ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઇ દુધપાકની ડોલ હાથમાં લઇને ગટર પાસે ઉભા હતા અને એક ચમચા વડે ડોલમાંથી દુધપાક લઇને થોડો થોડો ગટરમાં નાંખતા હતા. ત્યાંથી પસાર થતી કોઇ વ્યક્તિનું ધ્યાન ગયુ એટલે એ પેલા ભાઇ પાસે પહોંચી ગયા. કેસર ઇલાઇચી વાળા સુકા મેવાથી ભરપુર મસ્ત મજાના દુધપાકને ગંદી ગટરમાં નાંખતા જોઇને એમને આશ્વર્ય થયુ.
દુધપાકને ગટરમાં નાંખી રહેલા પેલા ભાઇને પુછ્યુ, ”તમે, કેમ દુધપાકને ગટરમાં નાંખી દો છો?”
પેલા ભાઇએ બળાપો કાઢતા કહ્યુ, ”અરે ભાઇ, શું કરુ? આજે મારા દાદાના શ્રાધ્ધ નિમિતે કેટલી મહેનતથી આ સરસ મજાનો દુધપાક બનાવ્યો હતો. પણ તેમાં આ બે માંખો પડી છે અને મ રીગઇ છે એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું. પણ માંખ બહાર નિકળવાનું નામ જ નથી લેતી.”
વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા તે ભાઇ ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ, “ભાઇ આમ જ જો આ મ રેલી માંખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દુધપાકની આખી ડોલ ખાલી થઇ જશે તો પણ માંખો બહાર નહી નિકળે. એક કામ કરો તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો”. દુધપાકની ડોલ નીચે મુકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઇના હાથમાં આપ્યા.
ચશ્માના કાચ પર બે મ રેલી માંખો ચોંટી હતી. કપડું લઇને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યુ, ”હવે આ ચશ્મા પહેરો“. પેલા ભાઇએ ચશ્મા પહેરીને ડોલમાં જોયુ તો દુધપાક તો ચોખ્ખો હતો. એમાથી મ રેલી માંખો જતી રહી હતી.
આપણા વિચારો રૂપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મતારૂપી માંખોને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથેના આપણા સંબંધને જે સરસ મજાના દુધપાક જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ. વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા.
– સાભાર રઘુવંશી હિત રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)