વાલ્મીકિ અને વિશ્વામિત્રને આપેલા વચનને પૂરું કરવા શ્રીરામે કરેલી લીલાનો પ્રસંગ વાંચવા જેવો છે.

0
319

આપણી શ્રેષ્ઠ પુરાણ કથાઓ

ભગવાન શ્રીરામનું વચન :

એકવાર ભગવાન રામ દરબારમાં બેઠાં હતા. એમની આસપાસ ત્રણેય ભાઈઓ અને ગુરુ વશિષ્ટ પણ દરબારમાં હતાં. અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે પ્રતિહારે આવીને નિવેદન કર્યું. ‘પ્રભુ, એક બ્રહ્મચારી આપને મળવા ઈચ્છે છે.”

રામે કહ્યું: ‘એમને આદરપૂર્વક લઈ આવો.

આવનારો બ્રહ્મચારી યુવક હતો. એના મુખ પર કાંતિ હતી. તેના હાથમાં એક દંડ હતો. બીજા હાથમાં કમંડળ હતું. વસ્ત્રોની જગ્યાએ મૃગ ચર્મ ધારણ કરી રાખ્યું હતું. બ્રહ્મચારીને જોતાં જ રામ સિંહાસન પરથી ઊભા થઈ ગયા. અને આગળ વધીને રામે બ્રહ્મચારીને પ્રણામ કર્યા અને પાસેના એક ઊંચા આસન પર એમને બેસાડયા. ત્યારપછી રામે બ્રહ્મચારીને પોતાના હાથે ઠંડું પાણી પીવડાવ્યું. એવું જણાતું હતું, તે દૂરથી આવી રહ્યાં છે અને તરસ્યા પણ છે. ખરેખર પાણી પીને બ્રહ્મચારીના મુખમંડળ પર પ્રસન્નતા પથરાઈ ગઈ.

ભગવાન રામે કહ્યું: ‘આપના આગમનથી રાજસભા પવિત્ર થઈ. આપના દર્શનથી હું ધન્ય ધન્ય બન્યો. આપનું આગમન ક્યાં કારણોસર થયું છે? આપ મને આજ્ઞા આપો કે હું આપના માટે શું કરું?

રામની વાત સાંભળીને બ્રહ્મચારી કહેવા લાગ્યો. મહારાજા રામ, મહર્ષિ વાલ્મીકિજીએ મને આપની પાસે મોક્લેલ છે. પરમ દિવસે તેઓ એક મહાયજ્ઞ કરવા ઈચ્છે છે. યજ્ઞમાં આપને બોલાવ્યા છે. આ સંદેશ આપવા આપની પાસે આવ્યો છું. કાલે અત્યંત સરસ મુહૂર્ત છે. આપ મારી સાથે સપરિવાર મહાયજ્ઞમાં ભાગ લેવા ચાલો. મહર્ષિએ આજ્ઞા આપી છે કે હું આપને સાથે લઈને જ આવું.

શ્રીરામે કહ્યું. ભલે…! હું કાલે સપરિવાર આપની સાથે જ આવીશ. આજ આપ અતિથિશાળામાં રહીને મારા આતિથ્યનો સ્વીકાર કરો.’ આટલું કહીને રામે બ્રહ્મચારીને અતિથિશાળામાં મોક્લી દીધો.

તે બ્રહ્મચારી અતિથિશાળામાં હજુ પહોંચ્યો હશે ત્યાં એક બીજો બ્રહ્મચારી શ્રીરામના દરબારમાં આવ્યો. તેણે કથાય રંગના વસ્ત્રો પહેર્યા હતા. ગળામાં રુદ્રાક્ષની માળાઓ હતી અને મસ્તક પર જટા.

શ્રીરામે તે બ્રહ્મચારીનું પણ વિધિવત્ સ્વાગત કર્યું. એને પણ આવવાનું કારણ પૂછયું, ત્યારે બ્રહ્મચારીએ વિનયપૂર્વક શ્રીરામને કહ્યું: ‘મર્યાદાપુરુષોત્તમ શ્રીરામ, હું ગુરુવર વિશ્વામિત્રના આશ્રમેથી આવી રહ્યો છું. તેઓ એક યજ્ઞ કરવા ઈચ્છે છે એમના યજ્ઞમાં મોટાં મોટાં ઋષિ-મુનિ તથા દેવગણ પધારી રહ્યાં છે. મહર્ષિ ઈચ્છે છે કે આપ પણ સપરિવાર યજ્ઞમાં ભાગ લો. મને આજ્ઞા થઈ છે કે હું આપને સાથે લઈને આવું

શ્રીરામે કહ્યું. મહર્ષિ વિશ્વામિત્રનું નિમંત્રણ મસ્તક પર ધારણ કરું છું. યજ્ઞમાં ભાગ લેવો, મારા માટે સૌભાગ્યની વાત છે. હું અવશ્ય આવીશ આપ આજની રાત અતિથિશાળામાં વિશ્રામ કરો. કાલે પ્રાત:કાળે હું આપની સાથે આવીશ.’ કહીને શ્રીરામે તે બ્રહ્મચારીને પણ અતિથિશાળામાં મોકલી દીધો.

શ્રીરામની વાત સાંભળીને બધા દરબારીઓ ચક્તિ હતા. તેઓ વિચારી રહ્યાં હતા કે ભગવાન શ્રીરામે બને બ્રહ્મચારીઓના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે. બન્નેની સાથે સપરિવાર કાલે જ જવાના છે. ભલા, આ કેવી રીતે સંભવી શકે છે કે એક જ રામ એક સાથે બે યજ્ઞોમાં ભાગ લે.

શ્રીરામે લક્ષ્મણને આદેશ આપ્યો. કાલની યાત્રાની પૂરી તૈયારી કરવામાં આવે યાત્રામાં રાત્રિ વિશ્રામ પણ થશે. જ્યાં રાત્રિ વિશ્રામ હોય ત્યાં તંબુ લગાવીને રહેવાની તથા ખાવાપીવાની પૂરી વ્યવસ્થા કરવામાં આવે. બધી માતાઓ, ભાઈઓ તથા એમની પત્નીઓએ યજ્ઞમાં ભાગ લેવા માટે મારી સાથે ચાલવાનું રહેશે. એમની યાત્રા સુવિધાજનક બને એનો પૂરો પ્રબંધ કરવામાં આવે. હાથી – ઘોડા, રથ અને બીજા વાહનોનો યોગ્ય પ્રબંધ પણ કરો.

‘અંગરક્ષક અને બીજા વિશ્વાસપાત્ર સૈનિકો લેવાના છે. આપણી યાત્રાની પૂર્વ સૂચના રસ્તામાં આવતાં નગરો અને ગામોમાં પણ પહોંચાડી દો. ધ્યાનમાં રાખવાનું છે કે આ યાત્રાથી કોઈ પ્રજાજનને કોઈ કષ્ટ ન પહોંચે. માર્ગને જલ્દી યોગ્ય બનાવી દો, જેથી ઊંચાનીચા માર્ગ પર ચાલવાથી માતાઓને કોઈ કષ્ટ ન થાય. આમ આ પ્રમાણેનો આદેશ આપીને શ્રીરામ મહેલમાં ચાલ્યા ગયા.

સભાજનોએ કુલગુરુ વશિષ્ટને પૂછયું: ‘મહર્ષિ, આ શું ચમત્કાર છે !’ ભગવાન શ્રીરામ બન્ને યજ્ઞોમાં એક સાથે ભાગ કેવી રીતે લેશે? તે પણ પરિવારની સાથે? શું બન્ને જગ્યાએ બધા લોકો એક સાથે જઈ શકશે?’

મહર્ષિ વશિષ્ટ આછું હસીને બોલ્યા: રામે જે કહ્યું એમાં શંકા શેની? રામે બન્ને જગ્યાએ જવાનું કહ્યું છે તો તેઓ બન્ને જગ્યાએ એક સાથે જ જશે. આપણું સૌભાગ્ય છે કે રામના આ ચમત્કારને આપણે આપણી આંખોથી જોઈશું.

બીજે દિવસે યાત્રાની બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. હાથી-ઘોડા અને રથ સજીને રાજમહેલના મુખ્ય દ્વાર પાસે આવી ગયા. યાત્રા માટે આવશ્યક સામાન પણ હાથીઓ પર લાદી દેવામાં આવ્યો. ઘોડા પર બેસીને આગળ આગળ અંગરક્ષકો ચાલ્યા. એમના હાથોમાં ચમકતા ભા લા અને ધનુ ષબાણ હતા. એમણે કવચ ધારણ કરેલા હતા, જે સૂર્યની રોશનીમાં સપ્તરંગો પ્રકાશ ફેલાવી રહ્યાં હતા.

નિશ્ચિત સમયે રાજપરિવારના બધા સદસ્યો પોત-પોતાના વાહનોમાં સવાર થઈ ગયા. સૌના બેસી ગયા પછી રામ પણ પોતાના રથમાં બેઠL

પુરોહિતોએ મંગલગાન કર્યું. ભાટ ચારણોએ સ્તુતિગાન કર્યું. વાઘકારોએ મંગલધ્વની રેલાવ્યો. શ્રીરામનો જયનાદ ગુંજવીને યાત્રા શરૂ થઈ. બન્ને બ્રહ્મચારી પણ સાથે હતા. એમની સમજમાં આવી રહ્યું નહોતું કે રામ કોના યજ્ઞમાં ભાગ લેવા જઈ રહ્યાં છે?

લાંબી યાત્રા હતી. સાંજ પડતાં તેઓ યાત્રાના પડાવ પર પહોંચ્યા. રાત્રિ અહીંજ વીતાવવાની હતી. ઉતારાની તથા ભોજનનો બધો પ્રબંધ અગાઉથી થઈ ગયો હતો. સૌએ ત્યાં સુખથી રાત્રિ પસાર કરી.

અહીંથી એક માર્ગ મહર્ષિ વાલ્મીકિના આશ્રમ તરફ જતો હતો અને બીજો મહર્ષિ વિશ્વામિત્રના આશ્રમ તરફ જતો હતો. આ કૌતુકને જોવા માટે મહર્ષિ વશિષ્ટ પણ ત્યાં પહોંચી ગયા હતા.

શ્રીરામે સ્નાન પૂજા કર્યા પછી ગુરુના ચરણની વંદના કરી. પછી બધા પોતાના વાહનોમાં જઈને બેઠાં શ્રીરામના બે રૂપ હતાં. રામનું જ શા માટે ! જોત જોતામાં બધા રથ, હાથી, અશ્વો બે ગણા થઈ ગયા. રામની સાથે રાજ્યપરિવારનું એક દળ ચાલ્યું મહર્ષિ વાલ્મીકિના આશ્રમ તરફ અને બીજું દળ ચાલ્યું વિશ્વામિત્રના આશ્રમ તરફ.

શ્રીરામે બને યજ્ઞોમાં ભાગ લીધો. બને મહર્ષિ એનાથી પ્રસન્ન હતા. રામનું દળ પાછું ફર્યું. એક જ સમયે બન્ને દળ યાત્રાના તે પડાવ પર પહોંચ્યા. પછી રાત્રિ વિશ્રામ કર્યો. આખી રાત ભજન કીર્તન, ઉપદેશ તથા ધર્મચર્ચા ચાલતી રહી. આજે ફરીથી ગુરુ વશિષ્ઠજી પ્રજાજનો અને સભાસદોને સાથે રામને સત્કારવા આવી ગયા હતા.

બીજે દિવસે સવારે વશિષ્ઠજીએ જોયું તો રામના બે દળ હવે ત્યાં નહોતાં. હતું એક જ દળ જે અયોધ્યાથી આવેલું હતું. રામે ફરીથી ગુરુની વંદના કરી અને આછું હસીને પોતાના રથમાં બેઠાં.

ગુરુ વશિષ્ઠજી મનોમન રામના સ્વરૂપની વંદના કરવા લાગ્યા. તેઓ કહી રહ્યાં હતા: ‘ભગવાન થઈને પણ રામ, તમે માનવની મર્યાદા છોડી નથી. તમે અમારા બધાના પૂજય છો, વંદનીય છો. હે સર્વવ્યાપી, સર્વ સામર્થ્યવાન રામ તમને મારા નમસ્કાર.’

– સૌજન્ય કૃપાલસિંહ જાડેજા (Kripalsinh Jadeja) (અમર કથાઓ ગ્રુપ) (તારીખ : 29\09\2021 ને બુધવાર)