વર્ષમાં એક જ દિવસ કેવડાથી થાય છે શિવનું પૂજન, જાણો તેની પાછળની કથા.

0
613

આજે ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજ..

કેવડા ત્રીજ : વર્ષમાં એક જ દિવસે કેવડાથી શિવનું પૂજન

પાર્વતીને શંકરની પ્રાપ્તિ કરાવનારું વ્રત કેવડા ત્રીજ..

બે કથા જોડાયેલી છે.

૧ – એવું કહેવાય છે કે સુગંધિત એવા આ કેવડાના પુષ્પને શિવજીનો શાપ લાગ્યો હતો કે તારામાં ગમે તેટલી સુગંધ હોવા છતાં મારી પૂજામાં જો કોઇ તારો ઉપયોગ કરશે તો તે મારો શાપિત બનશે. પરંતુ એકવાર જ્યારે પાર્વતીજીએ ભગવાન શિવજી પોતાના પતિ બને તે માટે પાર્થિવેશ્વર શિવજીનું પૂજન કર્યુ અને તેનાં ઉપર સુગંધિત કેવડાનું પુષ્પ અર્પણ કર્યુ તે દિવસે તિથિ ભાદરવા સુદ ત્રીજ હતી.

તે સમયે ભગવાન મહાદેવજીએ એવા આશીર્વાદ આપ્યા હતા કે આ દિવસે મારી પૂજા કરનારને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થશે અને સૌભાગ્યવતી સ્ત્રીઓનાં પતિનાં આરોગ્યની પ્રાપ્તિ સાથે દીર્ઘાયુ થશે ત્યારથી આ દિવસે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે. સાથે જ કુ મારિકાઓ પણ યોગ્ય પતિની કામના માટે આ વ્રત કરતી હોય છે.

2 – બીજી કથા મુજબ મનથી શિવજીને વરી ચૂકેલા હિમાલયકન્યા પાર્વતીને તેના માતા પિતા તેમને ભગવાન વિષ્ણુ સાથે પરણાવવા તૈયાર થઈ ગયા હતા. આથી અત્યંત દુઃખી થયેલા પાર્વતીજી જંગલમાં જઈ ભૂખ્યા તરસ્યા રહીને શિવજીની આરાધના કરવા લાગ્યાં. જંગલમાં પાર્વતીજીએ રેતીનું શિવલિંગ બનાવ્યું. આ જંગલમાં માત્ર કેવડો મળતાં તેમણે શિવલિંગ પર કેવડો ચઢાવી પૂજન કર્યું. પાર્વતીજીની દ્રઢતા અને સાધના જોઈ મેના અને હિમાલયરાજે પાર્વતીજીને શિવજી સાથે લગ્ન કરવાની સંમ્મતિ આપી.

આમ આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમજ કું વારિકાઓ પોતાના સૌભાગ્ય માટે ખૂબ શ્રદ્ધાભક્તિથી ‘કેવડાત્રીજ’નું વ્રત કરે છે.

(કેવડા માટે એક બીજી વાત – નર્મદાના નાંદોદ તાલુકાના નવાગામ વિસ્તારમાં કેવડાના વૃક્ષો વધુ પ્રમાણમાં આવેલાં છે. આ વિસ્તારના આદીવાસીઓ કેવડા પર નિર્ભર છે. એક વાર કેવડાનુ બીજ વાવ્યા પછી પાંચ વર્ષની માવજત બાદ તેના પર ફુલ આવે છે. ખાસ કરીને નર્મદામાંથી જ સમગ્ર ગુજરાતમા કેવડા જાય છે. જેથી આ વિસ્તારમાં થતો કેવડો નર્મદામાં વસતા આદિવાસીઓ માટે રોજગારી સમાન બની રહ્યો છે.)

બધી બહેનોને કેવડા ત્રીજની શુભ કામનાઓ.

ૐ નમ: શિવાય

– સાભાર મુકુંદરાય ધારૈયા (અમર કથાઓ ગ્રુપ)