સાસુ વારસામાં પોતાની વહુ માટે એક બોક્સ મૂકી ગઈ, તે બોક્સ ખોલ્યું તો વહુને ખુબ પસ્તાવો થયો, જાણો કેમ. 

0
13177

તે દિવસે સાસુનું તેરમું હતું. વહુ સંજનાબેન મહેમાનોની વચ્ચે ઉદાસી ઓઢીને નકલી આંસુ વહાવીને હવે કંટાળી ગઈ હતી. એક નણંદ સિવાયના બધા મહેમાનો ધીમે ધીમે કરીને જતા રહ્યા. હવે તે પોતાની સાસુના વારસામાં બચેલી વસ્તુઓ જોવાની રાહ જોઈ રહી હતી. તેમના કબાટની ચાવીની માહિતી ફક્ત નણંદ મીનાને જ હતી. તેમણે ઘરના બધા સભ્યોની સામે કબાટ ખોલ્યું. સામે જ લોકરની ચાવી અને કાગળનો ટુકડો પડેલો હતો.

મીનાએ મમ્મીએ લખેલો સંદેશો વાંચ્યો. મમ્મીએ પોતાના ઘરેણાં પોતાની એકમાત્ર પૌત્રી અને દીકરીના નામે કર્યા હતા. રોકડ રકમ પર દીકરાનો અધિકાર હતો. કાગળમાં મમ્મીએ તેમના બધા નવા અને જૂના કપડાં ગરીબ મહિલાઓમાં વહેંચી દેવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાં એક પેકિંગ કરેલું બોક્સ હતું જેના પર પિન કરેલા કાગળ પર લખેલું હતું – “આ પેકેટ મારી વહુ માટે છે, પણ તે આને પોતાના પુત્ર એટલે કે મારા પૌત્ર અનુજના લગ્નના એક વર્ષ પછી જ ખોલી શકશે. મારી છેલ્લી ઈચ્છા મુજબ ત્યાં સુધી તેને બેંકના લોકરમાં રાખવામાં આવે.”

દીકરો તે બોક્સ બેંકના લોકરમાં મૂકી આવ્યો. દિવસો પસાર થતા ગયા, છ મહિના પછી અનુજના લગ્ન થયા. સગાઈ તો પહેલા જ થઈ ગઈ હતી. નવી વહુ આરાધનાના ઘરે આવતાં જ સંજનાબેને થોડી રાહત અનુભવી. હવે તે પતિ અને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માંગતી હતી. તે પોતાની વહુને આ બાબતે સૂચના આપતી, પણ આરાધના તેમની વાત એક કાનેથી સાંભળતી અને બીજા કાનેથી કાઢી નાખતી. સાસુની દરેક વાતનો ઉંધો જવાબ આપતી. ધીમે ધીમે તેણીએ સાસુને રસોડામાંથી બહાર કાઢી દીધી.

સમય પસાર થતો ગયો અને સંજનાબેન પરિસ્થિતિ સાથે સમાધાન કરતા રહ્યા. જૂના સંયુક્ત કુટુંબોનો જમાવો હવે રહ્યો નથી, જેમાં વહુ પર સાસુનું વર્ચસ્વ રહેતું હતું. આજની વહુઓ સાસુને સારા બનવાનો મોકો તો આપતી જ નથી, અને એવું વાતાવરણ બનાવે છે કે જેથી તેમને ખરાબ સાબિત કરી શકાય અને મોકો મળતાં જ પતિ સાથે અલગ થઈ જાય.

ગઈ સદીના ઈતિહાસના એ પાના જેમાં વહુ પર સાસુનું વર્ચસ્વ હતું, તે આજની વહુઓએ ફાડીને ફેંકી દીધા છે, પછી ભલેને સાસુ ગમે તેટલી શિક્ષિત અને સમજદાર હોય પણ વહુ સ્વતંત્ર જ રહેવા માંગે છે અને તેના માટે જાળ બનાવતી રહે છે, અને સાસુનું નામ જ કુટુંબની યાદીમાંથી દૂરી દેવા માંગે છે. સંજનાબેને પણ આવું જ કર્યું હતું ને પોતાની સાસુ સુમિત્રાબેન સાથે!

તે એક ભણેલી-ગણેલી, સારા વિચારો વાળી સ્ત્રી હતી અને પોતાની જુના વિચારો વાળી સાસુથી મળેલા દુઃખને ભૂલીને, સંજનાબેનને તમામ પ્રકારની સગવડો, ટેકો અને પ્રેમ આપીને, સાસુના નામ પર લાગેલા કલંકિત ડાઘને ભૂંસી નાખીને નવો ઈતિહાસ રચવા માંગતી હતી. પણ તેમની વહુ સંજનાબેન તેમને એક ક્ષણ માટે પણ સુખ આપી શકી નહીં. આજે સંજનાબેનને પોતાની સાસુની ખૂબ જ યાદ આવી રહી હતી, એટલામાં જ તેમની નજર કેલેન્ડર પર પડી.

બે દિવસ પછી જ દીકરા અને વહુના લગ્નની પહેલી વર્ષગાંઠ છે. સંજનાબેનને પોતાની સાસુએ વારસામાં મુકેલું બોક્સ યાદ આવ્યું. સાસુના જણાવ્યા પ્રમાણે એક વર્ષ તો પસાર થઈ જ ગયું હતું. તે પોતે બેંકમાં ગયા અને લોકરમાંથી તેમના નામનું બોક્સ લઇ આવ્યા. મનમાં ઉથલપાથલ હતી કે સાસુએ તેમને શું આપ્યું હશે?

દીકરો અને વહુ કામ માટે બહાર ગયા એટલે તેમણે બોક્સ ખોલ્યું. તેની અંદર સાસુએ બાંધેલા એક ડઝન જેટલા જૂના રૂમાલ હતા અને એક લાલ રંગનું પેકેટ પણ હતું. રૂમાલ સાથે એક કાગળ હતું જેના પર લખ્યું હતું, “વહુ, આ તે રૂમાલ છે જેનાથી મેં મારા દીકરાના લગ્નના એક વર્ષ પછી મારા અંતિમ દિવસો સુધી મારા આંસુ લૂછ્યા.” આ વાંચીને સંજનાબેનની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

પછી રડતા રડતા તેમણે બોક્સમાં રહેલું લાલ રંગનું પેકેટ ખોલ્યું, તેમાં નવા રૂમાલ હતા અને એક કાગળ હતું. તે કાગળનું લખાણ વાંચતી વખતે સંજનાબેનને એવો અનુભવ થયો કે, જાણે તેમની સાસુ બોલી રહ્યા છે. તેમાં લખ્યું હતું – “વહુ, હમણાં તું રડી રહી છે ને! આ રૂમાલ તને તારા છેલ્લા શ્વાસ સુધી આંસુ લૂછવામાં કામ આવશે.” અને પછી સંજનાબેન તેમાંથી એક રૂમાલ લઈને પોતાના આંસુ લૂછવા લાગ્યા.