વરુથિની એકાદશી પર કઈ વસ્તુઓનો ત્યાગ કરવાથી વ્રત કરનારનાં પાપોનો ક્ષય થાય છે? જાણો સંપૂર્ણ માહિતી.
ચૈત્ર માસના વદ પક્ષની ૧૧ મી તિથિ એટલે વરુથિની એકાદશી. આ વર્ષે આ એકાદશી 16 એપ્રિલ 2023, રવિવારના રોજ આવી રહી છે. આવું તેનું માહાત્મ્ય જાણીએ.
ચૈત્ર માસના વદ પક્ષે વરૂથિની એકાદશી આવે છે. તેનું માહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવાયું છે.
યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યું કે, ‘હે વાસુદેવ, હું આપને મારાં દંડવત્ પ્રણામ પાઠવું છું. આપ મને ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ, માહાત્મ્ય અને ફળ વિશે જણાવો.’
શ્રીકૃષ્ણે કહ્યું, ‘હે રાજા, આ એકાદશીનું નામ વરુથિની એકાદશી છે અને તે કોઈને પણ આ જન્મમાં અને પછીના જન્મમાં સુખ-સમૃદ્ધિ આપે છે. અતિશય સુખ અને સમૃદ્ધિ મળે છે. પાપો દૂર થાય છે. બદનસીબ સ્ત્રી સમૃદ્ધિવાન બને છે. જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. ૧૦,૦૦૦ વર્ષ તપ કર્યાનું ફળ આ એકાદશી કરવાથી મળે છે. ધુંધુમાર જેવાં રાજાઓ પણ આ વ્રત કરવાથી સ્વર્ગે ગયા હતાં. મહાદેવે બ્રહ્માનું એક માથું કાપી નાંખવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું, તો પણ આ વ્રત કરવાથી પાપ નિર્મૂળ થયું હતું.
કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ વખતે ૪૦ કિલો સોનાનું દાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઘોડાના દાન કરતાં હાથીનું દાન વધારે છે, તેનાથી પૃથ્વીનું દાન, પૃથ્વીથી તલનું દાન, તલથી સોનાનું દાન અને સોનાથી અન્નનું દાન અધિક છે. કારણ કે અન્નદાન વડે મનુષ્યોને, દેવોને તેમજ પિતૃઓને તૃપ્તિ થાય છે.
અન્નદાન બીજાં કન્યાદાન અને ગૌદાન સમું છે અને તેનાથી સર્વોત્તમ દાન વિદ્યાદાન છે. જે વ્યક્તિ કન્યાવિક્રય કરે એટલે કે છોકરીને વેચીને પૈસા લે છે અને પાપી પેટનું પોષણ કરે છે તે નરકમાં જાય છે. માટે ગમે તેટલી આપત્તિમાં પણ દીકરીનાં દામ લેવાં નહીં. જે વ્યક્તિ દીકરીના દામ લે છે તે બીજા જન્મે બિલાડો થાય છે. કન્યાનાં લગ્ન માટે પૈસા ન હોય તો કંકુ ને કન્યા અર્પણ કરવી.
આ વ્રત કરનારે માંસ, મદિરા, મસૂર, ચણા, કોદરી, શાક, મદ્ય, પારકું અન્ન, બીજી વખતનું ભોજન, મૈથુન વગેરેનો ત્યાગ કરવો. જુગાર, ઊંઘ, પાનસોપારી, ચાડીચુગલી, ક્રોધ, અસત્ય, પતિતો વચ્ચે ભાષણ-વાર્તાલાપ વગેરેથી દૂર રહેવું. આમ વિધિપૂર્વક આ વ્રત કરનારનાં પાપોનો ક્ષય થાય છે.’
પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના :
ચૈત્ર વદ વરૂથિની એકાદશીનું પુષ્ટિમાર્ગમાં ખૂબ જ મહત્ત્વ છે. શ્રીમદ વલ્લભાચાર્યજીનું આ દિવસે પ્રાગટ્ય થયું હતું. તેથી મહાઉત્સવ તરીકે પ્રસિદ્ધ છે. મંદિરમાં જન્માષ્ટમી જેવો જ અવસર ઊજવાય છે. કારણ કે તેમનું પ્રાગટ્ય જ દૈવીજીવોના ઉદ્ધારક તરીકેનું છે. ‘રસો વૈસઃ’ એટલે વ્રજલીલાઓની રસાનુભૂતિ કરવી, સંસ્કૃતમાં ચૈત્ર માસનું નામ માધવ માસ છે. ‘મા’ એટલે આધિદૈવિક લક્ષ્મી અને ‘ધવ’ એટલે લક્ષ્મીના પતિનો માસ. પોતાના માસમાં જ પ્રભુ પ્રગટ થાય તોજ દૈવી જીવોને લીલા પ્રાપ્ત થાય છે.
આ એકાદશીને વરુથિની કહેવાય છે. વરૂથિની એટલે વરદાન આપનાર. વળી આ દિવસે વૈષ્ણવો બ્રહ્મ સંબંધ મંત્ર પ્રાપ્ત કરે છે. પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું આપણું મન જોડાય છે. તેથી જ માયાના ઘોર અંધકારમાં વિષયાનંદમાં ડૂબેલા કળિયુગના દોષો ભરેલા જીવોમાં હૃદયમાં પ્રકાશપૂંજ પાથરવાથી અજવાળું થાય છે. આમ માયારૂપી અંધકાર દૂર કરવા જ શ્રીમહાપ્રભુજી કૃષ્ણ પક્ષમાં પ્રગટ થયા અને તેથી જ ૮૪ બેઠકોમાં બિરાજમાન છે અને તે દ્વારા અલૌક્કિ દર્શનની અનુભૂતિ સૌને થાય છે.
મર્યાદામાર્ગીય ભાવના :
વરુથિની એકાદશીના માહાત્મ્યમાં વિદ્યાદાન અને ગૌદાન શ્રેષ્ઠ કહ્યાં છે. મંદિરોમાં પ્રભુને શૃંગાર અને ભોગ ધરાવાય છે. કુલ બાર સંક્રાંતિ છે તેમાં મેષ સંક્રાંતિ, ધન સંક્રાંતિ અને મકરસંક્રાંતિ મુખ્ય છે. દરેક સંક્રાંતિમાં ગોપીજનોને અદ્ભુત સામગ્રીના દર્શન-શૃંગાર અને પ્રસાદી રૂપે તિલવાની સામગ્રી ખીચડો વગેરે મળે છે અને વૈષ્ણવ-ગોપીજન પોતાનું જીવન ધન્ય બનાવે છે.
ઈતિ શ્રી સ્કંદ પુરાણે ચૈત્ર કૃષ્ણ પક્ષે વરુથિની એકાદશીનું વર્તન અહીં સંપન્ન થાય છે.