“મંગળસૂત્ર” : એક વિધવાના ગળામાં મંગળસૂત્ર જોઈ ગામની મહિલાએ પૂછ્યું – ભાભી ! આ…

0
1167

લઘુકથા – મંગળસૂત્ર :

– માણેકલાલ પટેલ.

ભદ્રાએ તળાવેથી સીધી પિયરની વાટ પકડી. આમ તો એના મમ્મી- પપ્પાએ એને બે- ત્રણ વખત સમજાવેલી :- “સડે ત્યાંથી જ કાપી દેવામાં ડહાપણ છે, દીકરી!” ત્યારે એને ખ્યાલ નહોતો કે વાત આટલી આગળ વધી જશે.

પ્રકાશ કોઈ કામધંધો કરતો નહોતો એવુંય નહોતું. પણ, એ કરે સવળું અને થાય અવળું. કરમનો એ એવો કાઠો કે દેવાના દળદળમાંથી એ બહાર જ આવી શકતો નહોતો.

ભદ્રાના બધા દાગીના પણ એણે વેચી દીધા હતા. એનાં સાસુએ તો કહેલું પણ ખરું :- “મારા પકલાને તેંજ બગાડ્યો છે.”

“મારી તો પત્ની તરીકેની ફરજ છે ને?”

“ધંધાને બદલે એનો ડોળો જ બીજે ફરતો હશે?”

અને એક દિવસ એનાં સાસુને ખ્યાલ આવ્યો કે ભદ્રાએ એનું મંગળસૂત્ર પણ પ્રકાશને આપી દીધું છે ત્યારે એ ન બોલવાનું બોલેલાં. પણ, ભદ્રાએ તો કહેલું :- “પતિ પરેશાન હોય અને પત્ની ગળામાં મંગળસૂત્ર લટકાવીને ફરે એનો શું મતલબ?”

એનાં સાસુ કડવો ઘૂંટડો પરાણે ગળે ઉતારી ગયેલાં.

પ્રકાશને મંગળસૂત્ર વેચવા આપીને ભદ્રા તો પોતાની સમજણ ઉપર પોરસાઈ રહી હતી :- “એ સાજા-નરવા રહે એજ મારું જીવતું મંગળસૂત્ર!”

એક બપોરે એ તળાવમાં કપડાં ધોવા ગયેલી ત્યારે વિધવા નીતા કપડાં ધોઈ નહાવા પડી હતી. એ બહાર આવી ત્યારે એના ગળામાં લટકતા મંગળસૂત્રને જોઈને ભદ્રા ભડકી ગઈ. એણે પૂછ્યું :- “ભાભી ! આ……..”

ત્યારે કપડાં પહેરી ગળાને ઢાંકીને નીતા ઝડપથી ગામ બાજુ ભાગી. ત્યારે ભદ્રાએ સીધી પિયરની વાટ પકડી…

– માણેકલાલ પટેલ.