શું તમે એક સુંદર હિલ સ્ટેશન સમા પહાડ પર આવેલા માતા વૈષ્ણોદેવીના મંદિર વિષે આ જાણો છો?

0
429

વૈષ્ણોદેવી માતાનું મંદિર હિંદુ ધર્મનાં મંદિરો પૈકીનું સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરવા જતા હોય એવું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં જમ્મુ જિલ્લાથી દૂર ત્રિકૂટ પર્વત પર આવેલું છે. વૈષ્ણોદેવી માતાને માતા રાની અને વૈષ્ણવી નામથી પણ સંબોધન કરવામાં આવે છે. માતાજીને દુર્ગા રુપે પણ માનવામાં આવે છે.

વૈષ્ણોદેવી જમ્મુ અને કાશ્મીર રાજ્યના જમ્મુ શહેરથી ૪૮ કિલોમીટર દૂર આવેલા કટરા નજીકના પહાડોમાં આવેલું છે અને ઉત્તર ભારતનું આ એક ખૂબ જ લોકપ્રિય તીર્થસ્થળ છે. આ સ્થળ દરિયાઇ સપાટીથી ૫,૨૦૦ ફૂટની ઊંચાઇ પર આવેલું છે અને કટરા શહેરથી એનું અંતર લગભગ ૧૩.૫ કિમી જેટલું છે. પગપાળા ઉપરાંત અંહી ઉપર દર્શને જવા માટે ઘોડા, પાલખી ઉપરાંત હેલિકોપ્ટર ની વ્યવસ્થા છે.

દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ભારત દેશ ખાતે તિરુપતિ વ્યંકટેશ્વર મંદિર પછી બીજા ક્રમે આવતું એવું મંદિર છે, કે જ્યાં ભક્તો સૌથી વધુ સંખ્યામાં દર્શન કરવા કાજે આવે છે. આ મંદિરની દેખરેખનું કાર્ય શ્રી માતા વૈષ્ણો દેવી દેવસ્થાન કમિટિ કરે છે.

હિંદુ માન્યતા પ્રમાણે માતા વૈષ્ણોદેવીએ, દક્ષિણ ભારતમાં રત્નાકર સાગરના ઘરે જન્મ લીધો હતો. ઘણાં વર્ષોથી સંતાન સુખથી વંચિત રહેલા રત્નાકરે પહેલી બાળકીનું નામ ત્રિકુટા રાખ્યું હતું. ત્યારબાદ માતાનો જન્મ ભગવાન વિષ્ણુના પરિવારથી થયો અને તેઓ વૈષ્ણવી કહેવાયા.

જ્યારે ભગવાન રામ વનવાસના સમયે સીતાજીની શોધ કરી રહ્યા હતા ત્યારે એમણે વૈષ્ણવીને ઘોર તપસ્યામાં લીન થયેલાં જોયાં. વૈષ્ણવીએ ભગવાન રામને કહ્યું કે, એમણે શ્રી રામને પતિ માની લીધા છે, પરંતુ શ્રી રામે કહ્યું કે આ જન્મમાં તેઓ સીતાજી પ્રત્યે સમર્પિત છે અને કલિયુગમાં તેઓ માતા વૈષ્ણોદેવીના પતિ થશે. આ સાથે જ ભગવાન રામે તેમને માણેક પર્વતની ત્રિકટા પહાડોની ગુફામાં તપસ્યા કરવા માટે કહ્યું.

લોકવાયકા છે કે આ ગુફા જ માતાજીનું સ્થાન છે. ભૂગર્ભ શાસ્ત્રીઓ પણ આ ગુફાને અબજો વર્ષ પુરાણી હોવાનું જણાવે છે. માતાજીની આ ગુફા ત્રિકટા પર્વતમાં ઉત્તર જમ્મુથી ૬૧ કિલોમીટરના અંતરે આવેલી છે. ગુફામાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી પીંડ સ્વરૂપે બિરાજમાન છે.

પગપાળા જતા યાત્રીઓ માટે તાપ અને વરસાદ થી રક્ષણ મેળવવા માટે છેક નીચે થી લઈને ઉપર સુધી પગથિયાં ની ઉપર પ્લાસ્ટિકના ડોમ બનાવવામાં આવ્યાં છે. આખા વર્ષના ત્રણેક મહિના બાદ કરતાં અંહી વાદળછાયું અને ધુમ્મસભર્યુ વાતાવરણ રહે છે અને છાસવારે વરસાદ ચાલુ જ હોય છે. ચોમાસામાં તો અંહીનો નજારો સોળે કલાએ ખીલી ઊઠે છે. શિયાળા દરમ્યાન અંહી બરફવર્ષા પણ સારી માત્રામાં થાય છે.

૧૯૮૦ મા જીતેન્દ્ર અને રીનારોય ની ફિલ્મ નું ગીત તુને મુજે બુલાયા શેરોવાલી એ, પહાડો વાલી એ તેમજ ૧૯૮૩ માં આવેલી હ્રદયસ્પર્શી ફિલ્મ “અવતાર” માં રાજેશ ખન્ના અને શબાના આઝમી નું ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ ગીત ખુબ જ ફેમસ થયું હતું. અને આ આ બંને ગીતોમાં વૈષ્ણોદેવી ના સુંદર અને નયનરમ્ય પહાડોનો નજારો પણ જોવા મળે છે.

– સાભાર ચીમન ભલાલા (અમર કથાઓ ગ્રુપ)