વિક્રમ વેતાળ ભાગ 3 : એક છોકરી સાથે ત્રણ છોકરા પરણવા આવ્યા, જાણો તેમાંથી કોણ બન્યો તેનો પતિ.

0
1055

વર્ષો પહેલા યમુના કિનારે ધર્મસ્થળ નામનું નગર હતું. ત્યાં એક બ્રાહ્મણ રહેતો હતો, જેનું નામ ગણપતિ હતું. તેની એક સુંદર અને ગુણવાન પુત્રી હતી. જેવી જ તેની ઉંમર લગ્ન લાયક થઇ ગઈ કે તેનો આખો પરિવાર તેના માટે યોગ્ય વર શોધવામાં લાગી ગયો.

એક દિવસ તે બ્રાહ્મણ કોઈના ઘરે પૂજા કરવા ગયો અને તેનો દીકરો પણ ભણવા માટે ઘરની બહાર ગયો હતો. તે સમયે ઘરમાં માત્ર બ્રાહ્મણની પુત્રી અને તેની પત્ની જ હતાં. તે જ સમયે એક બ્રાહ્મણ છોકરો તેમના ઘરે આવે છે. બ્રાહ્મણની પત્ની છોકરાનો સારી રીતે સત્કાર કરે છે અને તેને ભોજન કરાવે છે. બ્રાહ્મણની પત્નીને છોકરાનો સ્વભાવ ગમે છે અને તે તેને પોતાની પુત્રી સાથે તેના લગ્ન કરાવવાનું વચન આપે છે.

બીજી બાજુ, બ્રાહ્મણ ગણપતિ જેના ઘરે પૂજા કરવા ગયો હતો, ત્યાં તે એક બ્રાહ્મણ છોકરાને મળે છે અને તેને પોતાની પુત્રી સાથે તેના લગ્ન કરવાનું વચન આપે છે. બ્રાહ્મણનો દીકરો જ્યાં ભણવા ગયો હતો ત્યાં તે એક છોકરાને પોતાની બહેનના લગ્ન તેની સાથે કરાવવાનું વચન આપે છે.

થોડા સમય પછી ગણપતિ અને તેનો દીકરો બંને પોતે પસંદ કરેલા છોકરાની સાથે ઘરે પહોંચે છે. ઘરમાં બીજા બ્રાહ્મણ છોકરાને જોઈને બંને ચોંકી જાય છે. હવે બધા મૂંઝવણમાં પડે છે કે છોકરી એક છે અને લગ્નનું વચન ત્રણેય દ્વારા જુદા જુદા છોકરાઓને આપવામાં આવ્યું છે, હવે શું થશે? છોકરીના લગ્ન કોની સાથે કરાવવા?

આ મૂંઝવણ વચ્ચે તેમનો પાડોશી તેમના ઘરે દુ:ખદ સમાચાર લઈને આવે છે કે, તેમની પુત્રીને ગલીમાં જ સાપે કરડી લીધી છે. આખો પરિવાર અને ત્રણેય બ્રાહ્મણ છોકરાઓ છોકરી પાસે પહોંચી જાય છે, પરંતુ ત્યાં સુધીમાં છોકરીનો જીવ જતો રહ્યો હોય છે.

આ જોઈને ત્રણેય છોકરાઓ દુઃખી થઈ જાય છે. થોડા સમય પછી, છોકરીનો પરિવાર અને ત્રણેય બ્રાહ્મણો મળીને તેની અંતિમ વિધિ કરે છે. છોકરીના ક્રિયા-કર્મ પછી એક બ્રાહ્મણ છોકરો તેની સાથે તેના હાડકાં સાથે લઈને જંગલમાં જાય છે. બીજો તેની રાખ એકઠી કરે છે અને તેને પોટલીમાં બાંધીને એ જ સ્મશાન ઘાટમાં ઝૂંપડું બાંધીને રહેવાનું શરૂ કરે છે. ત્રીજો સ્મશાન ઘાટ છોડીને છોકરીના દુ:ખમાં દેશ-દેશમાં યોગી બનીને ફરવા લાગે છે.

આ રીતે ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસ અચાનક યોગી બનીને ફરી રેહેલો બ્રાહ્મણ કોઈ તાંત્રિકના ઘરે પહોંચ્યો. ઘરમાં બ્રાહ્મણને જોઈને તાંત્રિક ખુશ થઈ ગયો અને તેમનું સ્વાગત કર્યું. તાંત્રિકે યોગીને થોડા દિવસ પોતાના ઘરે રહેવા કહ્યું.

તાંત્રિકનો આગ્રહ જોઈને યોગી તેમના ઘરમાં જ રોકાઈ ગયો. એક દિવસ તાંત્રિક પોતાની વિદ્યામાં ખૂબ જ મગ્ન હતો અને તેની પત્ની બધા માટે ભોજન બનાવી રહી હતી. તે સમયે તેમનો પુત્ર રડવા લાગ્યો અને પોતાની માતાને પરેશાન કરવા લાગ્યો.

તાંત્રિકની પત્નીએ તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે ન માન્યો. અંતે, તાંત્રિકની પત્ની એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે પોતાના બાળકને મા-ર-મા-ર્યો. તે પછી પણ જ્યારે બાળક શાંત ન થયો તો તેમણે તેને ચૂ-લામાં ના-ખી દીધો. આ બધું જોઈને યોગી ખૂબ ગુસ્સે થઈ ગયો અને કંઈપણ ખાધા વગર પોતાની પોટલી લઈને ઘરની બહાર નીકળવા લાગ્યો. એટલામાં તાંત્રિકે આવીને યોગીને કહ્યું, “મહારાજ, ભોજન તૈયાર છે, તમે આવી રીતે ક્રોધમાં ખાધા વિના અહીંથી ન જશો.”

ગુસ્સે થયેલા યોગીએ કહ્યું, “હું આ ઘરમાં એક મિનિટ પણ ન રોકાઈ શકું. જ્યાં આવી રાક્ષસી રહેતી હોય, ત્યાં હું કેવી રીતે કઈ ખાઈ શકું.” આ સાંભળીને, તાંત્રિક જલ્દીથી ચૂલા તરફ દોડે છે અને એક પુસ્તકમાંથી એક મંત્ર વાંચીને પોતાના પુત્રને પુનર્જીવિત કરે છે. યોગી આ બધું જોઈને ચોંકી ગયા. તેણે વિચાર્યું કે જો આ પુસ્તક મારા હાથમાં આવે તો હું મારી પત્નીને જીવિત કરી શકું. યોગી આ વિચારી જ રહ્યો હતો કે તે તાંત્રિક પોતાના પુત્રને જીવિત કર્યા પછી ફરીથી યોગીને ભોજન કરવા માટે વિનંતી કરે છે. યોગી ભોજન કરે છે અને ત્યાં જ રોકાઈ જાય છે.

હવે યોગીના મગજમાં એક જ વાત ચાલી રહી હતી કે, તે કોઈક રીતે તે પુસ્તક મેળવી લે. વિચારતા-વિચારતા રાત થઈ જાય છે. જમ્યા પછી બધા સૂઈ જાય છે. અને મધ્યરાત્રિએ યોગી મંત્ર વાળું પુસ્તક લે છે અને તાંત્રિકના ઘરેથી સીધો સ્મશાન પર આવી જાય છે જ્યાં બ્રાહ્મણની છોકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પહેલા તે ઝૂંપડું બનાબીને ત્યાં જ રહેતા બ્રાહ્મણને બોલાવે છે અને તેને આખી ઘટના જણાવે છે. એ પછી બંને મળીને ફકીર બનેલા બ્રાહ્મણને શોધે છે.

તેમને ફકીર બ્રાહ્મણ મળી જાય છે. એ પછી યોગી બ્રાહ્મણ બંનેને કહે છે કે છોકરીના હાડકાંની અસ્થિ અને રાખ લાવો, હું તેને જીવતી કરીશ. બંને તેની વાત માને છે. રાખ અને હાડકાંની અસ્થિ ભેગી કર્યા પછી છોકરીના અંતિમ સંસ્કાર કર્યા હતા તે જગ્યા પર જઈને યોગી બ્રાહ્મણ મંત્ર જાપ કરે છે અને છોકરી જીવિત થઈ જાય છે. આ જોઈને ત્રણેય બ્રાહ્મણો ખુશ થઈ ગયા.

આટલી વાર્તા સંભળાવીને વેતાલ મૌન થઈ જાય છે. થોડા સમય પછી તે રાજા વિક્રમને પૂછે છે, “હવે મને કહો કે તે છોકરી કોની પત્ની થઈ?” વિક્રમાદિત્યએ ફરીથી વેતાળના ઉડવાના ડરથી જવાબ આપ્યો નહીં.

ગુસ્સામાં વેતાળ કહે છે, જો તને જવાબ ખબર હોવા છતાં તું જવાબ નહીં આપે તો હું તારી ગરદન કા-પી-ના-ખી-શ, જલ્દી જવાબ આપ. આ સાંભળીને રાજા કહે છે, જે બ્રાહ્મણ સ્મશાનમાં ઝૂંપડી બનાવીને રહેતો હતો તે તેનો પતિ કહેવાશે. વેતાળે પૂછે છે, તે કેવી રીતે?

ત્યારે વિક્રમાદિત્ય જવાબ આપે છે, જે હાડકું પસંદ કરીને ફકીર બન્યો, તે તેનો પુત્ર થયો. જેણે તેને તાંત્રિક વિદ્યાથી જીવિત કરી તે તેના પિતા સમાન થયો અને જે તેની રાખ સાથે જીવન જીવી રહ્યો હતો, તે જ તેનો પતિ થયો.

જવાબ સાંભળીને વેતાળે કહ્યું, રાજન, તેં સાચો જવાબ આપ્યો છે, પણ શરત પ્રમાણે તારે તારું મોઢું ખોલવાની જરૂર નહોતી. તેથી હું ફરીથી ઉડી રહ્યો છું. આટલું કહીને બેતાલ ફરી ગાઢ જંગલમાં એક ઝાડ પર લટકી જાય છે અને રાજા વિક્રમ તેને પકડવા તેની પાછળ દોડવા લાગે છે.

વાર્તામાંથી શીખ : ચતુરાઈ અને બુદ્ધિમત્તાથી મોટામાં મોટી સમસ્યાઓ પણ ઉકેલી શકાય છે.