લઘુકથા – નિવૃત્તિ :
આજે વસંત પંચમીથી બળદની નવી જોડ વહેતી કરવાની હતી. ગોવિંદે આગલે દિવસે જ નવી-જુની બેય જોડને ધમારી, ખરેરો કરી તૈયાર કરી હતી.
ગોવિંદ ત્રીસેક વીઘાનો મહેનતુ ખેડુત. મબલખ ઉપજ. ઘરમાં બધી જ સુખ-સગવડ. દિકરો-દિકરી ભણેલા. સમાજના ફંડ-ફાળામાં ટુંકો હાથ ના રાખે.
એને બળદનો ભારી શોખ. આજે ઉતરવાની હતી એ અને નવી જોડ. નાના વાછડા લાવીને કેળવી હતી. તે કહેતો..
“ઢોરને ય ભગવાને હૈયું દીધું છે. મા-બાપની જેમ ઉછેરીએ. તો દિકરા થઈને કામ કરે. ને આપણા ઘર-ખેતર એનેય પોતાના લાગે.”
આજે વાડીએ જમણવાર રાખ્યો હતો. ચુરમાના લાડુ તો રાતે જ ઘરે બનાવી લીધા હતા. બાકીનું વાડીએ બનાવવાનું હતું. ગામના સંબંધીઓને નોતરાં દીધા હતા. દિકરી-જમાઈ ને કિશોરના સાસુ-સસરા પણ આવ્યા હતા.
દિકરા કિશોર અને દિકરી કિરણના લગ્ન ત્રણેક માસ પહેલાં જ કર્યા હતા. કિશોરના સસરા શહેરમાં નોકરીયાત. સુમન શહેરમાં જ જન્મી ને ઉછરેલી. પણ સ્વભાવે પ્રકૃતિપ્રિય. કોલેજમાં સાથે ભણતાં ને પોતાની નાતના જ કિશોર સાથે મન મળી ગયું. ગામડું અને ખેતી… એ બાબતે તેના વડિલોમાં થોડો ખચવાટ થયો. પણ ઘર જોયા પછી યોગ્ય લાગતાં સ્વીકારી લીધું.
દિવસ ઉગતાં જ જુની જોડવાળું ગાડું વાડીએ પહોંચ્યું. સાસુએ સુમનને આગળ કરી. સુમને બન્ને બળદને ચાંદલો કર્યો. ચોખા ચોડ્યા ને લાડુ ખવડાવ્યા.
ગોવિંદે સુડી વડે નાથ-મોરડા કાપી નાખ્યા.
“લ્યો.. બાપલીયા.. આજથી તમે છુટા. હવે આ ધોંસરું તમારી કાંધે નહી ચડે.”
મુરતમાં બળદ માટે જુવારનું વાવેતર નવી જોડથી કરવાનું હતું. કિશોરે દંતાળ તૈયાર કર્યો ને પહેલી મુઠની તૈયારી કરી ત્યાં ઘરડા બળદ નવી જોડની આગળ આવીને ઉભા રહી ગયા. કિશોરે ડચકારો કર્યો. પણ ખસ્યા નહીં.
ગોવિંદે કહ્યું “રહેવા દે.. એનો મોહ હજી છુટ્યો નથી. એ ઠાલા આગળ ભલે ચાલે.”
વાવેતર થતું હતું. જુના બળદ આગળ આગળ ચાલતા હતા.
એ જોઈને લાગણીશીલ સુમનના મનમાં વિચારોનો ઉફાણો આવ્યો..
“આ અબોલ જીવ પોતાપણું નથી છોડી શકતા. તો પરસેવો પાડીને ગુંથેલ માળાનો જીવનભરનો મોહ વૃધ્ધ મા-બાપ કેવી રીતે છોડી શકે. વહુ આવે ને નાનીમોટી ખેંચતાણ થાય. મા બાપને નોખા કાઢે. રોટલાના વારા કરે. વૃધ્ધાશ્રમ મોકલે.”
એને લાગ્યું કે પોતાનાથી રોઈ પડાશે. પરાણે ડુમો રોક્યો. થોડીવાર આંખો મીંચી રાખી. સ્વસ્થ થઈ. મનોમન બોલી..
“હે ભગવાન.. મારાથી આવું ના થાય એટલી દયા કરજે.”
તેણે ગોવિંદ પાસે જઈને કહ્યું.. “બાપુજી.. જુના બળદને પાંજરાપોળ મોકલવા નથી. આપણા ફળીયામાં રાખશું. હું છાણવાસીંદા કરીશ.”
– જયંતીલાલ ચૌહાણ ૧૦ -૧૦ -૨૦