વહુ તરીકે કેવી છોકરી પસંદ કરવી? આ સ્ટોરી દ્વારા જાણો ગૃહલક્ષ્મીના ગુણ.

0
888

હીના :

હીના ગરીબ માબાપની દિકરી. હીનાનાં માબાપ પૈસે ટકે ગરીબ તોય દિકરીને ભણાવી રહ્યાં છે ને અત્યારે બી એ ના છેલ્લા વર્ષમાં છે ! પ્રાથમિક શિક્ષણથી જ હીનાને અંગ્રેજીમાં ખુબ રુચી ને શિક્ષકોનું પ્રોત્સાહન એટલે ધોરણ આઠ પાસ કરી લીધું. ગામમાં જ બાર ધોરણ સુધીની સગવડ એટલે સારા ટકે ધોરણ બાર પાસ થઈને શહેરમાં કોલેજમાં એડમિશન લઈ લીધું. આજે અંગ્રેજી વિષય સાથે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

ઘરથી કોલેજ દશેક કિલોમીટર દુર છે એટલે હીના અપડાઉન કરે છે. નાનો ભાઈ રાકેશ અત્યારે ધોરણ અગિયાર સાયન્સમાં છે, એ પણ બહુ હોશિયાર છે. પિતા જીવણભાઈ ખેતીકામમાં ભાગ રાખીને બાર મહિનાના રોટલા રળી લે છે એમાં હીનાની માતા જડીબેનનો ભરપૂર ટેકો છે. છેલ્લા વર્ષોમાં એકાદ લાખની બચત પણ કરી લીધી છે આ પરિવારે.

હીના થોડી શરમાળ પ્રકૃતિની.એ ભલી ને એનું કામ ભલું. કોલેજમાં ફ્રી સમયમાં એની હાજરી લાઈબ્રેરીમાં જ હોય. ઘેર હોય ત્યારે માતા જડીબેનને ઘરકામમાં મદદ ને બાકીના સમયમાં રાકેશને અભ્યાસમાં મદદ. બે પાંચ દિવસની રજાઓમાં તો ખેતીકામમાંય મદદ કરાવે, એટલે જ તો ગામ આખું હીનાનું ઉદાહરણ આપીને એમના બાળકોને ટકોરે ‘જુઓ પેલી જીવણભાઈની હીના ભણે છે એ! સતત કામ અને સાથે ભણતર! તો ય કાયમ પહેલો નંબર ‘.

આ વખાણથી તો હીનાનાં માબાપ એને હજી ભણાવી રહ્યાં છે. હીનાનું કોલેજ જીવન સાવ સાદું, ના એને ઝાઝો કપડાંનો મોહ કે ના કોઈ બહેનપણીઓ સાથે ખોટી રઝળપાટ. ગામમાંથી ઘણી છોકરીઓ હીના સાથે અભ્યાસ કરી રહી છે. હીનાને સૌ સાથે ખુબ સારું બને. હીના સૌને વહાલી. ઘણીવાર એ બધાં હીનાને નાસ્તા પાણી માટે કહે પરંતુ હીના ક્યારેય એમાં સામેલ ના થાય. ક્યારેક કોઈના ઘણા આગ્રહવશ પાણીપુરી ખાધી હોય એટલું માફ!

હીના આમ તો સાદગીની મૂર્તિ પરંતુ એકદમ દેખાવડી. ગૌરવર્ણ લંબગોળ નિર્દોષ ચહેરો એકદમ આકર્ષક લાગે. કોલેજમાં યોજાયેલા યુવા મહોત્સવમાં હીનાએ ખેતરે ભાતું લઈને જતી સ્ત્રીનો રોલ એવો ભજવ્યો કે સૌ મંત્રમુગ્ધ થઈ ગયાં. આખી કોલેજ હીનાને ઓળખતી થઈ ગઈ.

ઘણા યુવાનો એની પાછળ લટાર મારવા લાગ્યા. હીનાને યુવા મહોત્સવમાં ભાગ લેવાનો થોડો પસ્તાવો થયો પરંતુ એને એના અભ્યાસનું અંતિમ લક્ષ્ય શું હતું એ હીના ખુબ સારી રીતે જાણતી હતી.

એક દિવસ કોલેજમાં અભ્યાસ કરતો એક છોકરો હીના પાસે આવીને બોલ્યો, ‘હીના તારો સ્વભાવ મને ખુબ ગમ્યો. ધન્ય છે તારા સંસ્કારને ધન્ય છે તારાં મમ્મી પપ્પાને’. બસ, આટલું બોલીને ચાલતો થયો.

છોકરો બે વાક્યો બોલીને ખરેખર ચાલતો થયો એ જોઈને હીનાને આશ્ચર્ય થયું કારણ કે કોલેજના વાતાવરણથી એ સારી રીતે પરિચિત હતી.

પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગે હિરેન ગામડામાં આવ્યો. જમણવાર વખતે એની નજર હીના પર પડી. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એના પિતરાઈ ભાઈની હીના કુટુંબની રીતે સાળી થાય છે. હીના સાથે એનો આખો પરિવાર હતો. હિરેન મનોમન હરખાયો. કેમ ના હરખાય! યુવા મહોત્સવના દિવસથી જ હિરેનના હ્રદયમાં હીના વસી ગઈ હતી. એ જ દિવસે એણે હીના વિશે માહિતી મેળવી લીધી હતી કે, હીના અંતર્મુખી સ્વભાવની અને સાવ ગામડીયણ છોકરી છે પરંતુ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી છે. એના પછી તો હિરેને હીનાનું ખાસ્સા દિવસ નિરીક્ષણ કર્યું અને છેલ્લે સ્વભાવ અને સંસ્કારનાં બે વાક્યો કહ્યાં.આજે તો એ પણ નક્કી થઈ ગયું કે બન્ને એક જ સમાજનાં છે.

હિરેન જમીને સીધો હીના અને તેનો પરિવાર જ્યાં ઉભો હતો ત્યાં પહોંચી ગયો. જીવણભાઈને નમસ્તે, રામ રામ કહીને બોલ્યો, ‘મારુ નામ હિરેન. હું ગંગાપુરથી વાલજી મુખીનો દિકરો છું. હીના અને હું કોલેજમાં સાથે અભ્યાસ કરીએ છીએ. આપની દિકરી ખુબ હોશિયાર અને આખી કોલેજને વહાલી છે. એનાં સ્વભાવ સંસ્કારને વંદન કરુ છું, એના ખરા યશનાં ભાગીદાર તમે છો.

આ મારુ કાર્ડ છે. એમાં મારો મોબાઈલ નંબર પણ છે. મને હીના ખુબ ગમે છે. હા, હીના સાથે મારે હજી આ બાબતે કોઈ વાતચીત થઈ નથી. એના સ્વભાવને જોતાં હું આ બાબતે કંઈ કહી શક્યો પણ નથી. અરે! મારુ નામ હિરેન છે એ પણ હીનાને ખબર નહીં હોય! વિચાર કરીને જવાબ આપજો.’-બસ, આટલું કહીને હિરેન ચાલતો થયો.

હિરેનનાં દરેક વાક્યો હીનાના હ્રદયમાં જડાઈ ગયાં હતાં પરંતુ માબાપની હાજરીમાં હીના નિ:શબ્દ થઈ ગઈ. શું કહેવું માબાપને!

જડીબેને જીવણભાઈને પુછ્યું, ‘ગંગાપુરના કીયા વાલજીમુખીનો છોકરો હતો આ? ‘

‘પાલનપુરમાં હીરાનું મોટું કારખાનું છે ઈ વાલજી મુખી.’-જીવણભાઈ બોલ્યા.

‘ તો તો લાખોપતિ છે ઈ વાલજી ને?’-જડીબેને કહ્યું.

હા ઈ જ. પણ ઈ માંણહ આપડા જેવાંના ઘરે એના છોકરાને ના પૈણાવે. એના સભાવની ખબેર છે બધાંયને! બઉ મોટાઈવાળો માંણહ છે ઈ. ‘-જીવણભાઈ બોલ્યા.

જડીબેન બોલ્યાં, ‘હીના તું તો કાં’ક ફોડ પાડ્ય?

બીજી વાતોમાંય માબાપ સામે એકદમ ઓછું બોલતી હીના શું બોલે?

એટલે જીવણભાઈએ જ કહ્યું, ‘છોકરો કઈને તો ગયો કે હીનાને એના નાંમનીય ખબેર નઈ હોય! પછી શુંકામ પુછે છે બિચારીને?

સાંજે હીનાએ માબાપને શરમાતાં શરમાતાં કહ્યું,’જુઓ પપ્પા હું તમને પુછ્યા વગર કંઈ પણ કરીશ નહીં. આ વાતથી તો હું સાવ અજાણ જ છું એટલે તમે કોઈ ચિંતા કરતા નહીં. મારુ તો એક જ ધ્યેય છે. બી એ પુરુ કરીને ટ્યુશન ક્લાસ ચાલું કરવાનું અને એ કમાણીમાંથી ભૈલાને ડોકટર બનાવવાનું.’

જડીબેન રડી પડ્યાં દિકરીના શબ્દો સાંભળીને તો જીવણભાઈતો રીતસર ઢીલા થઈ ગયા.

થોડીવારે જીવણભાઈ એટલું જરૂર બોલ્યા, ‘દિકરીની કમાંણી! ‘

‘પપ્પા! ભૈલો ડોકટર બનશે એટલે વ્યાજ સાથે પાછા માગી લઈશ બસ!’-આટલું બોલી, માબાપના પગે લાગીને ઓરડામાં દોડી ગઈ હીના.

અઠવાડિયે હીનાને હિરેન દેખાયો કોલેજમાં. જોતાં જ હીના કોલેજની બહાર નિકળી ગઈ. હિરેન ઉતાવળે ઉતાવળે એની પાછળ ગયો. હીના સંકોચાઈને ઉભી હતી. હિરેન બોલ્યો, ‘શું વિચાર્યું હીના! પપ્પાએ શું જવાબ આપ્યો હતો પછી?’

‘પપ્પાએ એટલું જ કહ્યું કે,તમે લોકો બહુ પૈસાદાર છો એટલે તમે ભલે ગમે તે કહો પરંતુ તમારાં માબાપ આ સબંધ માટે રાજી નહીં થાય.’-હીનાએ ખચકાતાં ખચકાતાં કહ્યું.

હિરેને કહ્યું, ‘હીના તને એક વિનંતી કરુ છું. શું તું આજના દિવસનો બે ત્રણ કલાકનો સમય કાઢીને મારા ઘેર આવી શકીશ? મારે તને મારાં મમ્મી પપ્પાની મુલાકાત કરાવવી છે. મને વિશ્વાસ છે કે તું ના નહીં કહે! ‘સામે પાર્કિંગમાં મારી ગાડી તૈયાર છે ‘.

‘ચાલો , મન મક્કમ કરીને આજ પ્રથમવાર કોઈની ખાનગી ગાડીમાં બેઠી હીના!

આલીશાન મકાનના દરવાજે આવીને કાર ઉભી રહી. આગળ હિરેન અને પાછળ હીના. બન્ને મકાનમાં પ્રવેશ્યાં. વિશાળ બેઠકખંડમાં ગામઠી કપડાંવાળી આધેડ મહિલા સોફા પર નીચે પેપર રાખીને શાકભાજી કાપી રહ્યાં હતાં તો ખુરશી પર બેઠેલ ધોતી ઝભ્ભામાં સજજ આધેડ આદમી ડીસમાં સફરજન કાપી રહ્યા હતા. એ બન્ને પર હીનાની નજર પડી.

મમ્મી! હું મહેમાન લઈને આવ્યો છું. વાલજીમુખી અને તેમનાં પત્ની કંકુબેને હીના તરફ જોયું.

કોણ છે બેટા! -‘કંકુબેને કહ્યું.

મારી સાથે કોલેજમાં ભણે છે. હમણાં હું દલપતકાકાના સંજયના લગ્નમાં ગયો હતો એ સંજયની કુટુંબમાં સાળી થાય છે.

વાલજીભાઈ બોલ્યા, ‘રામપુરાથી કોની દિકરી છે તું? ‘

મારા પપ્પાનું નામ જીવણભાઈ. મંજીભાઈને ત્યાં ખેતીમાં ભાગ રાખે છે એ.

કંકુબેને હીનાને બેસવાનું કહ્યું ને પછી બોલ્યાં, સગપણ, વિવા થઈ ગયા કે બાકી છે?

હીનાને એટલું સમજાયું કે, હિરેને ઘેર કશું જ કહ્યું લાગતું નથી. એ કંઈ કહેવા જાય એ પહેલાં તો હિરેન આજે પ્રથમવાર બધી જ શરમ છોડીને માબાપ આગળ બોલવા લાગ્યો.

‘મમ્મી! પપ્પા! મને માફ કરશો. હું આજે પ્રથમવાર શરમ, મર્યાદા છોડીને થોડું કહું છું . આ હીના મારી સાથે ભણે છે. ગરીબ પરિવારનું સંતાન છે. નથી એમની પાસે માયા કે નથી મૂડી. સંસ્કારોની મૂડી અઢળક છે એની પાસે. શિક્ષણમાં અંગ્રેજી વિષયની સૌથી હોશિયાર છોકરી છે આખી કોલેજમાં.

મોટાભાઈ આપણાથી જ્યારથી જુદા થયા એ દિવસથી જ હું એવા પાત્રને શોધી રહ્યો હતો કે જે ભાભીની જેમ સ્વછંદી ના હોય, પૈસાદાર માબાપનું બેફાટ સંતાન ના હોય, સાસુ સસરાને વારંવાર બેઈજ્જત કરે એવા કુસંસ્કાર ના હોય એનામાં. ઘણી મહેનત પછી એવું પાત્ર મળ્યું છે.’

વાલજીભાઈ અને કંકુબેન હીનાને ધારી ધારીને જોવા લાગ્યાં. વાલજીભાઈથી ના રહેવાયું એટલે બોલ્યા, ‘બેટા મારે બે સંતાન છે. મોટો રાજુ અને નાનો આ હિરેન.

હું મારી જાતને મોટો પૈસાદાર સમજતો હતો એટલે રાજુને બહું મોટા માણસના ઘેર પરણાવ્યો. વહુ તો એવી મળી કે અમારી કહેવાતી મોટાઈનેય ઘોળીને પી ગઈ. અમે તો એની સામે સાવ ગામડીયાં થઈ પડ્યાં. અમારો દિકરો પણ એની વહુ અને સાસુ સસરાની પંગતમાં જઈ બેઠો. પેટ ફુટે પછી પાટો ક્યાં બાંધવો? વહુનાં માબાપની દખલગીરીએ આ હર્યાભર્યા પરિવારને ત્રણ વરસમાં તો ધૂળધાણી કરી નાખ્યો. છેવટે મિલકતના બે ભાગ પડી ગયા. અમારી કહેવાતી મોટાઈ અમને જ ભારે પડી ગઈ!

છેવટે અમે સાદુ જીવન જીવવાનું નક્કી કર્યું. ઘરના નોકર ચાકર છુટા કરીને એમને કારખાને મોકલી દીધા ‘-આટલું બોલતાં બોલતાં તો વાલજીભાઈની આંખોમાંથી ડબ ડબ આંસુ સરી પડ્યાં.

હિરેન ચા તૈયાર કરીને આવી ગયો હતો. કંકુબેને હીનાને ચા આપવાનું કહીને પછી કહ્યું, ‘જો બેટા! ચા કઈ રીતે થાય એ પણ આ હિરેનને ખબર નતી એ દિકરો આજે ચા બનાવે છે ‘.

ફરી કંકુબેન અને વાલજીભાઈ હીના સામે જોઈ રહ્યાં.

બધું જ આત્મબળ એકઠું કરીને હીના બોલી, ‘હું વહુ તરીકેની મારી બધી જ ફરજો પુરી કરીશ પરંતુ મારી કેટલીક શરતો છે’. કોઈ કશું જ બોલ્યું નહીં એટલે હીનાએ જાતે જ આગળ ચલાવ્યું. હું ભણવામાં ખુબ જ હોશિયાર છું પરંતુ મને શાક રોટલી સિવાય બીજું કંઈ જ આવડતું નથી. શહેરમાં બનતી મોટાભાગની વાનગીઓ મેં જોઈ પણ નથી કે મારે ઘેર બની પણ નથી. આટલું મને કોઈ શીખવનાર મળશે તો હું એ બધું જ થોડા સમયમાં શીખી લઈશ.

મારી સૌથી મોટી જવાબદારી મારા ભાઈને ડોકટર બનાવવાની છે. એનો અભ્યાસ પુરો થાય ત્યાં સુધી હું ટયુશન ક્લાસ ચલાવવા માંગું છું, એમાંથી મળતી ફી વડે હું મારા ભઈલાને જરુર ડોક્ટર બનાવી શકીશ. એ ડોક્ટર બનશે તો મારા માબાપના જનમથી માંડીને કરેલા મજુરીના ઘસરડાનો અંત આવશે.’

હીના આગળ કંઈક બોલે એના પહેલાં તો વાલજીભાઈએ ઉભા થઈને હીનાના મોંઢા આડે હાથ દઈ દીધો.’ તમારી બધી શરતો મંજૂર અમને. ‘

બેટા! અમે બે ખાટલા અને પાંચ દશ વાસણ લઈને ચાળીસ વરસ પહેલાં પાલનપુર આવ્યાં હતાં. માતાજીની કૃપાથી આજે બે પાંદડે છીએ. પૈસાના અભિમાને જરુર ઠેસ પહોંચાડી. દુઃખના દિવસ કોઈને કાયમ નથી હોતા. સૌ સારાં વાનાં થશે. બસ, બે હાથ જોડીને વિનંતી કરુ છું કે, અમારી છેલ્લી ઘડી સુધી અમને સાચવજો. ‘

હીનાને શું કહેવું એ કંઈ સુઝતું નહોતું પરંતુ કંકુબેન બોલ્યાં, ‘વહુ તો મન માંને એવી પાસ કરી છે હિરેને પણ મારો આત્મા કે છે કે, આવી દિકરીનાં ભાગશાળી માબાપ પાહેં માગું નાખવા આપડે અઈથી ચાલીને જાવું જોવે. એમને એમ ના થાય કે આપડે મોટાઈવાળાં છીએ.’

હીનાને જે કહેવાનું બાકી રહી ગયું હતું એ કંકુબેને સામેથી કહી દીધું હતું.

વાલજીભાઈ બોલ્યા ,સારા કામમાં ઢીલ કેવી!

રામપુરામાં વળતાં જ ચારે બાજુથી “રામે રામ વાલજીભાઈ” અવાજો આવતા હતા. સૌ કોઈ નવાઈથી પુછતું હતું કઈ બાજું મુખી? વાલજીભાઈ જવાબો આપ્યે જતા હતા. વાત આખા ગામમાં ફેલાઈ ગઈ.

કોઈ કહે, હીનાનાં ભાગ્ય ઉઘડી ગયાં. કોઈ કહે, મોટા દિકરાએ સાફ કરી નાખ્યા એટલે ગરીબ ઘર ગોત્યું.

બરાબર આઠ વરસ પછી હીના, હિરેન અને એમનાં માબાપ રામપુરામાં નવી હોસ્પિટલનું ખાત મુહૂર્ત કરી રહ્યાં હતાં. ડો. રાકેશ ભાણાને ખભે બેસાડીને ભાવવિભોર ગ્રામજનોનું અભિવાદન ઝીલી રહ્યા હતા તો હીના અને હિરેન ખોબલે ખોબલે મીઠાઈ આપી રહ્યાં હતાં સૌને.

લેખન – નટવરભાઈ રાવળદેવ થરા. (અમર કથાઓ ગ્રુપ)