પતિ પરદેશ ગયો હતો ત્યારે ઘર સંભાળતી પત્નીની આ સ્ટોરી વાંચીને મહિલાની કિંમત સમજાશે.

0
1311

ઘર છે કે હોસ્પિટલ :

સિદ્ધાર્થ પાકા એક વર્ષ પછી ઘરે આવ્યો હતો, અને ઘરમાં વૃદ્ધ માતા પિતા, એક વિધવા ફૈબા, અને કુંવારા કાકા, તેમજ વિધવા ફૈબાની અર્ધપાગલ જેવી દીકરી, આમ પાંચ જણાને સુમન એમ થઈ ને છ જણાં રહેતાં હતાં. ઘર તો ખાસ્સું મોટું હતું, એટલે એ રીતે કોઈ પ્રશ્ન નહતો. પરંતુ સવારથી એણે જોયું તો દરેકની ખૂબ બધી અપેક્ષા હતી, અને કોઈ સ્વસ્થ કે શાંત દેખાતું ન હતું.

અડધી કલાકમાં તો લગભગ દરેક ઓરડામાંથી એકવાર સુમનના નામની બુમ સંભળાણી. તો પપ્પાએ તો સિદ્ધાર્થ એમ કહીને પણ બે વાર સાદ પાડ્યો. પહેલાં તો એણે ન સાંભળ્યાનો ડોળ કર્યો પછી થયું કે અંતે તો મારા જ પિતા છે, અને મારે કરવું જ જોઈએ, એટલે એ ગયો તો કહ્યું કે આ મારી પાણીની બોટલ ભરી આપ, અને સુમનને કહેજે કે આજે મને નાસ્તામાં ગાંઠિયા ખાવા છે.

એ જ રૂમમાં સૂતેલા બા એ કહ્યું કે મારા કપડાં ધોવા લઈ જવાના છે, અને સુમનને કહેજે કે મને તો તળેલું ખાવાની ના છે, એટલે કોઈ બીજો ગરમ નાસ્તો આપી જાય. કહેવા માટે રસોડા તરફ આગળ વધતો હતો ત્યાં જ વચ્ચે ફઈબા વાળો રુમ આવ્યો, અને ફૈબા તેની દીકરીનું માથું ઓળવાની કોશિશ કરતા હતાં, પણ એની દીકરી એટલે કે કનક ના પાડતી હતી, અને કાલીઘેલી ભાષામાં બોલતી હતી, ભાભી પાસે! ભાભી પાસે!

સિદ્ધાર્થ આગળ ચાલ્યો, અને કાકાનાં રૂમ માંથી પણ અવાજ આવ્યો સુમન આજે પેટમાં ગરબડ લાગે છે એટલે જમવામાં પણ સાદી ખીચડી જ ખાઇશ અને થોડું દહીં, ના હોય તો મંગાવી રાખજે, અને શેકેલા જીરાનો પાવડર કરી રાખજે. સિદ્ધાર્થ કિચનમાં સુમન કામ કરતી હતી, ત્યાં પહોંચી ગયો, અને કહ્યું સાંભળે છે સુમન પપ્પા એ કહ્યું છે કે, આજે તો… એ વાક્ય પુરું કરે તે પહેલાંજ સુમન બોલી કે આજે ગાંઠિયા ખાવા છે એમ ને! અને મમ્મીએ કહ્યું હશે કે એને તળેલું ખાવાનું નથી, માટે બીજું કંઈક ગરમ આપજે!

સિદ્ધાર્થ તો જોઈ જ રહ્યો, પછી કહ્યું કે કનક ફૈબા પાસે તૈયાર થતી નથી. સુમને કહ્યું કે ક્યાંથી થાય ફઈબા એને કેટલું મારે છે! કેટલી વાર કહ્યું છે કે થોડીક આ બધા કામમાંથી નવરી પડીશ એટલે પછી એનો વારો લઈશું, અને એને પણ તૈયારી કરવાની જ છે, પરંતુ એ વાત તેના મગજમાં ઊતરતી જ નથી.

સિદ્ધાર્થે જોયું કે સુમનને હજી બાકી એક-દોઢ કલાક કિચનમાં જ જાય તેમ છે, અને તેની સાથે હમણાં કંઈ ટાઈમ સ્પેન્ડ કરવા મળશે નહીં, એટલે સુમનને કહ્યું કે મારા મિત્રો પાસે થોડી વાર સામેના મંદિર પાસે જઈ આવું તો કેમ રહે! સુમન મશ્કરી કરતાં કરતાં બોલી, વાહ આજ તો ઈશ્વરના ઉઘડી ગયા! સિદ્ધાર્થ પણ પત્નીની મીઠી ટકોર સમજી ગયો અને હળવું સ્મિત આપી ત્યાંથી ચાલ્યો ગયો.

માંડ માંડ રસોડું અને અન્ય કામકાજ પરવારી, અને ત્રણ વાગે પોતાના રૂમમાં આવી અને પતિ-પત્ની બંને જણાં પોતાના ત્રીસ વર્ષનાં લગ્ન જીવનના મધુર સંભારણાઓ વાગોળતા હતાં. સિદ્ધાર્થ સુમનના વાળની લટ રમાડતા રમાડતા કહેતો હતો કે તારા વગર જરાય ગમતું નથી. સિદ્ધાર્થ પોતાના એક વર્ષના વિલાયતના પ્રવાસની, તેમજ ત્યાં રહેવા અંગેની વાતચીત કરી રહ્યો હતો. તેને મેટ્રો ટ્રેન એટલે કે ટ્રામ વિશે કહી રહ્યો હતો, અને તને પણ બધું જ દેખાડવા લઈ જવાનો છું, આ વખતે કોઈપણ પ્રકારની આનાકાની નહીં ચાલે, એવું હોય તો આપણે એક આખા દિવસની બાઈ રાખી લેશું.

પરંતુ હજી સિદ્ધાર્થ વાક્ય પુરું કરે એ પહેલાં જ મમ્મીનો અવાજ આવ્યો, સુમન જરાક આવજે તો આ પગ આજે બહુ દુ:ખે છે, અને પપ્પાનો અવાજ પણ સંભળાયો કે, સાથોસાથ મારી માટે ગરમ પાણીની કોથળી રહી ગઈ છે, તો એ પણ મૂકી દેજે, નહીતો આપણે બધા ધંધે લાગી જઇશું! એ બધું પત્યું ત્યાં ફૈબા સુમન કમરમાં તેલ લગાડી જજે, અને કાકા બોલ્યા પેટમાં દુ:ખે છે એટલે સુમન અંતે ગોળી તો લેવી જ પડશે. સિદ્ધાર્થ બોલ્યો સુમન આ તો ઘર છે કે હોસ્પિટલ! અને સુમન હસતી હસતી બોલી આ જ તો મારી દુનિયા છે.

વાત જાણે એમ હતી કે સિદ્ધાર્થ આવતાં બે વર્ષ પછી રિટાર્યડ થતાં હતાં, અને ઓફિસ તરફથી આ પ્રોજેક્ટ હેન્ડલ કરવાનો તેને ચાન્સ મળ્યો, તો સુમન એ તેને આગ્રહ કહ્યું કે, અહીં બધું જ સચવાઈ જશે તમે નીરાંતે જાવ, આવી તક બધાને મળે નહીં. એટલે સિદ્ધાર્થ એક વર્ષથી વિલાયત હતાં અને વડીલોની ઉમરનો આ મુકામ આવી ગયો હશે, એવો એને અંદાજ પણ નહોતો, એટલે એ વારેવારે બોલતો હતો કે ઘર છે કે હોસ્પિટલ! આમ પણ બંને સંતાનો વિલાયતમાં હોવાથી સિદ્ધાર્થનું ત્યાં સચવાઈ ગયું હતું.

સિદ્ધાર્થ વિચારતો હતો કે આખી હોસ્પિટલ સુમન નામના એક જ ડોક્ટરથી નિયંત્રિત હતી, કેટલું મુશ્કેલ કામ હતું છતાં સુમન ના મોઢા પર ફરિયાદ કે અણગમા ના ભાવ નહોતો. દેખીતી રીતે સગપણ તો પોતાને આ બધાં સાથે નજીકનો સંબંધ હતો, છતાં પોતે અકળાઈ જતો હતો, અને આશ્ચર્યની વાત તો ત્યાં હતી કે પોતે અહીં છે, છતાં સૌ સુમન ને જ સાદ કરતાં હતાં. કારણ કે સુમન તેના નામ પ્રમાણે જ સદા સુમન જેવી કોમળ રહી છે.

લી. ફાલ્ગુની વસાવડા.