વહુ રોજ સાસુથી દુર અલગ ડબ્બો લઈને ખાવા બેસતી, બીમાર સાસુએ કારણ જાણવા માંગ્યું, પછી જે થયું તે …

0
4867

“ઘરનું સન્માન”

છેવટે 40 વર્ષના મોહને પોતાની ઓફિસની સહકર્મી અપર્ણા સાથે લગ્ન કરી લીધા. અપર્ણા એક અનાથ છોકરી હતી, તે પોતાના કાકા-કાકી સાથે ઉછરી, તો મોહનના ઘરમાં તે અને તેની મમ્મી જ છે. મોહન 1 વર્ષનો હતો ને તેના પિતાનું અ-વ-સા-ન થઈ ગયું હતું. અને બંનેના પરિવાર ગરીબ.

અર્પણાએ આવતાની સાથે જ ઘરના તમામ કામો ખૂબ જ સારી રીતે સંભાળી લીધા. તે પોતાની બીમાર સાસુનું સારી રીતે ધ્યાન રાખતી. સમય પસાર થતો ગયો. તેમના લગ્નને દોઢ એક વર્ષ જેવું થવા આવ્યું. હવે અપર્ણાએ એક આદત બનાવી લીધી. તે પોતાની સાસુ સાથે બેસીને કંઈપણ ખાતી નથી.

પહેલા સાસુ અને વહુ બંને સાથે જમતા હતા. સાસુ પહેલા રસોડામાં વહુની મદદ પણ કરતી હતી અને તેમને ખબર રહેતી હતી કે કઈ વસ્તુ ક્યાં મૂકી છે. પણ હવે માંદગીને કારણે તે એટલી અશક્ત થઇ ગઈ હતી કે રસોડા સુધી પણ જઈ શકતી ન હતી.

મમ્મી…. આ લો ચા-બિસ્કીટ. સાંજે, પોતાની સાસુને ચા-બિસ્કિટ આપીને અર્પણા પોતે થોડે દૂર ચા પીવા બેઠી.

સાસુ મનમાં વિચારવા લાગી કે, ખબર નહીં આ અર્પણા વહુ મને બિસ્કિટ આપીને પોતે શું ખાય છે? હું ઉઠીને જોઈ પણ શકતી નથી. ઓહ…. કદાચ તે આનો લાભ તો નથી ઉઠાવી રહી ને. સાસુના મનની ઘંટડીઓ રણકવા લાગી.

ચોક્કસ તે કંઈક સારું જ ખાઈ રહી હશે, તેથી જ તે મારાથી દૂર બેસે છે. મુઈ….. વૃદ્ધાવસ્થામાં આ આંખો પણ નબળી પડી ગઈ છે, કશું સ્પષ્ટ દેખાતું નથી. સાસુએ વિચાર્યું, જવા દેને ગમે તે હોય…. મને તો બધું સમયસર મળી જાય છે ને.

પણ બીજી જ ક્ષણે મગજમાં વિચાર આવે છે, એમ જ શું કામ છોડી દઉં? જાણું તો ખરી ડબ્બામાં શું છે? છેવટે સાસુથી રહેવાયું નહિ અને વહુ બહાર ઓટલો સાફ કરવા ગઈ ત્યારે સાસુ જેમ તેમ કરીને રસોડામાં પહોંચી ગઈ. તે બબડી રહી હતી… “કયો ડબ્બો હતો? લાલ રંગનો હતો… ક્યાં ગયો? અરે મળી ગયો.

પ્રતીકાત્મક ફોટો

પણ ડબ્બો થોડો ઊંચે હતો એટલે હાથમાં આવી રહ્યો ન હતો. તે ધ્રૂજતા હાથે તેને ઉતારવાનો પ્રયત્ન કરી રહી હતી કે ડબ્બો નીચે પડી ગયો અને જોરથી અવાજ આવ્યો.

સાસુ બોલી પડી, હે ભગવાન….. આ શું છે? આ શેના ટુકડા છે?

એટલામાં અવાજ સાંભળીને અર્પણા અને મોહન ત્યાં દોડી આવ્યા.

શું થયું મમ્મી? તમને કંઈ જોઈએ છે? અપર્ણાએ પૂછ્યું.

હા. સાસુએ ધીમા અવાજે કહ્યું.

મમ્મી…. મને કહેવું જોઈએ ને, હું તમને તે આપી જાત. તમારાથી ચલાતું નથી ને તને છેક અહીં સુધી એકલા એકલા પહોંચી ગયા. પગ લપસી જાત તો?

બલ્બના પ્રકાશમાં સાસુએ તે વિખરાયેલા ટુકડાઓને ધ્યાનથી જોયા તો ખબર પડી કે તે બિસ્કિટના બચેલા ટુકડાઓ હતા. અર્પણા ફટાફટ ત્યાં સફાઈ કરવા લાગી અને મોહન મમ્મીને આગળના રૂમમાં લઇ ગયો.

બિસ્કીટના તે વેરવિખેર થયેલા ટુકડાઓ જાણે કે સાસુના મનને કાચની જેમ વીંધી રહ્યા હતા. હું બહુ ખોટું વિચારતી હતી. વહુ મને આખા બિસ્કિટ આપે છે અને પોતે તૂટેલા અને વચેલા ટુકડા ખાય છે.

બીજા દિવસે સાંજે જ્યારે અર્પણાએ સાસુને ચા અને બિસ્કિટ આપ્યાં ત્યારે સાસુએ કહ્યું, વહુ, મારા દાંતથી બિસ્કીટ જલ્દી તૂટતા નથી, માટે તું મને તે ટુકડાઓ આપ.

અરે ના મમ્મી… એ તો જ્યારે પણ હું બિસ્કિટનું નવું પેકેટ ખોલું છું, ત્યારે કેટલાક ટુકડા તેમાં બાકી રહે છે, હું તેને અલગ ડબ્બામાં રાખું છું. તમારી ખબર પૂછવા કોઈ ને કોઈ તમારી પાસે આવતું રહે છે. એવામાં કોઈ તમારી પાસે તૂટેલા બિસ્કિટ જોય તો સારું નહિ લાગે. અપર્ણાએ સ્મિત સાથે કહ્યું.

આપણા ઘર પરિવારના સન્માન વિષે કોઈ ખોટું વિચારે એ સારી ન કહેવાય. હું તો અંદરની તરફ બેસીને ખાઈ લઉં છું. અને કોઈ આવે તો ડબ્બો બંધ કરી દઉં છું. અપર્ણાએ હસતા હસતા કહ્યું.

અર્પણાની વાત સાંભળીને ચા પીતા પીતા સાસુની આંખો ભીની થઈ ગઈ. તે આવી વહુ મેળવીને પોતાની જાતને આજે દુનિયાની સૌથી ભાગ્યશાળી સાસુ માની રહી હતી.