લગભગ અડધી પોણી સદી પાછા વળીએ , તો ગામડાની રાતનું આવું દૃષ્ય દેખાય..
ઝટપટ વાળુ કરીને છોકરા છોકરીઓ ફળિયામાં કે ડેલી પાસે રસ્તા પર આવી ગયા હોય.. મોટી છોકરી જેવું તેવું વાળી નાખે.. કેટલાક કોથળો લઈને આવે , તો કોક એમ જ હેઠા બેસે.. મોટી ઉમરનામાં દાદી એકલા હોય.. ક્યારેક બીજી બે ત્રણ બાઈઓ પણ હોય..
ઉનાળો હોય તો કોક ખજુરીનો પંખો લઈ આવે.. તો કોક ચોપડીનું કે તારીખિયાનું પુઠું લઈ આવે.. શીયાળામાં સ્વેટર , ટોપી ને શાલ કે ચાદર હોય.. ને વચ્ચે તાપણું હોય..
દાદી બધાને એકએક સેકેલો આંબીલો-કચુકો આપે.. કોક છાલ કાઢી નાખે.. તો કોક છાલ સહિત દાઢમાં દબાવવા લાગે.. તુરો તુરો રસ ચુસવાની મજા પડી જાય..
એક લાડકું છોકરું દાદીના ખોળામાં ગોઠવાઈ ગયું હોય.. દાદીનો હાથ તેના માથા પર ફરતો હોય.. કાં એના કુણા કુણા ખભાથી આંગળીઓ સુધી ઉપર નીચે થતો હોય.. વારતા સાંભળતું સાંભળતું એ સુઈ પણ જાય.. તો દાદી હાક મારે.. ” એ ફલાણી.. આને લઈ જા.. ઠેકાણે સુવડાવ..” વારતાની ઉતાવળ થતી હોય , તેમ કોક.. ” માં , જલ્દી કરોને..” એવો આગ્રહ કરે.. તો દાદી એકાદ છોકરું આવ્યું ન હોય તેની રાહ જોવાનું કહે.. કાં કોકને બોલાવવા મોકલે..
પછી લીંબુનું ગાડું નિકળે.. દાદી પોતે બોલે , કે મોટા છોકરા કે છોકરીને બોલવાનું કહે..
” લીંબુ ભરીને ગાડું આવ્યું.. લીંબુ લ્યો.. લીંબુ..”
વારા ફરતી બધાને પુછે.. ” તું કેટલા લીંબુ લઈશ..?” કોઈ એક કહે કોક બે ત્રણ કહે.. જે છોકરું જેટલા લીંબુ લ્યે.. એટલી વારતા એણે કરવાની..
પછી વારાફરતી વારતા કહેવાનું ચાલુ થાય.. વારતામાં રાજા રાણી , રાક્ષસ , જાદુગર , ડોસી , રાજ કુંવર કે રાજ કુંવરી જેવા પાત્રો આવે..ક્યારેક કોક ભૂત કે ડાકણની વાત માંડે તો બીકણ છોકરાં ના પાડે.. ક્યારેક પાદવું , હંગવું , ગુ , મુતર , લીંડા જેવા શબ્દો પણ આવે.. ત્યારે છોકરાં ખુબ હસે.. કોક તો પોતાનું નાક દબાવીને નાટક કરે..
વારતામાં હાસ્ય રસ મુખ્ય હોય.. સાથે વીરતા , ચમત્કાર , જાદુ પણ હોય.. પણ બધી જ વારતાના અંતે ખોટું અને ખરાબ કરનારને સજા થાય.. અને સાચા સારા પાત્રને સુખ મળે..
આવી વારતાથી બાળકની કલ્પના શક્તિ વધે.. જાહેરમાં બોલવાની બીક દુર થાય.. વાતમાં રસ પેદા કરવાની આવડત વધે..
ક્યારેક કોઈ વારતામાં ભૂલ કરે તો , વચ્ચે દાદી કે બીજું સલાહ પણ આપે..
આમ તો જુની વારતાઓ થોડા સમયને ગાળે ફરીથી થયા કરે.. પણ તોય સૌને મજા આવે.. ક્યારેક કોક નવી વારતા બીજેથી સાંભળી લાવ્યું હોય , ત્યારે તો બધા એકધ્યાન થઈને સાંભળે..
વારતાને છેડે ” ખાધું પીધું.. ને રાજ કર્યું..” અથવા ” ગોખલામાં ગોટી.. મારી વારતા મોટી..” એવું બધા જ બોલે..
બધાની વારતાઓ પુરી થાય , એટલે સૌ સુવા જાય.. અને વારતાના ઘેનમાં સવાર સુધી મીઠી ઉંઘ માણે..
આવી હતી .. ” વારતા રે વારતા..”
પણ એ જમાનો ગયો.. આજે બાળકો .. મોબાઈલમાં રમત રમ્યા કરે.. કે ટીવીમાં નિરર્થક કાર્ટુન જોયા કરે.. અને એટલા એકાંતમાં ઉતરી જાય.. કે મમ્મી બોલાવે તો પણ ના ગમે..
– જયંતીલાલ ચૌહાણ ૨૫ – ૫- ૨૧ (અમર કથાઓ ગ્રુપ)