વહુને ઓફિસેથી નીકળતા વાગી ગયા 10, સાસુ ખીજાશે તેની ચિંતામાં છૂટી ગયો પરસેવો, પછી જે થયું તે…

0
2393

રિદ્ધિમાને આજે ઓફિસેથી આવવામાં મોડું થઇ ગયું હતું. સામાન્ય રીતે તે 7 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જાય છે. પરંતુ આજે ઓફિસના અગત્યના કામને કારણે 10 વાગ્યા હતા. મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતી રિદ્ધિમા માટે ઓફિસેથી ઘરે આવવામાં મોડું થવું એ નવી વાત નહોતી, 7 વાગ્યે તેને રજા મળે પણ ક્યારેક 8:30 પણ થઇ હતા. પણ આજે તો ઓફિસથી નીકળવામાં 10 વાગી ગયા હતા એટલે કે ઘણું મોડું થઈ ગયું હતું. આટલું મોડું થવાને કારણે, તેણીને ઘરે મૂકવા માટે ઓફિસની કોઈ કેબ પણ મળી ન હતી, જેના કારણે તે વધુ પરેશાન થઈ ગઈ હતી.

કામના ચક્કરમાં તેણીને સમયનું ધ્યાન ક્યાં રહે છે. રિદ્ધિમાને યાદ આવ્યું કે ત્રણ દિવસ માટે ઘરે ગયેલી જેઠાણી બે દિવસ પછી પાછી આવશે. આવી સ્થિતિમાં ઘરનું તમામ કામ તેણે અને તેની સાસુએ જ જોવાનું હોય છે.

આજે મોડું થવાને કારણે, સસરાની રાતની દવા, સાસુના પગની મસાજ અને હંમેશા કાકી-કાકી કહેતા શનિનું રાતનું ભોજન, આ બધું કેવી રીતે થશે. રિદ્ધિમાને ઘરે પહોંચતા 10:30 થઇ જાય એમ હતું. રિદ્ધિમા વિચારમાં પડી ગઈ કે પતિ અરુણ પણ ઘરે બેઠા બેઠા વિચારતા હશે કે, આજે તો ઘરની લાડકી વહુને પાક્કું ખીજાશે, અને કાલથી ઓફિસ જવાનું પણ બંધ. રિદ્ધિમા મનમાં ને મનમાં આવી વિચારી રહી હતી.

તેણીને પડોશમાં રહેતી સુષ્મા કાકી યાદ આવી, જે હંમેશા પોતાની વહુને પોતાના નિયંત્રણમાં રાખવાની વાત કરે છે, અને રિદ્ધિમાની સાસુને પણ એવું કરવા કહ્યા કરે છે. પણ રિદ્ધિમાની પ્રેમાળ સાસુ તેમની બધી વાતોને મજાકમાં ઉડાવી દે છે.

હવે રિદ્ધિમાને બીજી પડોશી દક્ષા કાકી યાદ આવી જે પોતાની શિક્ષિત વહુને પોતાના કહેવાતા સામાજિક રિવાજોના નામે ગૃહિણી બનાવીને રાખે છે. પતિ અને પુત્ર પાસેથી ઘરની તમામ જરૂરી વસ્તુઓ મંગાવે છે. અને તે પોતે મંદિર અને સગા-સંબંધીઓના ઘર સિવાય બીજે ક્યાંય જતી નથી અને વહુને ફક્ત તેના સાસરેથી પિયર અને પિયરથી સાસરે આવવા જવા દે છે, તે પણ તેમની પોતાની મરજી હોય તો.

તેમના મહોલ્લામાં જ રહેતા માલતી કાકીની પુત્રવધૂ રીટાને ખૂબ જ મુશ્કેલીથી સ્કૂલ ટીચરની નોકરી મળી હતી, અને તે નોકરી શરૂ કરવા માટે તેણીએ સાસરિયાંમાં બધાની સામે ન જાણે કેટલી વિનંતીઓ કરવી પડી હતી, પછી તે બિચારીને બહાર નીકળવાનો મોકો મળ્યો. પણ સ્કૂલના કોઈ ફંકશનમાં મોડે સુધી રોકાવાની હજુ સુધી મળી ન હતી. રિદ્ધિમાને યાદ આવ્યું કે તેના પડોશમાં એવી કોઈ સ્ત્રી નથી કે જે આટલો સમય ઘરની બહાર રહે.

અચાનક એક અજાણ્યો ભય રિદ્ધિમાની અંદર પ્રવેશી ગયો. રિદ્ધિમા ઝડપથી પગલાં ભરી રહી હતી. નવેમ્બરના ઠંડા પવનમાં પણ રિધિમાના ચહેરા પર પરસેવાના ટીપાં હતાં. તેણીએ ગભરામણમાં વહેલા ઘરે પહોંચવા માટે બસ છોડીને રિક્ષામાં જવાનું યોગ્ય માન્યું અને એક ઓટો રિક્ષા ચાલકને રોક્યો અને તેમાં બેસી ગઈ. રિક્ષા આગળ વધી. ઠંડા પવનને કારણે રિદ્ધિમાનું પરસેવાથી લથબથ શરીર સુકાઈ ગયું હતું. ઓફિસના કામથી કંટાળેલી રિદ્ધિમાની પાંપણ ઝપકી રહી હતી, પણ ઘરે વહેલા પહોંચી જવાના ડરે તેને સુવા ન દીધી.

રિદ્ધિમાને એક પછી એક સાસુની બધી વાતો યાદ આવી રહી હતી. બે વર્ષ પહેલાં રિદ્ધિમા લગ્ન કરીને સાસરે આવી હતી ત્યારે તેની સાસુ તેણીને એકલાં કોઈ કામ કરવા દેતાં નહોતાં, પછી તે રસોડાનું કામ હોય, ઘર સાફ કરવાનું હોય કે કપડાં ધોવાનું હોય. તેની સાસુ બંને વહુઓને કામમાં મદદ કરતી. રિદ્ધિમા શાક કાપે તો તે શાક વઘારી દે, રિદ્ધિમા લોટ બાંધે તો તે રોટલી વણી દે, રિદ્ધિમા કે તેની જેઠાણી વાસણો ધોવે તો તે વાસણો લૂંછી દે. રિદ્ધિમાની સાસુ બંને વહુઓને દીકરીઓ જ માને છે.

રિદ્ધિમા ક્યારેક ઘરે કંટાળી ગઈ હોય તો તેને પોતાની સાથે સુપરમાર્કેટમાં લઈ જતી કે તેની સાથે શોપિંગ કરતી. ક્યારેક કિશોર-આશાના ગીતો પર સાસુ-સસરા અને વહુઓની જુગલબંધી ચાલતી તો ક્યારેક કોઈક જૂના ફિલ્મી હીરો-હીરોઈન ડાયલોગની મિમિક્રી. લગ્નના એક વર્ષ પછી, જ્યારે MBA પાસ રિદ્ધિમાને મલ્ટીનેશનલ કંપનીમાંથી નોકરીની ઑફર મળી, ત્યારે ઘરના બધા ખૂબ ખુશ થઇ ગયા હતા. અને તેની સાસુએ તરત જ નાના શનિને નજીકની ડેરીમાંથી 2 કિલો કાજુ કતરી લેવા મોકલ્યો અને તેને વહેંચાવી. આ જોઈને રિદ્ધિમાની આંખો માંથી ખુશીના આંસુ નીકળવા લાગ્યા અને સાસુને ભેટી પડી.

સસરા અને જેઠે ગરબાનો પોઝ પણ બનાવી લીધો હતો. અરુણ અને શનિએ રિદ્ધિમાને પોતાના હાથે બરફી ખવડાવીને ખુશીના આંસુ લૂછીને તેને હસાવી. જેઠાણીએ ગર્વથી રિદ્ધિમાનું મનપસંદ મટર પનીર અને ખીર પુરી બનાવ્યા.

રિદ્ધિમાએ ઑફિસે જવાનું શરુ કર્યું. રોજ સવારે જ્યારે રિદ્ધિમા ઊઠીને ઘરના કામકાજ કરવા લાગતી ત્યારે તેની સાસુ રિદ્ધિમાના ઑફિસના કપડા અને શનિના સ્કૂલના યુનિફોર્મને ઈસ્ત્રી કરવા લાગતી. આ જોઈ તે સાસુને ભેટીને તેમના ગાલ પર પપ્પી કરી દેતી. બંને સાસુ વહુ હસતાં અને રિદ્ધિમાનો આખો દિવસ ખીલી ઊઠતો.

ઓફિસના કામમાં ડૂબેલી અને ઘરના કામકાજમાં વ્યસ્ત રિદ્ધિમાના સાસુ તેના ચહેરાની બગડેલી રંગત જોઈને તેને પાર્લર જવાનું કહી દેતી. અને રિદ્ધિમા ના પાડતી તો તે પોતે તેને લઇ જતી. આ જોઈ જેઠાણી ખૂબ હસતી અને રિદ્ધિમા પાસેથી તમામ કામ છીનવી લીઈને તેણીને સાસુ સાથે પાર્લરમાં મોકલી દેતી. પાર્લરમાં તેની આઈબ્રો બનાવતી મહિલાને તેની સાસુ દિશા-નિર્દેશો આપતી જેથી તેની સુંદર વહુ વધુ સુંદર દેખાય. નવી સ્ટાઇલની હેર કટિંગ કરાવતી. સાસુની તન્મયતા જોઈને વહુ મંત્રમુગ્ધ બનીને ચુપચાપ બેસી રહેતી.

સાસુ પોતાની બંને વહુઓ માટે કેલ્શિયમ અને આયર્નની ગોળીઓ લાવવાનું ભૂલતી નથી. અને પોતાની દવા અને માલિશ માટે ત્યારે માનતી જ્યારે વહુઓ જ્યુસ અને ગોળીઓ પી લેતી.

રિક્ષામાં બેઠેલી રિદ્ધિમાને તેની સાસુ અને સાસરીની બધી વાતો યાદ આવી રહી હતી. તે વિચારી રહી હતી કે તેને કેટલું સારું સાસરું મળ્યું છે. પણ આજે આટલું મોડું થયું છે, તો સાસુની પ્રતિક્રિયા શું હશે? આ તેના માટે સૌથી મોટો પ્રશ્ન હતો. રિક્ષામાંથી ઉતરીને રિદ્ધિમાએ ડરથી રાહત મેળવવા માટે પોતાની મમ્મીને ફોન કર્યો અને મોડું થવાની વાર જણાવી. રિદ્ધિમાને મોડું થવા પર તેની મમ્મીએ તેને કોઈ રાહતની વાત તો ન કહી, પણ તેનાથી ઊંધું તેણીને ઠપકો આપ્યો અને સમયસર ઘરે પહોંચવાની સલાહ આપી.

માતાના ઠપકાએ રિદ્ધિમાને વધુ ગભરાવી દીધી. હવે રિદ્ધિમા માટે ઘરે જવામાં મોડું થવું મોટી ભૂલ જેવું લાગતું હતું. પોતાની જાતને દોષિત માનતી રિદ્ધિમા મનમાં પોતાને કોસતી, ધીમા પગલે ઘરમાં પ્રવેશી. ઘરનું વાતાવરણ ખૂબ જ શાંત છે. સસરા પોતાના રૂમમાં બેડ પર આંખો બંધ કરીને આરામ કરી રહ્યા હતા. ટીવી બંધ હતું. શનિ પણ સૂઈ રહ્યો હતો.

રસોડામાં કૂકરની સીટી વાગી અને સાસુ પોતાના પ્રિય કિશોર-લતાના ગીતો ગાતી ગાતી ચટણીનો મસાલો તૈયાર કરી રહી હતી. રિદ્ધિમાએ ઘરના આંગણામાં અરુણની કાર જોઈ ન હતી આથી તે સમજી ગઈ હતી કે અરુણ હજી આવ્યો નથી.

રિદ્ધિમાએ સાસુના ચહેરા તરફ જોયું અને મોડું થવા બદલ માફી માગી. સાસુએ રિદ્ધિમાના માથા પર ટપલી મારી અને કહ્યું, ‘ગાંડી મોડું જ થયું છે ને, કોઈ ગુનો થોડી કર્યો છે. અને તારા લગ્ન પહેલા તારી નણંદ બબલીને તો ઘણી વખત ઓફિસેથી આવતા 10 વાગી જતા હતા. હું સમજું છું કે ઓફીસમાં કામ હોય તો મોડું થઈ જાય છે. તું ખોટી ચિંતા છોડ અને હાથ મોં ધોઈ લે. ગરમા ગરમ બિરિયાની બનાવી છે. અને આ ચટણી હમણાં જ તૈયાર કરી દઈશ.

સાસુની વાત સાંભળીને રિદ્ધિમાને નવાઈ લાગી. જે વાતોને વિચારીને તે આખા રસ્તે ચિંતિત હતી, તેનાથી સાસુને કોઈ તકલીફ ન હતી. તેણીએ રાહતનો શ્વાસ લીધો. સાસુએ ગેસ પર પાણી મુક્યું અને પૂછ્યું, “વહુ થાકી ગઈ હશે, ચા પીશે કે કોફી?” રિધિમાએ સાસુને ભેટી પડી અને તેમના ગાલ પર એક પપ્પી આપીને કહ્યું, “મારી વહાલી સાસુમાં, તમારો આ પ્રેમ હંમેશા માટે જોઈએ છે.”