રોજની જેમ જ આજે પણ ધોમધખતી બપોરે શાકવાળી બારણે આવી અને બુમ પાડીને પૂછ્યું, “શાક જોઈએ, બેન?”
મમ્મીએ પણ રોજની જેમ જ અંદરથી બુમ પાડીને પૂછ્યું, “શું શું છે?”
“ગવાર, ચોળી, પાલક…” આગળ કાંઈ બોલે તે પહેલાં જ મમ્મીએ કહ્યું, “ઉભી રે’, આવું છું.”
બારણે આવીને મમ્મીએ શાકવાળીના ટોપલા પર નજર નાખી પૂછ્યું, “પાલકનું શું?”
“બે રૂપિયાની ઝૂડી”
“રૂપિયામાં દે તો ચાર લઉં.”
“નહીં પોષાય.”
“ઠીક તો રહેવા દે.” કહી મમ્મી બારણે જ ઉભી રહી.
શાકવાળી આગળ ગઈ અને પછી પાછું વળીને બોલી, “દોઢ રૂપિયો.”
મમ્મીએ નનૈયો ચાલુ રાખ્યો. “રૂપિયામાં દેવી હોય તો જ વાત કર.”
“નહીં પોષાય” કહી એ ફરી આગળ ગઈ. થોડું આગળ જઈ, પાછી આવી. મમ્મીને ખાત્રી હતી એ આવશે જ એટલે હજી બારણામાં જ ઉભી હતી. મમ્મીએ એને માથેથી ટોપલો ઉતારવામાં હાથ દીધો. પછી બરાબર જોઈ ચકાસીને ચાર ઝૂડી પાલક લઈ, ચાર રૂપિયા દીધા.
શાકવાળી ટોપલો ઉંચકીને માથે મુકવા ગઈ ત્યાં એને ચક્કર આવ્યાં. મમ્મીએ ટોપલો પકડીને નીચે મુક્યો. એનો હાથ પકડી પૂછ્યું, “જમી નથી?”
પેલી સહેજ પરાણે ફિક્કું મલકીને બોલી, “ના બેન. બસ, આટલું શાક વેચાઈ જાય એટલે દુકાનેથી સીધું-સામાન લઈ ઘેર જઈ, રસોઈ બનાવીને પછી તરત જમવાનું.”
“ઉભી રહે. અહીં બેસ.” કહી મમ્મી રસોડામાંથી એક રકાબીમાં બે રોટલી, શાક ને ચટણી લઈ આવી. પછી થોડાં દાળ-ભાત આપ્યાં. છેલ્લે એક કેળું ખવડાવી, પાણી પાયું ને પછી શાકવાળી ટોપલો માથે લઈને ગઈ.
મારાથી રહેવાયું નહીં. મેં કીધું, “તેં આટલી નિર્દયતાથી આ ગરીબ સાથે પાલકના ભાવતાલ કર્યા અને પછી જેટલા બચાવ્યા એનાથી વધુ તો એને ખાવાનું દીધું.”
મમ્મી હસી અને પછી જે કીધું તે આજીવન મગજમાં કોતરાઈ ગયું.
વેપાર કરતી વખતે દયા ન કરવી અને દયા કરતી વખતે વેપાર ન કરવો.
– સાભાર ચેતન પંડ્યા (અમર કથાઓ ગ્રુપ)