વિધવા વહુને મહેણાં સંભળાવ્યા કરતી સાસુ, પછી પોતાની જ દીકરી સાથે બન્યો એવો બનાવ કે…..

0
1967

રમા બહેને ખુબ ધામધૂમથી પોતાના દીકરા પાર્થના લગ્ન કરાવ્યા હતા. પણ ભાગ્યને કાંઈક બીજું જ મંજુર હતું. હજી તો તેના લગ્નને 8 મહિના જ થયા હતા ને એક અકસ્માતમાં તેમના દીકરાએ દુનિયા માંથી વિદાય લીધી.

રસ્તા વચ્ચે અચાનક કૂતરું આવી ગયું અને તેને બચાવવાના ચક્કરમાં પાર્થ ના બચ્યો. પાર્થના ગયા પછી તેની પત્ની નિધિનું જીવન મુશ્કેલ બની ગયું. રમા બહેનનું નિધિ સાથેનું વર્તન બદલાઈ ગયું. તે એ ઘટના માટે નિધિના ઘરમાં આગમનને જવાબદાર ગણવા લાગ્યા.

દરરોજ કોઈને કોઈ બહાને તે નિધિને મહેણાં સંભળાવ્યા કરતા. ઘરે આવતા લોકો સાથે પણ વાત કરતા સમયે તે નિધિને દોષ આપ્યા કરતા.

“શું કહું બહેન, જ્યારથી તે આ ઘરમાં આવી છે ત્યારથી એક પણ દિવસ શાંતિથી પસાર થયો નથી. તે આવતાની સાથે જ મારા જુવાનજોધ દીકરાને ખાઈ ગઈ.” રમા બહેન પોતાની પાડોશી પાસે બેસી પોતાની વાત તેમને જણાવી રહ્યા હતા.

આ વાત સાંભળીને તે સમયે દરવાજા પાસે ઉભેલી તેમની વિધવા પુત્રવધૂની આંખોમાંથી આંસુ સરી પડ્યા. એક તો પતિ ગુમાવવાનું દુ:ખ, અને પતિના ગયા પછી જીવન અંધકારમય રણ જેવું બની ગયું હતું, અને ઉપરથી સાસુના આવા મહેણાં….

સમય પસાર થતો ગયો પણ નિધિના જીવનમાં કોઈ સુધારો ન આવ્યો. નિધિ બિચારી સાસુના કડવા બોલ સાંભળ્યા કરતી અને સીવણકામ કરવાની સાથે સાથે તેની સાસુ સસરાનું ધ્યાન પણ રાખતી. તેના સસરાને રીટાયર થવામાં સમય હતો એટલે દિવસે ઘરમાં સાસુ અને વહુ બે જણા જ રહેતા. સાસુ કડવા વેણ કહેતી અને વહુ આંખમાં આંસુ સાથે સાંભળ્યા કરતી.

પાર્થના ગયાને છ એક મહિના થયા હશે ત્યાં રમા બહેનની મોટી દીકરી વિધવા થઇ. તેના મહિના પછી તે પોતાના પિયર આવી હતી. તે ઘરે આવી રમા બહેનની બાજુમાં બેસીને રડી રહી હતી.

તે બોલી – “મારી સાસુ ઉઠતા બેસતા એવું જ કહેતી રહે છે કે, હું તે ઘરમાં ગઈ એ પછી તેમનો એક પણ દિવસ શાંતીથી પસાર નથી થયો. હું તેમના દીકરાને ભરખી ગઈ અને તેમને ત્યાં મફતના રોટલા ખાઈ રહી છું.”

રમા બહેને પોતાની દીકરીને છાતીએ લગાડી અને માથે હાથ ફેરવતાં કહ્યું – “કેટલી ક્રૂર સ્ત્રી છે જે એક દીકરીની વેદનાને સમજી શકતી નથી. જે ​​થયું એમાં તારો શું વાંક. મારી દીકરી ડાકણ થોડી છે કે તેના દીકરાને ભરખી ગઈ. તારા તો જીવનનો સહારો જ જતો રહ્યો. નુકશાન તો તારું થયું છે. આ પહાડ જેવું જીવન અને આજીવન એકલતા.”

રસોડામાંથી બધા માટે ચા નાસ્તો લઈને નીકળેલી વહુ હોલમાં બેસેલી સાસુ અને નણંદની આ વાતો સાંભળી વચ્ચે જ અટકી ગઈ. તેણીએ ઊંડો શ્વાસ લીધો અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

તે વિચારવા લાગી કે “જો મમ્મી, પુત્રવધૂ અને પુત્રી બંનેને એક જ માપદંડથી જોતા હોય તો કેવું સારું થાત.”