાં વહુઓ સાસુના પગ દબાવવા જતી. બરાબર ને? આજે મને મારી સાસુના પગ દબાવવાનો ઉમળકો ચડ્યો છે.” એમ કહી એ પગ પાસે બેઠી.
“સાવ ગાંડી નહીં તો.. મારે હમણાં જરુર નથી.. મને સાવ ઘરડી થવા દે.. પછી દાબજે.. ને તને બીજી વાત કહું. જુના વખતમાં બાળકને કંઈ અસુખ હોય અને નિરાંતે સુઈ ના શકતું હોય, તો માં એને સોડમાં લઈ વાંસા પર હાથ ફેરવતી. બાળકનું બધું અસુખ ઓગળી જતું. ને નિંદર આવી જતી. લાવ, તારું અસુખ ઓગાળી દઉં.”
સાસુએ એનો હાથ ખેંચીને પાસે સુવડાવી. હાથ પીઠ પર ફરવા લાગ્યો.
“વિભુ બેટા, ઉઠ.. જો ચાર વાગી ગયા.”
એની આંખો ખુલી.. જોયું તો સાસુ ઢંઢોળી રહ્યા છે. એ બેઠી થઈ. આળસ મરડી. સાસુ સામે જોયું. મોં મલકાવ્યું. માથું સાસુને ખભે ટેકવ્યું. ને હાથ ગળે વિંટાળ્યા. ને માત્ર એક શબ્દ બોલી…
“મમ્મી..”
– જયંતીલાલ ચૌહાણ ૨૪ -૯ -૨૧