વિક્રમ વેતાળ ભાગ 10 : સૌથી મોટો ત્યાગી કોણ, પતિ, ચોર કે અજાણ્યો યુવક, જવાબ જાણવા વાર્તા વાંચો.

0
554

ફરી એકવાર રાજા વિક્રમાદિત્ય વેતાળને ઝાડ પરથી ઉતારીને યોગી પાસે જવા માટે આગળ વધે છે. દર વખતની જેમ આ વખતે પણ વેતાળ રાજાને એક વાર્તા સંભળાવે છે. વેતાળ કહે છે કે,

વીરબાહુ નામનો એક રાજા હતો, જે નાના નાના રાજ્યો પર રાજ કરતો હતો. રાજા અનગપુર નામની રાજધાનીમાં રહેતા હતા. અર્થદત્ત નામનો એક વેપારી પણ એ જ રાજધાનીમાં રહેતો હતો, જેને મદનસેના નામની પુત્રી હતી. વેપારીની દીકરી અવારનવાર બગીચામાં ફરવા જતી. એક દિવસ એક યુવકે બગીચામાં મદનસેનાને જોઈ અને જોતો જ રહી ગયો. તે મદનસેનાના પ્રેમમાં પડ્યો અને હંમેશા તેના વિચારોમાં ડૂબેલો રહેવા લાગ્યો.

એક દિવસ યુવક હિંમત કરીને બગીચામાં ગયો. ત્યાં મદનસેના એકલી બેઠી હતી. તેણે નવયુવતીને જણાવ્યું, “મારું નામ ધરમ સિંહ છે અને હું તમારી સુંદરતાથી પ્રભાવિત થયો છું.” વેપારીની દીકરીએ જવાબ આપ્યો, “તું મારાથી દૂર રહેજે, હું બીજાની થાપણ છું.” ધરમ સિંહ તેની વાત સાંભળતો નથી અને તેને તેની સાથે લગ્ન કરવા આગ્રહ કરે છે. ત્યારે મદનસેના કહે છે, “મારા લગ્ન સમુદ્ર દત્ત સાથે નક્કી થઈ ગયા છે અને હું તારો આ પ્રસ્તાવ સ્વીકારી શકતી નથી.”

આ સાંભળીને ધરમસિંહ દુઃખી થઈ ગયો. ગુસ્સામાં તેણે મદનસેનાને કહ્યું, “જો તું મા-રી નહિ થાય, તો હું મા-રી ન-સ કાપી નાખીશ.” આ સાંભળીને મદનસેના ખૂબ ડરી ગઈ. મદનસેનાએ તેને વચન આપ્યું કે તે બરાબર પાંચ દિવસ પછી તેને મળવા આવશે. આ સાંભળીને ધરમસિંહ ખુશ થઈ ગયો.

પાંચમા દિવસે મદનસેનાના લગ્ન સમુદ્ર દત્ત સાથે થવાના હતા. લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કર્યા પછી, મદનસેના તેના પતિ સમુદ્રદત્તના ઘરે ગઈ, પરંતુ તેને ધરમ સિંહને આપેલું વચન યાદ આવ્યું. મદનસેનાનો પતિ જેવો તેની પાસે જાય છે, ત્યારે મદનસેના તેને કહે છે કે મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. તે કહે છે, “મારે એક છોકરાને મળવા જવું છે, જેને મેં લગ્ન પહેલા આજના દિવસે મળવાનું વચન આપ્યું હતું.”

આ સાંભળીને સમુદ્ર દત્ત ખૂબ જ દુઃખી થઈ ગયો. તેણે વિચાર્યું કે આવી સ્ત્રી માટે તો ધિક્કાર છે, જે પહેલા જ દિવસે બીજા પુરુષ પાસે જવા માંગે છે. જો હું તેને રોકીશ તો પણ આ ચાલી જશે. એમ વિચારીને સમુદ્ર દત્તે તેને જવા માટેની સંમતિ આપી દીધી.

પતિ પાસેથી જવાની સંમતિ મેળવ્યા પછી, મદનસેના તે છોકરાના ઘર તરફ ચાલવા લાગી. તેને દુલ્હનના કપડામાં જતી જોઈને એક ચોરે તેને રોકી. તેનો સાડીનો છેડો પકડીને ચોરે કહ્યું, “ક્યાં ચાલી?” મદનસેના ડરી ગઈ. તેણે ચોરને કહ્યું, “તું મારા દાગીના લઈ લે અને મને જવા દે.” ચોરે કહ્યું, “મારે તારા ઘરેણાં નહિ પણ તું જોઈએ છે.” સમગ્ર વાત જણાવતા મદનસેનાએ કહ્યું કે, “પહેલા હું ધરમ સિંહને મળવા જઈશ, ત્યાર બાદ હું પાછા ફરતા તમારી પાસે આવીશ.”

ચોરે પૂછ્યું, “તું લગ્નના પહેલા જ દિવસે તારા પતિને છોડી જઈ રહી છો.” તો મદનસેનાએ જવાબ આપ્યો કે તે તેના પતિની સંમતિ લઈને જઈ રહી છે. આ સાંભળીને ચોરે કહ્યું, “જ્યારે તારો પતિ તને મોકલી શકે છે, તો જા, હું પણ તને જવા દવ છું. પણ ત્યાંથી પાછા ફર્યા પછી તું સીધી મારી પાસે અવાજે.”

ચોરને વચન આપીને મદનસેના તે છોકરાની પાસે જવા લાગી. બીજી તરફ મદનસેનાનો પતિ અને ચોર બંને તેનો પીછો કરતા હતા. ચાલતા ચાલતા મદનસેના ધરમસિંહના ઘરે પહોંચી ગઈ. મદનસેનાને લગ્નના પોશાકમાં જોઈને તેણે પૂછ્યું, ‘અરે! તું મારી સાથે લગ્ન કરવા માટે લગ્નનો પોશાક પહેરીને આવી છો.” મદનસેનાએ તેને કહ્યું કે તેના લગ્ન થઈ ગયા છે. આ સાંભળીને છોકરાએ કહ્યું, “તું કેવી રીતે તારા પતિથી બચીને અહીં આવી ગઈ?” મદનસેનાએ તેને આખી વાત જણાવી કે તે કેવી રીતે પોતાના પતિની સંમતિ લઈને આવી છે.

આ સાંભળીને ધરમ સિંહે કહ્યું, “તારા પતિએ આટલા વિશ્વાસ સાથે તને આવવા દીધી છે અને હવે તું લગ્ન કરીને બીજાની થાપણ બની ગઈ છે. હું તને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ હું કોઈ અન્યની સ્ત્રીને સ્પર્શ પણ કરી શકું નહિ. આ પહેલા કે કોઈ તને જોઈ લે. તું જા પોતાના પતિ પાસે.” ચોર અને મદનસેનાનો પતિ બંને સંતાઈને તેમની બધી વાતો સાંભળી રહ્યા હતા. જેવી મદનસેના ધરમ સિંહના ઘરની બહાર નીકળે છે, તેઓ બંને પણ પોતપોતાના રસ્તે નીકળી પડ્યા.

મદનસેના ધરમ સિંહનું ઘર છોડીને સીધી ચોર પાસે જાય છે. ચોર તેને જોઈને મનમાં વિચારે છે કે તે કેટલી પવિત્ર છે, તેની સાથે કંઈપણ કરવું ખોટું ગણાશે. સાથે જ તેને ધરમ સિંહના ઘરની વાત પણ યાદ આવે છે. તે મદનસેનાની સત્યતા અને ધરમ સિંહના બલિદાનને જોઈને પ્રભાવિત થાય છે અને કહે છે, “જા પોતાના પતિ પાસે અહીં શું કરી રહી છો.” એમ કહીને ચોર મદનસેનાને તેના ઘર સુધી મૂકીને આવે છે.

વેતાળ મદનસેનાની વાર્તા અટકાવીને રાજાને પૂછે છે, “હે રાજન! હવે મને કહો, આ ત્રણમાંથી કોનો ત્યાગ સૌથી મોટો છે. વિક્રમાદિત્ય કહે છે, ” વેતાળ સૌથી મોટો ત્યાગ ચોરે કર્યો છે.” આ સાંભળીને તે રાજાને પૂછે છે કે કેવી રીતે?

વિક્રમાદિત્ય કહે છે, “સાંભળ, વેતાળ, મદનસેનાનો પતિ તેને એમ વિચારીને જવા દે છે કે તે બીજા પુરુષ તરફ આકર્ષાયેલ છે, આવી સ્ત્રીનું શું કરવું. ધરમ સિંહ તેને બીજાની પત્ની સમજીને છોડી દે છે અને તેને પણ જાણ હતી કે તે પાપ કરી રહ્યો છે. સાથે જ એવો ડર પણ ઉભો થયો હશે કે મદનસેનાનો પતિ સવાર પડતાં જ રાજાને જણાવીને તેને સજા ના કરાવી દે.

ચોરને કોઈ વાતનો ડર ના હતો, તેણે ઝવેરાતથી સજ્જ સ્ત્રીને છોડી દીધી. તે હંમેશા પાપકર્મો કરતો આવી રહ્યો હતો, જો આ વખતે પણ તેણે તે કર્યું હોત તો તેનું કંઈ બગડ્યું ન હોત. તેથી જ ચોરનો ત્યાગ મહાન છે. “રાજાનો જવાબ સાંભળીને વેતાળ ખૂબ જ ખુશ થયો અને બોલ્યો, “રાજન, તેં મોં ખોલ્યું છે, હવે હું ચાલ્યો. “આટલું કહીને વેતાળ ફરી ઉડી જાય છે.

વાર્તામાંથી બોધ : કોઈપણ મુશ્કેલીમાં વ્યક્તિએ પોતાનું ચરિત્ર અને આત્મવિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં.