વૈભવ લક્ષ્મી વ્રત : શુક્રવારે વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાનું મહત્વ શું છે, વ્રતના નિયમ પણ જાણો.

0
1493

આ કારણો સર કરવામાં આવે છે વૈભવ લક્ષ્મી વ્રત, જાણો તેનું મહત્વ અને તેના નિયમ. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેના જીવનમાં પૈસાની અછત નહિ હોય. પરંતુ ઘણી વખત મહેનત કર્યા પછી પણ તમને યોગ્ય ફળ નથી મળી શકતું, અને આર્થીક તકલીફોનો સામનો કરવો પડે છે. તે વખતે આપણા મગજમાં જે પહેલો પ્રશ્ન આવે છે, તે એ છે કે શું લક્ષ્મીજી મારાથી રિસાઈ ગયા છે?

જો એવું છે તો લક્ષ્મીજીને ફરી પ્રસન્ન કરવાની સૌથી સરળ રીત છે વૈભવ લક્ષ્મીનું વ્રત, જે શુક્રવારના દિવસે કરવામાં આવે છે. શુક્રવારને માતા લક્ષ્મી, દુર્ગા માં અને સંતોષી માતાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે માં લક્ષ્મીના જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

વૈભવ લક્ષ્મી વ્રતનું મહત્વ : એવી માન્યતા છે કે, વૈભવ લક્ષ્મીનું વ્રત અને સંપૂર્ણ વિધિ પૂર્વક તેમની પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે. ધન સાથે જોડાયેલી તંગી દુર થાય છે, ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને નોકરી-ધંધામાં ફાયદો પણ થાય છે. માં વૈભવ લક્ષ્મીની આરાધના કરવા વાળા વ્યક્તિને આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા પણ નથી થતી.

જો લાંબા સમયથી કરવામાં આવી રહેલા પ્રયત્નો અને સખત મહેનત કરવા છતાં પણ કામ પૂરું થઇ શકતું ન હોય, તો વ્યક્તિએ પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય અનુસાર 11 અથવા 21 શુક્રવાર સુધી વૈભવ લક્ષ્મીનું વ્રત જરૂર કરવું જોઈએ. તે સિવાય શુક્રવારે માં વૈભવ લક્ષ્મીની પૂજા સાથે જ શ્રીયંત્રની પણ પૂજા કરવામાં આવે છે. અને લક્ષ્મીજીના વિશેષ મંત્રોનું ઉચ્ચારણ કરવાથી માં જલ્દી પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધી વધારે છે.

ક્યારે કરવામાં આવે છે વૈભવ લક્ષ્મીનું વ્રત? આ વ્રત સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. પરંતુ પરણિત સ્ત્રીઓ માટે આ વ્રત વધુ શુભ માનવામાં આવે છે. વ્રત શરુ કરતા પહેલા તમારી એ માનતાનો ઉલ્લેખ જરૂર કરો, જે પૂરી કરવા માટે તમે વ્રતનો સંકલ્પ લઇ રહ્યા છો. આ વ્રત શુક્રવારે જ કરવામાં આવે છે, એટલા માટે કોઈ કારણ સર તમે 11 કે 21 શુક્રવારના વ્રત દરમિયાન વચ્ચે કોઈ શુક્રવારે વ્રત ન કરી શકો, તો માં લક્ષ્મી પાસે માફી માગીને તે વ્રતને આગળના શુક્રવારે કરો.

વૈભવ લક્ષ્મી વ્રતના નિયમ : વૈભવ લક્ષ્મીની પૂજા સાંજના સમયે કરવામાં આવે છે. એટલા માટે સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ કર્યા પછી સ્નાન વગેરે કરીને માં વૈભવ લક્ષ્મીનું ધ્યાન કરો અને વ્રતનો સંકલ્પ લો. વ્રત દરમિયાન આખો દિવસ ફળાહાર કરો અને વ્રત પૂરું થયા પછી સાંજે જ અન્ન ગ્રહણ કરો. શુક્રવારે સાંજની પૂજા પહેલા ફરી સ્નાન કરો. ત્યાર પછી પૂર્વ દિશામાં બાજઠ મૂકી તેના પર લાલ કપડું પાથરો, અને તેની ઉપર માં વૈભવ લક્ષ્મીનો ફોટો કે મૂર્તિ રાખો અને બાજુમાં શ્રીયંત્ર મુકો.

માતાને લાલ રંગ અતિ પ્રિય છે, એટલા માટે વૈભવ લક્ષ્મીની પૂજામાં લાલ ફૂલ, લાલ ચંદન, લાલ વસ્ત્ર વગેરે જરૂર રાખો. સાથે જ પૂજામાં સોના કે ચાંદીના કોઈ ઘરેણા પણ રાખો. પ્રસાદમાં ચોખાની ખીર બનાવો. વૈભવ લક્ષ્મી વ્રતની કથા વાંચો. પૂજા પછી લક્ષ્મી સ્તવનના પાઠ કરો, અને માં લક્ષ્મીના આ મંત્રના જાપ કરો –

या रक्ताम्बुजवासिनी विलासिनी चण्डांशु तेजस्विनी।

या रक्ता रुधिराम्बरा हरिसखी या श्री मनोल्हादिनी॥

या रत्नाकरमन्थनात्प्रगटिता विष्णोस्वया गेहिनी।

या मां पातु मनोरमा भगवती लक्ष्मीश्च पद्मावती ॥

વૈભવ લક્ષ્મીની પૂજા દરમિયાન માં લક્ષ્મીના આ 8 સ્વરૂપનું પણ ધ્યાન કરવું જોઈએ. શ્રી ધનલક્ષ્મી કે વૈભવ લક્ષ્મી, શ્રી ગજલક્ષ્મી. શ્રી અધિલક્ષ્મી, શ્રી વિજયાલક્ષ્મી, શ્રી એશ્વર્યલક્ષ્મી, શ્રી વીરલક્ષ્મી, શ્રી ધાન્યલક્ષ્મી અને શ્રી સંતાનલક્ષ્મી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.