ભાગવત રહસ્ય 134: સ્વામીએ ગાયત્રી માં ને કહ્યું જયારે જરૂર હતી ત્યારે તમે ન આવ્યાં, જાણો પછી શું થયું

0
517

ભાગવત રહસ્ય – ૧૩૪

પ્રચેતાઓ (દસ) એ પ્રાચીનર્બહી રાજાના પુત્રો છે. ભાગવતમાં લખ્યું છે કે પ્રચેતાઓએ, એક બે વર્ષ નહિ, પણ દસ હજાર વર્ષ સુધી નારાયણ સરોવરના કિનારે જપ કરેલા. ત્યારે તેમની સમક્ષ નારાયણ ભગવાન પ્રગટ થયેલા. જપ કરવાથી અજ્ઞાનનું આવરણ દૂર થાય છે, મન શુદ્ધ થાય છે અને જીવન સુધરે છે. રામદાસ સ્વામીએ દાસબોધમાં અનુભવથી લખ્યું છે કે તેર કરોડ જપ કરવાથી ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે. જપથી પૂર્વજન્મના પાપ બળે છે. જપનું ફળ તરત જોવામાં ના આવે તો માનવું કે હજુ પાપ બાકી છે, તેનો નાશ થઇ રહ્યો છે.

વિદ્યારણ્યસ્વામીના જીવનનો એક પ્રસંગ છે. વિદ્યારણ્યસ્વામીની સ્થિતિ ગરીબ હતી. તેમણે અર્થ પ્રાપ્તિ માટે ગાયત્રી મંત્રનાં ચોવીસ પુનઃસ્ચરણ કર્યા. પણ અર્થપ્રાપ્તિ ન થઇ. તેથી કંટાળીને છેવટે તેમણે સન્યાસ લીધો, તે વખતે તેમને ગાયત્રી માં ના દર્શન થયાં. માં એ કહ્યું : માગ.. માગ.. હું પ્રસન્ન છું. વિદ્યારણ્યસ્વામી માં ને કહે છે : માતાજી જયારે જરૂર હતી ત્યારે તમે ન આવ્યાં, હવે તમારી શી જરૂર છે? પણ એટલું બતાવો કે મારા ઉપર તે વખતે કેમ પ્રસન્ન ન થયાં?

માતાજી કહે તું પાછળ જો.

વિદ્યારણ્યસ્વામીએ પાછળ જોયું તો તેમણે ૨૪ પહાડોને બળતા જોયાં. તેમણે પૂછ્યું : માં આ શું કૌતુક છે? માં કહે છે તારા અનેક જન્મોના પાપ તારી તપશ્ચર્યાથી બળી રહ્યાં છે. તારા પાપોનો ક્ષય થયો, શુદ્ધ થયો એટલે હું આવી. વિદ્યારણ્યસ્વામી કહે છે : માં હવે હું શુદ્ધ થયો, હવે મારે કશું માગવું નથી.
તે પછી તેમણે “પંચદશી” નામનો વેદાંતનો ઉત્તમ ગ્રંથ લખ્યો.

પ્રચેતાઓના નારાયણ સરોવરના કિનારે રુદ્રગીતના દસ હજાર વર્ષ સુધીના જપ પુરા થાય છે અને નારાયણના દર્શન થયાં છે. નારાયણે આજ્ઞા કરી હવે ઘેર જઈ લગ્ન કરો. પ્રચેતાઓએ કહ્યું અમારે લગ્ન કરવાં નથી.

પરમાત્મા તેમને સમજાવે છે કે, લગ્ન કર્યા પહેલાં સંન્યાસ લેશો અને પછી વા સના જાગશે તો પતન થશે. લગ્ન પછી વિવેકથી કામ વા સના ભોગવી પછી તેનો ત્યાગ કરવાથી, સૂક્ષ્મ વા સનાઓ દૂર થશે.

ઈશ્વરની માયા બે રીતે જીવને મા-રે-છે, પરણેલો પસ્તાય છે અને કુંવારો પણ પસ્તાય છે. લગ્ન કર્યા પછી સાવધાન રહેવું અશક્ય જેવું છે. ગૃહસ્થાશ્રમનું વાતાવરણ એવું છે કે વિષમતા કર્યા વગર ચાલતું નથી.

મમતા થઇ એટલે સમતા રહેતી નથી અને વિષમતા આવે છે. ભગવાન કહે છે કે : એક કામ કરો તો હું તમારું રક્ષણ કરીશ. રોજ ત્રણ કલાક નિયમપૂર્વક મારાં સેવા સ્મરણ કરો. પછી એકવીશ કલાક હું તમારું ધ્યાન રાખીશ. (અત્યારના જમાનામાં ત્રણ કલાક સેવા સ્મરણ કરનાર જૂજ હશે)

એક આસને બેસી ત્રણ કલાક ભગવત-સ્મરણ કરે તેને ભગવાન પાપ કરતાં અટકાવે છે. પાપ કરતાં જો ખટકો લાગે તો સમજવું પ્રભુની સાધારણ કૃપા થઇ છે. પાપ કરવાની ટેવ જો છૂટી જાય તો સમજવું કે પ્રભુની પૂર્ણ કૃપા થઇ છે.

કોઈ પણ કાર્ય બુદ્ધિ અને શક્તિ વગર થતાં નથી. અને ઈશ્વરની આરાધના વગર બુદ્ધિ-શક્તિ મળતાં નથી. પ્રચેતાઓને નારાયણે બોધ આપ્યો છે કે ઓછામાં ઓછો એક પ્રહર મારી પાછળ આપો. પ્રહર એટલે ત્રણ કલાક.(યામ=કલાક) હું તમારું ધ્યાન રાખીશ. પાપ છુટે, મન શુદ્ધ થાય ત્યારેજ ઈશ્વરની કૃપા થઇ છે તેમ સમજવું.

ગૃહસ્થાશ્રમમાં મમતા મા-રે-છે. માટી-પથ્થર અને સોનું સમાન થાય (લાગે) તેવી દૃષ્ટિ કેળવવી જોઈએ. અનાસક્તિ કેળવવી જોઈએ. મહારાષ્ટ્રમાં રાંકા નામના સંત થઇ ગયા. ધનનો ત્યાગ કરી પતિ-પત્ની સાદું જીવન ગાળે. જંગલમાંથી લાકડાં કાપી લાવે અને ગુજરાન ચલાવે. એક વખત લાકડાં કાપી આવતા હતા. રાંકા આગળ ને પત્ની પાછળ. રસ્તામાં રાંકાએ એક સોનાનો હાર જોયો. તેને થયું કે પત્નીની દૃષ્ટિ કદાચ આ હાર જોઈ બગડશે. પત્ની થોડી પાછળ હતી. એટલે રાંકા હાર પર ધૂળ નાખવા લાગ્યા, જેથી પત્નીની નજર તેના પર પડે નહિ.

પત્ની આવી અને પૂછ્યું : શા માટે ધૂળ ભેગી કરતા હતા? રાંકા કહે : કાંઇ નહિ. અંતે જયારે પત્ની ના જાણવામાં વાત આવી તો તે કહે છે : તમે ધૂળ પર શું કરવા ધૂળ નાખતા હતા? હજુ તમારાં મનમાં સોનું છે એવી ભાવના રહી જ કેમ? રાંકાએ કહ્યું : તું તો મારા કરતાં વધી – તેરા વૈરાગ્ય તો બાંકા હૈ. અને પત્નીનું નામ બાંકા પડ્યું.

સંતોને મન ધૂળ અને સોનું સરખાં હોય છે. આવી અનાશક્તિ કેળવવી જોઈએ. કરેલાં સત્કાર્ય-પુણ્યને ભૂલી જાઓ. પુણ્યનો અહંકાર સારો નથી. પાપને યાદ કરો.

મહાભારતમાં યયાતિ રાજાનું દૃષ્ટાંત આવે છે. યયાતિ રાજાએ કરેલાં પુણ્યને આધારે સદેહે સ્વર્ગમાં ગયા. યયાતિ ઇન્દ્રાસન પર બેસવા ગયા. ઇન્દ્ર ગભરાણો. તે બૃહસ્પતિ પાસે દોડી ગયો. બૃહસ્પતિએ સલાહ આપી કે રાજાને પૂછી જો કે કયા કયા પુણ્યોના આધારે તે ઇન્દ્રાસન પર બેસવા માગે છે?
જયારે તે પુણ્યોનું વર્ણન કરશે એટલે તેનાં પુણ્યોનો ક્ષય થશે અને સ્વર્ગમાંથી પતન થશે. અને આવું થયું. માટે યાદ રાખજો કે કરેલાં પુણ્યો કોઈને કહેશો નહિ.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)