ગુજરાતના વીર હમીરજી ગોહિલ, સોમનાથને તુટતુ બચાવવા આ વીરલાએ ઝફરખાન…

0
3077

આજે અમે તમને ગુજરાતના વીર હમીરજી ગોહિલની બહાદુરી વિષે જણાવવા છીએ. આજે અમે તમને જે ઘટના વિષે જણાવવાના છીએ તે ત્યારની છે જયારે ઝફરખાને સોમનાથ પર હુમલો કર્યો હતો. તે સમયે હમીરજી ગોહિલ સોમનાથના ગઢની સામે નવ નવ દિવસથી ઝફરખાનનાં સૈન્યનો સામનો કરી રહ્યા હતા. હવે હમીરજી પાસે અમુક ચુનંદા શુરવીરો જ બચ્યા હતા. સોમનાથને તુટતુ બચાવવા હમીરજીની આગેવાનીમાં આવેલા તમામ શુરવીરો એકઠા થયા હતા.

નવમાં દિવસની રાત્રે હમીરજીએ યુધ્ધની વ્યુહ રચના સમજાવી, અને સવારના પહોરમાં સૂર્યનારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત ગઢ ખુલ્લો મુકી દેવા અને કેસરિયા કરી લેવા કહ્યું. “થઈ જાવ સૌ સાબદા” એમ હમીરજી બોલતા તો હર હર મહાદેવનાં ધોષ ગાજતા. તે સમયે આખી રાત કોઈ સુતુ નહતું, સોમનાથના મંદીરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઊડી રહ્યો હતો. મરણિયા વીરોએ શંકરદાદાને પણ તે રાતે સુવા ન દીધા.

પછી પરોઢીયે નહાઇ ધોઇને હમીરજીએ શંકરની પુજા કરી. હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગ્યા અને કહ્યુ કે – “આઈ, આશિષ આપો.” પરિસ્થિતિ એવી હતી કે, કાનોકાન મોતના મીઠાં ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી હતી. પટાંગણમાં ઘડીક સુનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતા આઈ બોલ્યા, “ધન્ય છે વીરા તને. સોરઠની મરવા પડેલી મર્દાનગીનું તે પાણી રાખ્યું.” પછી તેમણે ગાયુ કે,

વે’લો આવ્યો વીર, સખાતે સોમૈયા તણી;

હીલોળવા હમીર, ભાલાની અણીએ ભીમાઉત.

માથે મુંગીપર ખરૂ, મોસાળ વસા વીસ;

સોમૈયાને શીષ, આપ્યુ અરઠીલા ધણી.

હવે દશમાં દિવસની સવારે જેવું જ સૂર્ય નારાયણનું આગમન થયું કે ગઢના દરવાજા ખુલ્યા ને હમીરજી અને સાથી યોધ્ધાઓ ઝફરખાનની ફોજ માથે ત્રાટકયા. આમ અચાનક વહેલા આક્રમણથી ઝફરખાન હેબતાઇ ગયો અને સેન્યને સાબદુ કરીને યુધ્ધ શરૂ કર્યુ. બીજી તરફ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથીઓએ કાળોકેર વર્તાવી દીધો. તેમણે સાંજ પડતા જ દુશ્મનોના સૈન્યને અડધા ગાઉ જેટલું તો પાછું ઠેલવી દીધુ હતું, અને તે દિવસનું યુધ્ધ બંધ થયું.

પછી સોમનાથના ગઢમાં પાછા ફરતા જ હમીરજી જુવે છે કે, તેમના સાથીઓમાંથી અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ, અમુકના આંતરડા બહાર નીકળી ગયા છે. અને હવે તો લગભગ દોઢસોથી બસ્સો જ સાથીઓ બચ્યા છે. પછી હમીરજીએ સાથીઓની સાથે નિર્ણય લીધો કે, સવારનું યુધ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવું. તે પછીના દિવસે સવાર પડતા જ ઝફરખાને સામેથી હુમલો કર્યો, કારણકે તે વધારે સમય લેવા માંગતો ન હતો. આ તરફ હમીરજી અને સાથીઓએ શિવલીંગને જળથી સ્નાન કરાવ્યું, અને એકબીજાને છેલ્લા જુહાર કરી રણમેદાનમાં ઉતર્યા.

ભયંકર યુદ્ધ ચાલ્યું અને સાંજ પડતા યુધ્ધમાં હમીરજી અને એક બે યોધ્ધા જ બચ્યા હતા અને સંપૂર્ણ શક્તિથી લડી રહ્યા હતા. હમીરજીનું આખું શરીર વેતરાઇને લીરા જેવું થઈ ગયું હતું, છતા પણ દુશ્મનોને મચક આપતા નથી. ઝફરખાને સૈનિકોને ઈશારો કર્યો અને હમીરજીને કુંડાળામાં ઘેરી લેવામાં આવ્યા અને તેમની માથે એક સામટી દશ તલવાર પડી. અને પછી શિવલીંગનું રક્ષણ કરતો એ અંતિમ યોધ્ધો પણ ઢળી પડયો, અને સોમનાથનું મંદીર ભાંગ્યું.

આમ તે દિવસે આ યુધ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ પણ પડ્યું. તે સમયે આઈ લાખબાઈ ગઢની દેવડીએ ચડીને નિરખી રહ્યા હતા. અને આ શુરવીર યોધ્ધાને બિરદાવતા મરશિયા ગાયા કે,

રડવડિયે રડિયા, પાટણ પારવતી તણા;

કાંકણ કમળ પછે, ભોંય તાહળા ભીમાઉત.

વેળ તુંહારી વીર, આવીને ઉં વાટી નહીં;

હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.

તે સમયનું દૃશ્ય અત્યંત દુઃખદાયક હતું. સોમૈયાના ગઢની દેવડીએ આઈ લાખબાઈએ એકબાજુ મરશિયા ઉપાડયા હતા, તો બીજી તરફ સામે જ સોમનાથનું દેવળ સુબાના સૈનિકોના હાથે લુંટાઇને તુટી રહ્યું હતું. મિત્રો, હમીરજી ગોહિલ એ ભારતના ઇતિહાસનું અદ્દભુત પાત્ર છે. ઇતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે, કે જ્યારે સૌરાષ્ટ્રની રાજપુતી રોળાઈ રહી હતી ત્યારે આ વીર યોદ્ધો પોતાના મુઠ્ઠીભર ભેરૂબંધો સાથે સુબા ઝફરખાનની જંગી ફોજ સામે સોમનાથનું રક્ષણ કરવા ચડ્યા હતા. હમીરજીને તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પુજે છે. સોમનાથ મંદીરની બહાર વેગડાજીની અને મંદીરના મેદાનમાં બરોબર શિવલીંગની સામે જ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળીયો સોમનાથમાં પુજાય છે.

સૌરાષ્ટ્ર રસધારમાંથી સંપાદન.