વાંચો દર શુકવારે કરવામાં આવતા વેૈભવલક્ષ્મી વ્રતની વ્રત કથા અને સંપૂર્ણ પૂજાવિધિ, જાણો તેનાથી મળતા ફળ વિષે.
વેૈભવલક્ષ્મી વ્રત :
આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. શુક્રવારે નાહીધોઈ ‘જય માં લક્ષ્મી’ ના જાપ જપવા. સાંજે દીવાબત્તી કરી હાથ-પગ ધોઈ પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું. પાટલા પર ચોખાની ઢગલી પર તાંબાનો લોટો મૂકવો. લોટા પર વાટકીમાં સોનાનો દાગીનો કે ચાંદીનો દાગીનો કે રોકડા રૂપિયા મૂકવા. વ્રત કરનારે શ્રી યંત્રનાં દર્શન કરવાં અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. કથા સાંભળવી.
કથા :
એક મોટું શહેર હતું. આ શહેરમાં આજના જમાના પ્રમાણે લોકો પોતપોતાનાં કામમાં મશગૂલ હતાં. કુટુંબમાં પણ કોઈને કોઈની પડી નહોતી, તો પછી આડોશીપાડોશીની તો વાત જ શી કરવી?
ધાર્મિક પ્રવૃત્તિઓ અને દયા-માયા શહેરના લોકોમાં ઓછા થઈ ગયાં હતાં. એને બદલે વ્ય-સ-ન અને વ્યભિચારના ગુનાઓ વધવા લાગ્યા હતા. પરંતુ હજારો ખરાબ માણસોની વચ્ચે એકાદ સારો માણસ પણ વસતો હોય છે.
આવા સારા માણસોમાં એક હતી મંજરી અને બીજો હતો મનુ. બન્ને પતિ-પત્ની હતાં, ધાર્મિકવૃત્તિનાં હતાં અને સંતોષી હતાં. વિનયી અને વિવેકી હતાં. તેઓ હંમેશાં નવરાં પડે ત્યારે પ્રભુભજનમાં જ પોતાનો સમય ગાળતાં, ગરીબ-ગુરબાંને દાનપુણ્ય કરતાં અને મદદ પણ કરતાં. એટલે લોકો એમનાં વખાણ પણ કરતાં.
આમ, એમના દિવસો આનંદમાં પસાર થઈ રહ્યા હતા અને સુખેથી પોતાનું જીવન જીવતાં હતાં. પરંતુ એમ કહેવાય છે ને કે કેટલીક વખત ભગવાનને પણ મનુષ્યના સુખની ઈર્ષ્યા આવે છે. ભગવાનની ઇચ્છાનો પાર કોણ પામી શક્યું છે?
એ તો જ્યારે માનવીને આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને લઈ લે છે ત્યારે કાનની વાળી પણ લઈ લે છે.
મંજરીના આગલા જન્મનાં કર્મ કંઈક એવાં હશે તે એ એની પાડોશણની સોબતમાં ફસાઈ ગઈ! એની પાડોશણ અવળે ધંધે ચડી ગઈ હતી. સાથે સાથે મંજરીને પણ અવડે રસ્તે ચડાવી દીધી.
બીજી બાજુ મંજરીના પતિ મનુને એક દા-રૂ-ડિ-યાની સોબત થઈ ગઈ એની કમાણી બધી દા-રૂ-માં જવા લાગી, એટલે એની હાલત રોજેરોજ ખરાબ થતી ગઈ.
એક બાજુ મંજરી કમાણી કરવા લાગી અને બીજી બાજુ મનુ ખોવા લાગ્યો. ખાવા-પીવામાં તો વાંધો આવ્યો નહિ, પણ પોતાની પોલ બહાર ન પડે એટલા માટે દા-રૂ પીવા મનુ જેમ જેમ મંજરી પાસે એના દાગીના માગતો ગયો એમ એમ મંજરી એને દાગીના આપતી ગઈ.
જે ઘરમાં એક દિવસ ભગવાનનું નામ લેવાતું અને દાન-પુણ્ય કરવામાં આવતું. એ ઘરમાં આજે દરિદ્રતા અને ભૂખમરા જેવી સ્થિતિ ફેલાઈ ગઈ, કારણ કે જેમ જેમ મંજરીનું રૂપ પણ ઓછું થતું ગયું તેમ તેમ એની આવક પણ ઘટતી ગઈ. એક ટંક ભોજનના પણ સાંસાં પડવા લાગ્યાં.
પણ મંજરી સમજુ હતી.
એ એક દિવસ વિચાર કરતી બેઠી હતી કે મારા કોઈ ગયા જન્મના કર્મને લીધે હું લપસી પડી. પરંતુ મારે આવું કરવું જોઈતું નહોતું. સારું ભૂલ્યાં ત્યાંથી ફરી ગણો, દુઃખ પછી સુખ ફરી આવવાનું જ છે, એટલે મારે હવે ભગવાન પર શ્રદ્ધા રાખીને પ્રભુભક્તિમાં દિલ જોડવું જોઈએ.
આમ, મંજરી તો પોતાના અવળા મારગ ઉપરથી પાછી વળી ગઈ, પણ પોતાને રાત-દિવસ ચિંતા થતી હતી કે અવળે મારગે ચડી ગયેલા પોતાના પતિને સવળે માર્ગે ચડાવવો કેમ? એ તો આખા દિવસમાં જે કંઈ થોડી ઘણી કમાણી કરતો હતો, તે બધી દા-રૂ-માં ઠાલવી દેતો હતો.
રોજ રાતે સૂતી વખતે મંજરી ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મીદેવીની પાંચ માળાઓ પણ કરતી.
એક દિવસની વાત છે. પાંચ માળાઓ કરીને અને લક્ષ્મીદેવીનું નામ લઈને એ સૂતી અને અરધી રાતે એને સપનું આવ્યું. સપનામાં એને સાક્ષાત્ લક્ષ્મીજી એક ડોશીનું રૂપ ધરીને આવ્યાં હતા, છતાં એમના મોઢા ઉપરનું તેજ અછતું રહેતું નહોતું.
અરે માજી! આપ કોણ? આપની ઓળખાણ પડતી નથી.
અરે મંજરી! તું મને ભૂલી ગઈ?
કંઈ યાદ આવતું નથી માજી!
અરે મંજરી બેટી! તું દર શુકવારે લશ્મીજીના મંદિરે આવતી હતી કે નહિ? ત્યાં આપણે બધાં સાથે મળીને લક્ષ્મીજીનાં ભજનો ગાતાં હતાં કે નહિ? તું ભજનો ગવડાવતી હતી કે નહિ?
હા માજી! એ વાત સાચી, પણ મને યાદ આવતું નથી કે મેં તમને ત્યાં જોયા હોય!
પણ તું હમણાંથી દેખાતી જ નથીને, પછી ક્યાંથી યાદ આવે?
માં! મારી સ્થિતિ એવી થઈ ગઈ છે કે હું આવી શકું એમ નથી.
બેટા, હું બધું જ સમજી ગઈ છું. પહેલા તો મને એમ થયું કે તું કદાચ સાજી-માંદી હોઈશ, પણ પછી તપાસ કરતાં મને જાણવા મળ્યું કે?
શું જાણવા મળ્યું માજી?
મને જાણવા એ મળ્યું બેટી કે તારો પતિ દા-રૂ-ડિ-યો બની ગયો છે અને તારી આર્થિક સ્થિતિ બગડી ગઈ છે.
આમ કહી માજીએ મંજરીના વાંસામાં હાથ ફેરવવા માંડ્યા અને મંજરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પછી માજીએ એને સાંત્વન આપતાં કહ્યું,
બેટી! તું ગભરાઈશ નહીં. સુખ અને દુઃખ એ તો માનવીના જીવનમાં આવ્યાં જ કરે છે. તું ધીરજ રાખજે. હું પોતે જ લક્ષ્મી દેવી છું અને રૂષ બદલીને તારી ખબર કાઢવા આવી છું. તારો પતિ પણ થોડા વખતમાં સુધરી જશે, પણ તારે એક વ્રત કરવું પડશે.
હું જરૂર વ્રત કરીશ માં! મને કહો! મારે કયું વ્રત કરવાનું છે?
જો તું લક્ષ્મીજીનું વ્રત કરે તો સારા વાના થઈ જશે. આ વ્રતને વૈભવ-લક્ષ્મીનું વ્રત કહે છે. આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે અને સુખસંપત્તિ પાછી મળે છે.
પણ માં! મારે આ વ્રત કેવી રીતે કરવું એ તો કહો?’
જો સાંભળ બેટી…
આમ કહી માજીનું રૂપ ધરીને આવેલાં લક્ષ્મીદેવીએ વ્રતની વિગત કહેવા માંડી :
આ વૈભવ-લક્ષ્મીનું વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. શુક્રવારે નાહી-ધોઈ, ધોયેલાં કપડાં પહેરી આખો દિવસ ‘જય માં લક્ષ્મી’ ના જાપ જપવા, કોઈની નિંદા કરવી નહિ અને આખો દિવસ સત્કાર્ય કરવું. સાંજે દીવાબત્તી કરી હાથ-પગ ધોઈ, એક પાટલો ઢાળીને પૂર્વ દિશા સામે મોં રાખીને બેસવું. પાટલા ઉપર ધોયેલો રૂમાલ પાથરવો. આ રૂમાલ ઉપર ચોખાની નાની ઢગલી કરવી. આ ઢગલી ઉપર ચોખ્ખું પાણી ભરેલો, ઊટકેલો તાંબાનો લોટો મૂકવો.
લોટાની ઉપર એક નાનકડી વાટકી મૂકવી. આ વાટકીમાં એકાદ નાનકડો સોનાનો દાગીનો મૂકવો. સોનાનો દાગીનો ન હોય તો ચાંદીનો દાગીનો પણ ચાલે અને દાગીનો ન હોય તો રોકડા રૂપિયાનો સિક્કો પણ ચાલે. પછી એની આગળ ધી નો દીવો પ્રગટાવીને મૂકવો અને અગરબત્તી પણ મૂકવી. પછી આ વ્રત કરનારે શ્રી યંત્રનાં દર્શન કરવાં, અને પછી શ્રી
લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. આ પાઠ નીચે મુજબ છે.
શ્રી લક્ષ્મી સ્તવન :
યા રક્તામ્બુજ વાસિની વિલસીની ચણડાંશું તેજસ્વિની
યા રક્તા રુધિરામ્બરા હરિસખી યા શ્રી મનોલ્હાદિની
યા રત્નાકર મન્થનાત્પ્રગટિતા વિષ્ણોસ્વયાગેહિની
સા માં પાતુ મનોરમા ભગવતી લક્ષ્મીશ્ચ પદ્માવતી
સમજૂતી : લાલ કમળમાં રહેનારી, શોભા આપનારી, પ્રચંડ તેજ કિરણો ધરાવનારી સંપૂર્ણપણે લાલ એવી, રુ-ધિ-રરંગી વસ્ત્રો ધારણ કરનારી, શ્રી વિષ્ણુ ભગવાનને પ્રિય એવી લક્ષ્મી મનને આનંદ આપે છે. પોતે વિષ્ણુ ભગવાનની પત્ની છે પદ્મમાંથી જન્મેલી છે, અતિશય પૂજ્ય છે એવાં હે લક્ષ્મીદેવી! મારું રક્ષણ કરો.
ત્યારબાદ વાટકીમાં જે દાગીનો કે રૂપિયો હોય તેને હળદર, કંકુ અને ચોખા ચડાવીને એની પૂજા કરવી. તે વખતે લાલ રંગનું ફૂલ ચડાવવું અને સાંજે બનાવેલી કોઈપણ ગળી વસ્તુ પ્રસાદમાં ધરાવવી. એવી કોઈ વસ્તુ ન બનાવી હોય તો ગોળ-સાકર પણ ચાલે. પછી આરતી ઉતારવી અતે અગિયાર વખત સાચા દિલથી ‘જય માં લક્ષ્મી એમ બોલવું. ત્યાર પછી પ્રસાદ વહેંચવો. પછી વાટકીમાંનો દાગીનો કે રૂપિયો લઈ લેવો અને લોટામાંનું પાણી તુલસીક્યારે રેડી દેવું. ચોખા
જે ઢગલીમાં લીધા હોય તે પક્ષીને ચણમાં નાખી દેવા.
આમ જો વિધિપૂર્વક આ વ્રત કરવામાં આવે તો જરૂર એનું ફળ મળે છે, માનવીનાં દુઃખ દૂર થાય છે અને ધનની રેલમછેલ થાય છે.
આ વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર પૂરા કરીને ઉજવવું. છેલ્લા શુક્રવારે આ બધી વિધિ ઉપરાંત નાળિયેર વધેરવું, ખીરનો પ્રસાદ ધરાવવો ને સાત કુંવારી અથવા સૌભાગ્યવતી બહેનોને કંકુ-ચાંદલો કરી શ્રી વૈભવ-લક્ષ્મી વ્રતની એક-એક ચોપડી ભેટ આપવી.
આમ કહી ડોશીમાના સ્વરૂપે સ્વપ્નામાં આવેલાં શ્રી લક્ષ્મીદેવી અંતર્ધાન થઈ ગયાં. અને મંજરીએ સવારમાં ઊઠતાંવેંત નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવ-લક્ષ્મીનું વ્રત કરવું છે. પછીના શુક્રવારથી જ મંજરીએ આ વ્રત શરૂ કર્યું. ત્રણ શુક્રવાર ગયા ત્યાં તો મંજરીના પતિ મતુની આંખ ઊઘડી ગઈ અને તે ધીમે ધીમે સુધરી ગયો. સાત શુક્રવાર પૂરા થયા ત્યાં તો એ હતો એવો જ એક સજ્જન માણસ બની ગયો. અને આગિયાર શુક્રવાર કરી મંજરીએ વ્રતનું ઉજવણું કર્યું, ત્યાં તો મંજરી હતી એવી જ સુખી થઈ ગઈ.
મંજરીને અને મનુને શ્રી લક્ષ્મીદેવી જેવાં ફળ્યાં એવાં સૌને ફળજો અને સૌને સુખ-શાંતિ આપજો.
જય વૈભવ-લક્ષ્મી માં!