વિક્રમ વેતાળ ભાગ 11 : સૌથી કોમળ રાજકુમારી કોણ, વાંચો વેતાળ પચીસી લોકપ્રિય વાર્તા.

0
844

વેતાળની ઝાડ પર પાછા ફરવાની અને રાજા વિક્રમ દ્વારા તેને ફરીથી પકડવાની પ્રક્રિયા ચાલુ રહે છે. આ વખતે રાજા વિક્રમાદિત્ય વેતાળને ફરીથી ઝાડ પરથી નીચે ઉતારીને લઈ જાય છે. રસ્તામાં વેતાળ રાજાને કહે છે, “રસ્તો ઘણો લાંબો છે, હું તને બીજી વાર્તા કહું છું, ધ્યાનથી સાંભળ.”

એક સમયે ગૌડ નામના દેશમાં ગુણશેખર રાજા રાજ કરતો હતો. રાજા એટલો બળવાન હતો કે તેની ચર્ચા દૂર દૂરના રાજ્યોમાં ફેલાઈ ગઈ હતી. રાજાને ત્રણ સુંદર પુત્રીઓ હતી. ત્રણેય એટલી કોમળ હતી કે રાજાને ઘણી વાર તેમની ચિંતા થતી રહેતી હતી.

રાજાની મોટી પુત્રી એટલી કોમળ હતી કે ચંદ્રના પ્રકાશથી પણ તેના શરીર પર ફોલ્લા પડી જતા હતા. બીજી દીકરીને ગુલાબના ફૂલ જેવી નાજુક વસ્તુના અથડાવાથી પણ તેને વાગી જતું અને લો-હી નીકળવા લાગતું. ત્રીજી દીકરીના કાનમાં કોઈના ચાલવાનો કે ખાંડવાનો અવાજ આવતાં જ હાથ-પગમાં ફોલ્લા પડી જતા હતા.

તેમની કોમળતા વિશે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ જતા હતા. ઘણા રાજકુમારો તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ તેમની કોમળતા વિશે જાણ્યા પછી તેઓ પાછા પડી જતા. રાજાને તેમના લગ્નની ચિંતા થવા લાગી. તે વિચારવા લાગ્યો કે તેની કોમળ દીકરીઓ આ કઠોર દુનિયામાં કેવી રીતે જીવી શકશે?

પછી રાજાએ નક્કી કર્યું કે તે પ્રથમ પુત્રીને હંમેશા છાંયડામાં રાખશે, જેથી તેના શરીર પર કોઈપણ પ્રકારના પ્રકાશને કારણે ફોલ્લા ન પડે. રાજાએ બીજી પુત્રીને હળવા કપડા અને ઘરેણાં સાથે એવી જગ્યાએ રાખવાનું નક્કી કર્યું કે જ્યાં તેને કંઈપણ વસ્તુ અથડાઈ શકે નહિ. રાજાએ ત્રીજી દીકરીને એવી જગ્યાએ રાખી કે જ્યાં કોઈનો અવાજ ન પહોંચી શકે.

આ દરમિયાન, પડોશી રાજ્યનો રાજકુમાર તેમની કોમળતા વિશે સાંભળીને, ગૌડ દેશમાં પહોંચ્યો. તેણે પહેલી રાજકુમારીને ચાંદની રાતમાં બહાર જવા કહ્યું, પરંતુ જ્યારે રાજકુમારીએ ના પાડી, ત્યારે તે તેને બારી પાસે લઈ ગયો, જ્યાં ચંદ્રનો પ્રકાશ પડતો હતો. ચંદ્રનો પ્રકાશ રાજકુમારી પર પડતાં જ તેના શરીર પર ફોલ્લા પડી ગયા. પછી ગુલાબના ફૂલથી બીજી રાજકુમારીના ચહેરાને સ્પર્શ કરાવ્યો, જેનાથી રાજકુમારીના ચહેરા પર વાગ્યાનું નિશાન પડી ગયું. આ જોઈ તેને નવાઈ લાગી.

બીજા દિવસે રાજકુમારે દરેકને મસાલા પીસવા કહ્યું, જેનો અવાજ સાંભળીને સૌથી નાની રાજકુમારી બેભાન થઈ ગઈ. આ વાર્તા કહ્યા પછી વેતાળ સાવ ચૂપ થઈ ગયો અને તેણે રાજા વિક્રમને પૂછ્યું, “મહારાજ, કહો કે આ ત્રણમાંથી કઈ રાજકુમારી સૌથી વધુ કોમળ છે અને રાજકુમાર કઈ રાજકુમારી સાથે લગ્ન કરશે?”

રાજા વિક્રમાદિત્યએ પ્રશ્ન સાંભળ્યા પછી પણ કોઈ જવાબ ન આપ્યો. ગુસ્સામાં વેતાળે કહ્યું, “રાજન, જવાબ ખબર હોવા છતાં પણ તું જવાબ નહિ આપે તો હું મારા તેજથી તારા માથાને ધડથી અલગ કરી દઈશ.” થોડી વાર પછી રાજાએ કહ્યું, “ત્રીજી રાજકુમારી સૌથી વધુ કોમળ છે, કારણ કે કંઈપણ કર્યા વિના તેના હાથ-પગમાં ફોલ્લા પડી રહ્યા હતા અને તે બેભાન થઈ ગઈ હતી. તે માત્ર શરીરથી જ નહીં મનથી પણ કોમળ છે. તેથી જ રાજકુમાર સૌથી નાની રાજકુમારી સાથે લગ્ન કરશે.”

જવાબ મળતા જ વેતાળ રાજા વિક્રમની પીઠ પરથી ઉડીને ફરી ઝાડ પર જઈને લટકી જાય છે અને રાજા તેની પાછળ જંગલ તરફ દોડે છે.

વાર્તામાંથી બોધ : વ્યક્તિએ પોતાનું મન સાફ રાખવું જોઈએ. સ્વચ્છ મનના લોકો બીજાના દુઃખને ઓળખી લે છે.