વહુના પરિવાર સામે વહુની નિંદા કરનાર અવળી સાસુની આ સ્ટોરી ઘણું બધું કહી જાય છે.

0
1992

અચલા સવારે કપડાં એવું ધોઈને સાસુ-સસરા અને પતિ તેમજ બાળકો માટે ચા નાસ્તો તૈયાર કરતી. પછી પતિ અને બાળકો માટે ઓફિસ અને સ્કૂલે લઇ જવા ટિફિન બનાવતી. આ તેનો નિત્યક્રમ હતો.

રોજની જેમ જ તે સસરા માટે ચા લઈને ગઈ.

પપ્પા, ચા…

સસરાએ છાપમાંથી નજર હટાવ્યા વિના હળવેથી માથું હલાવ્યું અને હમમ… કહ્યું.

બાજુના ટેબલ પર ચા મૂકી, અચલા ઉતાવળે રસોડામાં જતી રહી. હજુ બધાના લંચ-બોક્સ તૈયાર કરવાના બાકી છે. પતિને થોડો નાસ્તો પણ આપવાનો હતો.

અચલા હું નહાવા જાઉં છું, મારા શર્ટ અને પેન્ટ કબાટમાંથી બહાર કાઢી દે. અચલાના પતિ વિનોદ આવું કહીને બાથરૂમમાં ગયા.

હા, આવી.

ગેસની આંચ ધીમી કરીને અચલાએ કબાટમાંથી પતિના પેન્ટ-શર્ટ કાઢયા અને પરોઠા શેકવા લાગી.

ત્યારે પોતાની સાસુને કચરો વાળતા જોઈ અચલા બોલી, અરે મમ્મી… તમે ક્યાં આ કામ કરવા લાગ્યા. હું હમણાં જ બધાને ઑફિસ અને સ્કૂલે મોકલીને કચરો વાળી લઈશ. તમે રહેવા દો.

તેની સાસુ બોલી – છોકરી, મને પણ કંઈક કરવા દે નહીંતર મારા હાથ-પગ જકડાઈ જશે.

અસહજ અચલા કંઈપણ બોલ્યા વગર અંકુરિત મગ-ચણામાં ડુંગળી, ટામેટા, લીંબુ મિક્સ કરતી રહી. સાસુ સસરા સવારે ચા-દૂધ સાથે નાસ્તામાં આ જ ખાતા હતા.

પપ્પા, હું તમારો નાસ્તો લઇ આવું? અચલાએ પૂછ્યું.

ના, તારી મમ્મી આવી જાય ત્યારે લઇ આવજે. સસરા છાપું વાંચતા વાંચતા બોલ્યા.

ઠીક છે.

અચલાએ પોતાની ચા પીધી અને બીજા કામોમાં લાગી ગઈ.

થોડી વાર પછી તેણીએ જે દૃશ્ય જોયું તેનાથી તે ચકિત થઇ ગઈ.

તેની સાસુ બે જણાનો અલગથી નાસ્તો બનાવીને પોતાના પતિ પાસે લઇ ગઈ. અચલાએ બનાવેલો નાસ્તો કોઈએ ખાધો નહીં.

ત્રણ-ચાર દિવસ સુધી અચલા રોજ નાસ્તો બનાવ્યા પછી સસરાને નાસ્તો કરવા કહેતી, પણ તે ના પાડતા અને પછી તેની સાસુ અલગથી નાસ્તો બનાવીને લઇ જતી.

આ જોઈ અચલા પરેશાન રહેવા લાગી કે, મમ્મી પપ્પાએ આ કઈ નવી રીત કાઢી છે. પણ તે કાંઈ બોલી નહીં.

બપોરનો સમય હતો અને તેના ભાઈ અને ભાભી આવ્યા.

અચલાએ તેમના માટે પકોડા બનાવવાનું શરૂ કર્યું. તેણીએ પોતાની સાસુને એવું કહેતા સાંભળ્યા કે – “હું ખૂબ થાકી જાઉં છું. હું સવારે કચરો પણ વાળું છું અને અમારા બંને માટે નાસ્તો પણ તૈયાર કરવો પડે છે.

અરે, હું અચલા સાથે વાત કરું? – તેના ભાઈએ કહ્યું.

ના દીકરા, મને ઝઘડાથી ડર લાગે છે. તે ફક્ત પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવે છે.

આ સાંભળી અચલા સ્તબ્ધ થઈ ગઈ. તે કડાઈમાં રહેલા પકોડાને લાલમાંથી કાળા થતા જોઈ રહી.