ગુજરાતમાં અહીં આવેલું છે વાસુકી મંદિર, કોઈપણ શુભ પ્રસંગો તેમને યાદ કર્યા પછી થાય છે, જય શ્રીવાસુકી દાદા.

0
543

વાત કરીશું થાનગઢના વાસુકી મંદિરની.

ખડ, પાણી ને ખાખરો,

પાણાનો નહી પાર.

વગર દિવે વાળુ કરે,

એ જગ જુનો પંચાળ.

ઝાલાવાડના સવાસો ચોરસ માઈલ ના કંદોરા ને “પાંચાળ” કહેવામાં આવે છે. અને પાંચાળનાં કેન્દ્ર તરીકે ‘થાન‘ રહ્યું છે. થાનએ પ્રાચીન સ્થળ હોવા છતાં એના મૂળ નામ અને પ્રાચીન ઉલ્લેખો માત્ર “સ્કંદ પુરાણ“ માં જોવા મળે છે. તેમાં થાન ને “સ્થાન” તરીકે ઓળખવામાં આવ્યું હતું. પરંતુ ધીમે ધીમે “સ્થાન” ને લોકભાષા અભ્ર શબ્દના કારણે ગામ નું નામ “થાન” તરીકે જાણીતું બન્યું.

નાગપૂજામાં ઝાલાવાડમાં થાન, બાંડિયા બેલી, તલસાણીયા, અને ચરમાળીયા ના સ્થાનકો સુપ્રસિદ્ધ છે. જ્યાં સરોવર, સરિતા, અને ડુંગરો જોવા મળે છે ત્યાં જોગી, જતિઓ, અને સાધુ-સંતોના બેસણા નજરે ચડે છે. તેવીજ રીતે થાન ગામ ના મધ્ય માં તળાવ ના કિનારે (કાંઠે) પૂર્વાભિમુખ વાસુકી નાગ દેવતા નું મંદિર આવેલું છે. સમગ્ર મંદિર પર કુદરતી ઘુમ્મટ ની જેમ ‘રાયણ’ નું એક ઘટાદાર વ્રુક્ષ છવાયેલું છે. આ મંદિર માથે નાગ અંકિત ધજા ફડાકા દે છે.

ઝાલાઓના રાજમાં થાન લખતર તાબે હતું. લખતરના રાજવી ‘અભેરાજ્જી’ એક વખત લખતરથી વાંકાનેર જતા માર્ગમાં થાનની સીમમાં પડાવ નાખ્યો હતો. થાન પર તે સમયે મડિયાઓનું શાસન હતું. લોકોકિત પ્રમાણે રાજા અભેરાજ્જીને વાસુકી સ્વપ્નમાં આવ્યા હતા. ત્યાર બાદ ઝાલાઓ અને મડિયાઓ વચ્ચે યુધ્ધ થયું. તેમાં રાજા અભેરાજ્જીનો વિજય થયો અને પોતાના સ્વપ્નની પરિપૂર્તિ માટે ત્રણસો વર્ષ પહેલા તેમણે વાસુકીનું થાન ખાતે મંદિર બંધાવ્યું હતું. જે આજે પણ ગામમાં હયાત છે.

રાજા અભેરાજ્જીએ મંદિર બંધાવતા વાસુકી મંદિરને રાજ ની પ્રતિષ્ઠા મળી. તે સમયે થાન લખતરના તાબે હતું પરંતુ થાનની ગાદી પર વાસુકી દેવની સ્થાપના થતાં સમગ્ર ચોવીસીમાં તેના નામથી વહીવટ ચાલતો થયો. ત્યારે પણ લખતરથી રાજવી થાન આવતા ત્યારે પ્રથમ થાન ખાતે વાસુકી મંદિરે દર્શન કર્યા પછી જ દરબાર ગઢમાં પ્રવેશતા તેવી પ્રણાલી હતી. ત્યારથી વાસુકી દાદા થાનના ગ્રામદેવતા તરીકે ઓળખાય છે.

મંદિરની પાછળ આવેલી વાવ ‘વાસુકી વાવ’ તરીકે જાણીતી છે. ઈશ્વરની ત્રિગુણાત્મક ચેતન શક્તિ સમી ત્રણ ફેણ વાળી નાગદેવતાની મૂર્તિ મંદિરની મુખ્ય પ્રતિમા છે. તળાવને કાંઠે પૂર્વ દિશામાં મંદિરના મહંતોની સમાધીઓ છે. ઉતર દિશાએ આદિ મહંત સુખદેવ ગીરીજીની સમાધી છે. જે આજે પણ પુજાય છે.

ગામમાં કોઈ પણ શુભ પ્રસંગો વાસુકીદાદાને યાદ કર્યા પછી થાય છે. ગામમાં ક્યાય કથા, પારાયણ, રામકથા જેવા ધાર્મિક પ્રસંગોનો આરંભ તથા અંત મંદિરે થાય છે. થાનની પ્રજાના હૃદયમાં વાસુકી મંદિર પ્રત્યે વિશ્વાસ અને શ્રધ્ધા–આદર હોવાના કારણે એ ગ્રામદેવતા બન્યા છે. આ મંદિર માં ગરીબ અને અમીર એવા કશાય પ્રકાર ના ભેદભાવ વગર ગ્રામ દેવ વાસુકીદાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સાથે સાથે અહિયા ધર્મની વિભીન્નતા પણ જોવા નથી મળતી કારણ કે અહી હિન્દુ, મુસ્લિમ, જૈન, વગેરે ધર્મના લોકો દર્શનનો લાભ લે છે.

જય શ્રી વાસુકી દાદા.

(સાભાર વિકિપીડિયા ગુજરાતી)