વાંકુનીધાર – એક સંતની અથાક મહેનતથી આ ઉજ્જડ અને ભયકાર જગ્યા બની નંદનવન.

0
851

વાંકુનીધાર :

– વિજય દાફડા

ચલાલા-ખાંભા રોડ ઉપર ઇંગોરાળા (ભાડ) ગામ પાસે ‘વાંકુનીધાર’ નામે જગ્યા છે, અને ત્યાં એક આશ્રમ છે “પંચમુખી હનુમાનજી આશ્રમ.” એ આશ્રમ ના મહંત શ્રી રામબાલકદાસ બાપુ.

પહેલા ના સમય માં કોઈ વટેમાર્ગુ આ રસ્તેથી પસાર થાય તો વિચારે કે, ઝટ વાંકુંની ધાર થી આગળ નીકળી જઇયે તો સારું. એવી ભયકાર જગ્યા હતી.

એક સમયે ત્યાં નળિયાવાળી એક મઢી અને હનુમાનજી ની મુર્તિ સિવાય કશુજ નહોતું. આવી ઉજ્જડ જગ્યા એ મઢી બનાવનાર સંત હતા શ્રી દામોદરદાસ બાપુ. આવી ઉજ્જડ ને ભયકાર જગ્યાને નંદનવન બનાવનાર સંત બાલકદાસબાપુ અહી સ્થાયી થયા. આ પહેલા તેઓ ગીરમાં તુલસીશ્યામ નજીક જેનગરનેસ માં રહીને તપ કરતાં હતા.

આજે તો આ ઉજ્જડ જગ્યા નંદનવન બની ગઈ છે, અને જે કોઈ વટેમાર્ગુ આ વાંકુની ધારે બે ઘડી પોરો ખાય છે. એ સ્થળની રમણીયતા જોઈને દંગ રહી જાય છે.

એ વિશાળ મંદીર. એક મંદીર માં પંચમુખી હનુમાનજી બિરાજે છે. બીજા મંદીર માં રાધા-કૃષ્ણ બિરાજે છે, મંદીર ના પ્રાંગણ માં તથા આજુ-બાજુમાં નાળિયેરી, આંબા અને લીલી વનરાઈ આ જગ્યાને રમણીય બનાવે છે. લાખ રૂપિયા ખર્ચતા પણ જે શાંતિ ન મળે એવી શાંતિ અહી પાંચેક મિનિટ પોરો ખાવાથી મળે છે.

આ જગ્યાને નંદનવન બનાવવા અથાક મહેનત કરનાર બાપુનો શાંત અને શાલીન સ્વભાવ લોકોને ભક્તિ-સત્સંગ ની વાતો કરવા અહી ખેચી લાવે છે.

વળાંક માં આવેલી છે એટલે આ જગ્યા ને “વાંકુનીધાર” કહે છે.

આવા ઉજ્જડ વગડા ને વનરાવન બનાવનાર નંદનવન ના નિર્માતા ને વંદન.

(સાભાર ગીરની મોજ)