વહુ સાથે કારણ વગર ઝગડતી સાસુ પર પાડોશી મહિલા થઈ ગુસ્સે, પછી વહુએ જે કહ્યું તે હૃદયને સ્પર્શી જશે

0
3728

એક વૃદ્ધ મહિલાનો સ્વભાવ હતો કે તે જ્યાં સુધી કોઈની સાથે ઝગડો ન કરે ત્યાં સુધી તેનું ખાધેલું પચતું ન હતું.

જ્યારે તેની વહુ ઘરે આવી ત્યારે તે વૃદ્ધ મહિલાએ વિચાર્યું, “હવે ઘરમાં જ ઝગડવા વાળી મળી ગઈ છે તો બહાર શું કામ જવું?”

હવે તે વાત વાત પર વહુને ખરી ખોટી સંભળાવતી કે, “તારા બાપે તને શું શીખવ્યું છે? શું તારી માં એ તને આવા જ સંસ્કાર આપ્યા છે? અરે કાંઈ બોલતી કેમ નથી? તારા મોંમાં જીભ નથી કે શું?”

વહુ ચુપચાપ સાંભળતી રહેતી અને સ્મિત આપતી. પડોશીઓ તેને સાંભળીને વિચારતા કે, ‘આ કેવી સાસુ છે!’

વહુને ચુપચાપ ઉભેલી જોઈને સાસુ કહેતી : “અલી, ધરતી પર પગ મૂકે ને તો પણ ધપ કરીને અવાજ આવે છે અને હું તને આટલા સવાલ પૂછું છું, છતાં તું જવાબ કેમ નથી આપતી?”

એક દિવસ આ બધું જોઈને એક પાડોશી મહિલા બોલી : “અરે ઓ ડોસી! જો તને ઝગડવાની આટલી જ ઈચ્છા હોય, તો અમારી સાથે ઝગડ, તારી ઈચ્છા પૂરી થઈ જશે. આ ગરીબ ગાય જેવી વહુને શા માટે પરેશાન કરે છે?”

પછી વહુએ પાડોશી મહિલાને નમ્રતાથી કહ્યું : “આમને કંઈ ના કહેશો કાકી, આ તો મારી માં છે. જો માં દીકરીને નહીં સમજાવે તો બીજું કોણ સમજાવશે?”

જ્યારે સાસુએ આ વાત સાંભળી ત્યારે તે પાણી-પાણી થઈ ગઈ. તે દિવસથી તેણીએ વહુને પોતાની દીકરી માની લીધી અને ઝઘડો છોડીને પ્રેમથી રહેવા લાગી.

વહુની સહનશક્તિ, સાસુ પ્રત્યેની સદભાવના અને માતૃત્વની લાગણીએ જ સાસુનો સ્વભાવ બદલી નાખ્યો.

સાસુ અને વહુની જોડીમાં ભલે કોઈ એક નો સ્વભાવ થોડો કઠોર હોય, પણ સામે વાળું પાત્ર થોડું સમજદાર, સ્નેહવાળું હોય તો સમય જતાં તેનો સ્વભાવ ચોક્કસ બદલાઈ જાય છે અને ઘરનું વાતાવરણ મંગલમય બની જાય છે.

હે ભારતની માતાઓ-બહેનો-દીકરીઓ! તમે તમારા અને તમારા પરિવારના સભ્યોના જીવનના બગીચાને ગુણોના સુંદર ફૂલોથી સુગંધીદાર બનાવી શકો છો.

તમારામાં એવી શક્તિ છે કે તમે ઇચ્છો તો ઘરને નંદનવન બનાવી શકો છો અને પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવી શકો છો.