વિક્રમ વેતાળ ભાગ 12 : રાજાના લગ્નની વાત સાંભળતા જ દિવાનનો જીવ કેમ જતો રહ્યો, જાણો કારણ.

0
496

ઘણી નિષ્ફળતાઓ પછી, રાજા વિક્રમાદિત્યએ ફરી એકવાર વેતાળને યોગી પાસે લઈ જવાના પ્રયત્ન કર્યો અને તેને પીઠ ઉપર ઉપાડીને ત્યાંથી ચાલી નીકળ્યા. સમય પસાર કરવા વેતાળે ફરીથી રાજાને નવી વાર્તા કહેવાનું શરૂ કર્યું.

બહુ સમય પહેલાની વાત છે, પુણ્યપુર નામના રાજ્યમાં યશકેતુ નામનો રાજા રાજ કરતો હતો. તેમનો સત્યમણિ નામનો એક દિવાન હતો. સત્યમણિ ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર મંત્રી હતો. તે રાજાની તમામ બાબતોનું ધ્યાન રાખતો, રાજપાઠ સંભાળતો. અને વિલાસી રાજા મંત્રી પર બધો જ બોજો નાખીને ભોગ વિલાસમાં પડ્યો રહેતો.

રાજાના મોજશોખ અને વિલાસ પર વધુ પડતો ખર્ચ થવાને કારણે શાહી તિજોરીના પૈસા ઓછા થવા લાગ્યા. પ્રજા પણ રાજા ઉપર ગુસ્સે થવા લાગી. જ્યારે મંત્રીને ખબર પડી કે બધા રાજાની ટીકા કરી રહ્યા છે, ત્યારે તે ખૂબ જ દુઃખી થયો. પછી જ્યારે તેણે જોયું કે રાજાની સાથે તેની પણ નિંદા થઈ રહી છે, તો તેને ખૂબ જ ખરાબ લાગ્યું. સત્યમણિએ પોતાની શાંતિ માટે તીર્થયાત્રા પર જવાનું વિચાર્યું. તેણે રાજાને આ વિશે વાત કરી અને આદેશ મેળવીને તે તીર્થયાત્રાએ નીકળી ગયો.

ચાલતા ચાલતા સત્યમણિ એક દરિયા કિનારે પહોંચ્યો. આખો દિવસ વીતી ગયો અને રાત પડી ગઈ હતી. તેણે વિચાર્યું કે આજે રાત્રે હું અહીં જ રહીશ અને આરામ કરીશ. એમ વિચારીને તે એક ઝાડ નીચે સૂઈ ગયો.

મધ્યરાત્રિએ જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેણે સમુદ્રમાંથી એક ચમકતું ઝાડ નીકળતા જોયું. તેના પર વિવિધ પ્રકારના હીરા અને ઝવેરાત લાગેલા હતા. એ ઝાડ પર એક સુંદર છોકરી વીણા વગાડતી બેઠી હતી. આ દૃશ્ય જોઈને સત્યમણિને પોતાની આંખો પર વિશ્વાસ ના થયો. જોત જોતામાં અચાનક ઝાડ અને તેના પર બેઠેલી છોકરી ગાયબ થઈ ગઈ. આ પછી તે સ્તબ્ધ થઈ ગયો અને તરત જ પોતાના રાજ્ય તરફ દોડી ગયો.

જ્યારે તે રાજ્યમાં પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે તેની ગેરહાજરીથી રાજાના તમામ લોભ દૂર થઈ ગયા છે. તેણે રાજાને બધી વાત સંભળાવી. દિવાનની આ વાત સાંભળીને રાજાના મનમાં તે છોકરીને મેળવવાની ઈચ્છા જાગી. તેણે આખા રાજ્યને દિવાનના ભરોશે છોડી દીધું અને પોતે સાધુનો વેશ ધારણ કરીને તે દરિયાકિનારે પહોંચી ગયો.

જ્યારે રાત પડી ત્યારે રાજાએ પણ હીરા અને મોતીથી જડેલું વૃક્ષ જોયું. તે છોકરી હજુ પણ તે ઝાડ પર બેઠી હતી. રાજા તરીને તે છોકરી પાસે ગયો અને પોતાનો પરિચય આપ્યો. પછી તેમણે છોકરી વિશે પૂછ્યું. છોકરીએ કહ્યું, “મારું નામ મૃગાંકવતી છે અને હું રાજા ગાંધર્વ વિદ્યાધરની પુત્રી છું.”

પછી રાજાએ તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને છોકરીએ કહ્યું, “મારું જીવન તમારા જેવા મહાન રાજાની રાણી બનીને સફળ થઈ જશે રાજન, પણ મારી એક શરત છે. હું દરેક સુદ પક્ષ અને વદ પક્ષની ચોથ અને આઠમે એક રાક્ષસ પાસે જાઉં છું, જે મને ગળી જાય છે. તમારે એ રાક્ષસને ખતમ કરવો પડશે.” રાજા યશકેતુએ તરત જ આ શરત સ્વીકારી લીધી.

આ પછી સુદ પક્ષની ચોથ આવી, પછી રાત્રે મૃગાંકવતી બહાર નીકળી. રાજા પણ તેની સાથે ગયો અને છુપાઈને રાક્ષસની રાહ જોવા લાગ્યો. થોડી વાર પછી રાક્ષસ ત્યાં આવ્યો અને છોકરીને ગળી ગયો. આ જોઈને રાજાએ રાક્ષસ પર હુ-મ-લો કર્યો અને પોતાની ત-લ-વા-ર-થી રાક્ષસનું પેટ ચી-રી-ને મૃગાંકવતીને જીવતી બહાર કાઢી.

આ પછી રાજાએ તેને પૂછ્યું કે આ બધું શું છે? એટલે મૃગાંકવતીએ જવાબ આપ્યો કે, “હું અહીં દર આઠમ અને ચોથે શિવની પૂજા કરવા આવું છું અને જ્યાં સુધી હું ઘરે પાછી ન ફરું ત્યાં સુધી મારા પિતા મારા વિના જમતા નથી. એકવાર મને ઘરે પહોંચવામાં મોડું થયું અને મારા પિતાને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું પડ્યું. જ્યારે હું ઘરે પાછી ફરી ત્યારે તે ખૂબ જ ગુસ્સામાં હતા અને તેણે મને શ્રાપ આપ્યો કે જ્યારે પણ હું ચોથના દિવસે પૂજા કરવા જઈશ ત્યારે એક રાક્ષસ મને ગળી જશે. પછી હું તેનું પેટ ફા-ડી-ને બહાર આવીશ.

જ્યારે મેં તેમને શ્રાપમાંથી મુક્ત થવા વિનંતી કરી ત્યારે તેણે કહ્યું કે, જ્યારે પુણ્યપુરનો રાજા મારી સાથે લગ્ન કરવા તે રાક્ષસનો વ-ધ કરશે, ત્યારે હું શ્રાપમાંથી મુક્ત થઈશ.

છોકરીને શ્રાપમાંથી મુક્ત કર્યા પછી, રાજા તેને તેની સાથે તેના રાજ્યમાં લાવ્યો અને ધામધૂમથી તેની સાથે લગ્ન કર્યા. આ પછી રાજાએ આખી વાત દિવાનને સંભળાવી અને આ બધું સાંભળીને દિવાનનું મ-રૂ-ત્યુ થયું.

આટલું કહી વેતાળે રાજા વિક્રમને પૂછ્યું, “હે રાજા! હવે મને કહે કે આ બધું સાંભળીને દિવાન કેમ મ-રી-ગયો?

વિક્રમે કહ્યું, “દિવાન મ-રૂ-ત્યુ પામ્યો કારણ કે તેણે વિચાર્યું કે રાજા ફરીથી સ્ત્રીના લોભમાં પડી ગયો અને તેમના ભોગ વિલાસને લીધે રાજ્યની સ્થિતિ ફરીથી બગડશે. તે છોકરી વિશે રાજાને વાત ના કરી હોત તો સારું થાત.

રાજા વિક્રમે જવાબ આપતા જ ​​વેતાળ ફરીથી ઝાડ તરફ ઉડવા લાગ્યો અને જઈને તેના પર ઊંધો લટકી ગયો. અને રાજા વિક્રમાદિત્ય ફરી એકવાર વેતાલને પકડવા તેની પાછળ દોડ્યા.

વાર્તામાંથી બોધ : કોઈ પણ વ્યક્તિએ ભોગ વિલાસમાં એટલા ના ડૂબવું જોઈએ કે તેનું બધું ખતમ થઈ જાય. પોતાની પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે જ વસ્તુઓ કરવી સારી રહે છે.