વિક્રમ વેતાળ ભાગ 15 : રાજાની પુત્રીના પ્રેમમાં પડયો બ્રાહ્મણ પુત્ર, તેને પામવા માટે બન્યો સ્ત્રી, જાણો પછી શું થયું

0
388

દર વખતની જેમ રાજા વિક્રમાદિત્ય ફરીથી વેતાળને ઝાડ પરથી ઉતારે છે અને તેને યોગી પાસે લઈ જવા માટે આગળ વધે છે. આ વખતે પણ વેતાળ રાજાને એક નવી વાર્તા સંભળાવે છે. વેતાળ કહે છે…

વર્ષો પહેલા નેપાળમાં શિવપુર નામના નગરમાં યશકેતુ રાજાનું રાજ્ય હતું. તે ખૂબ જ સાહસી અને બળવાન હતો. લગ્નના વર્ષો પછી તેમને તેમની પત્ની ચંદ્રપ્રભાથી એક પુત્રી શશીપ્રભા થઈ. સમય જતાં પુત્રી મોટી થઈ. તેની સુંદરતાની બધે ચર્ચા થતી હતી. એક દિવસ રાજા તેમની પત્ની અને પુત્રી સાથે વસંત ઉત્સવ જોવા ગયા. શ્રીમંત બ્રાહ્મણનો પુત્ર માનસ્વામી પણ આ જ ઉત્સવમાં આવ્યો હતો. વસંત ઉત્સવમાં રાજાની પુત્રી શશીપ્રભાને જોતાની સાથે જ તે પ્રથમ નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો.

આ દરમિયાન એક હાથી ઝડપથી રાજકુમારી તરફ દોડીને આવવા લાગ્યો. શશીપ્રભાના રક્ષણમાં હાજર બધા સૈનિકો પાગલ હાથીના ડરથી ભાગી ગયા. બ્રાહ્મણ પુત્ર માનસ્વામીએ હાથીને રાજકુમારી તરફ જતો જોયો કે તરત જ તેણે પોતાના જીવની ચિંતા કર્યા વગર તેને બચાવી લીધી. આ બધું જોઈને રાજકુમારી બ્રાહ્મણ યુવક પર મોહિત થઈ ગઈ. સૌએ બ્રાહ્મણ યુવકની પ્રશંસા કરી અને વસંત ઉત્સવ પછી બંને પોતપોતાના ઘરે પાછા ફર્યા.

મહેલમાં આવ્યા પછી શશીપ્રભાની હાલત કફોડી થઈ ગઈ હતી. તેનો જીવ બચાવનાર બ્રાહ્મણની યાદમાં તે ખોવાલી રહેવા લાગી. બીજી તરફ બ્રાહ્મણ યુવક પણ શશીપ્રભાને ફરી મળવા માટે ઉત્સુક હતો. રાજકુમારીને કેવી રીતે મળવું તે વિચારતા વિચારતા તે એક સિદ્ધ પુરુષ પાસે પહોંચ્યો. મનસ્વામીએ તેમને પોતાના મનની સમગ્ર સ્થિતિ કહી.

સિદ્ધ પુરુષે સિદ્ધિના બળ પર બે ગોળી બનાવી. તેણે બ્રાહ્મણ યુવકને મોઢામાં રાખવા માટે એક ગોળી આપી. ગોળી મોઢામાં રાખતાની સાથે જ યુવક સુંદર યુવતી બની ગયો. સિદ્ધ પુરુષે બીજી ગોળી પોતે લીધી અને તે વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં આવી ગયો.

પછી તે સિદ્ધપુરુષ માનસ્વામીને લઈને મહેલમાં પહોંચી ગયા. તેમણે રાજાને કહ્યું, “આ મારા પુત્રની થવાવાળી ભાવિ ધર્મ પત્ની છે. તેને થોડા દિવસ મહેલમાં રાખો, કારણ કે મારે તીર્થયાત્રાએ જવાનું છે. મને લાગે છે કે તે મહેલ કરતાં વધુ સુરક્ષિત બીજે ક્યાંય નહિ રહે. રાજાએ વિચાર્યું કે, જો તે ના પાડી દે તો આ સિદ્ધ પુરુષ શાપ પણ આપી શકે છે. એટલે રાજાએ કહ્યું, “હે બ્રાહ્મણ! તમે જાઓ, તમારા પુત્રની ભાવિ પત્ની અમારી પાસે સલામત રહેશે. તે મારી પુત્રી સાથે તેની બહેનપણીની જેમ રહેશે.”

પછી સિદ્ધપુરુષ ત્યાંથી ચાલ્યા ગયા અને મનસ્વામી એક છોકરીના વેશમાં શશીપ્રભા સાથે રહેવા લાગ્યો. બહેનપણીની જેમ રહીને તે રાજકુમારી સાથે ઘણી વાતો કરતો હતો. એક દિવસ મનસ્વામીએ તેને પૂછ્યું, “તું દરેક સમયે આટલી ઉદાસ કેમ રહે છે? તારી આંખો દરેક સમયે કોને શોધે છે? આ સાંભળીને રાજકુમારીએ વસંત ઉત્સવના દિવસે બનેલી ઘટનાનું વર્ણન કરતાં કહ્યું, “તે બ્રાહ્મણ યુવક મારા મનને ગમી ગયો છે. મને તેનું નામ કે નગર ખબર નથી. હું હંમેશા વિચારું છું કે હું તેને કેવી રીતે મળીશ?”

સ્ત્રીના વેશમાં હાજર રહેલા મનસ્વામીને શશીપ્રભાના મનની વાત જાણીને ખૂબ આનંદ થયો. તેણે રાજકુમારીને કહ્યું, “બહેનપણી હું તને તે બ્રાહ્મણ યુવક સાથે મળાવી શકું છું.” આ સાંભળીને પ્રેમમાં બેબાકળી શીશપ્રભાએ કહ્યું, “કહે કેવી રીતે? શું તું તેને ઓળખે છે?” ત્યારે મનસ્વામીએ કહ્યું, “તું જલદી તમારી આંખો બંધ કર.” તેણે આંખો બંધ કરતાં જ બ્રાહ્મણ યુવકે ઝડપથી તેના મોંમાંથી ગોળી કાઢી અને છોકરાના વેશમાં પાછો આવી ગયો. મનસ્વામીએ ખૂબ જ પ્રેમથી શશીપ્રભાને બોલાવી. તે યુવકનો અવાજ સાંભળીને ખૂબ જ ખુશ થઈ અને ખુશીથી તેને ભેટી પડી.

રાજકુમારીએ તેને પૂછ્યું, “અરે! મારી બહેનપણી ક્યાં ગઈ”. આ સાંભળીને મનસ્વામીએ બધી વાત કહી અને ગોળી મોઢામાં નાખીને ફરી સ્ત્રી બની ગયો. આ બધું જોઈને રાજકુમારી સ્તબ્ધ થઈ ગઈ અને મનમાંને મનમાં ખૂબ જ ખુશ થઈ ગઈ. તે જ સમયે બંનેએ એકબીજાને મનથી પતિ-પત્ની માની લીધા અને આ રીતે રાજભવનમાં સાથે રહેવા લાગ્યા.

એક દિવસ રાજાના મંત્રીના પુત્રની નજર મનસ્વામી પર પડી. બ્રાહ્મણ યુવકનું નારી સ્વરૂપ જોઈને તે તેનો દીવાનો થઈ ગયો. થોડા દિવસો પછી તેણે તેને તેના મનની વાત કહી, પરંતુ મનસ્વામીએ ના પાડી. તેણે કહ્યું, “તે કોઈ બીજાની છે.” આ સાંભળીને મંત્રીનો પુત્ર નારાજ થઈ ગયો. તેણે તેના પિતાને બધું કહ્યું. પુત્રને દુઃખી જોઈને મંત્રીએ રાજાને બધી વાત કહી. મંત્રીની વાત સાંભળીને રાજાએ મંત્રીના પુત્ર અને સ્ત્રીના રૂપમાં રહેલા મનસ્વામીના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો.

રાજાની આજ્ઞા સાંભળીને મનસ્વામીએ કહ્યું, “મહારાજ ! તમે જાણો છો, હું બીજા કોઈ સાથે લગ્ન કરવા જઈ રહી છું. આમ કરવું અધર્મ થશે. તેમ છતાં જો તમે મારા લગ્ન કરાવવા ઈચ્છો છો તો રાજાની આજ્ઞાનું પાલન કરીને હું આ લગ્ન કરીશ.” રાજા ખૂબ ખુશ થયા અને બંનેના લગ્ન કરાવી દીધા. લગ્ન થતાં જ મનસ્વામીએ મંત્રીના પુત્રને કહ્યું, ‘તારી જીદથી મેં તારી સાથે લગ્ન કર્યા છે, નહીંતર હું બીજા કોઈની સાથે લગ્ન કરવા આ રાજ્યમાં આવી હતી. હવે તારે આ પાપ ધોવા માટે તીર્થયાત્રાએ જવું પડશે.” પ્રેમમાં પાગલ બનેલો મંત્રી પુત્ર એની વાત માની લે છે.

એક દિવસ તે સિદ્ધ પુરુષ ફરીથી બ્રાહ્મણના વેશમાં મહેલમાં પહોંચે છે. આ વખતે, તે પોતાના મિત્રને જવાન કરીને પોતાનો પુત્ર બનાવીને લાવે છે. બ્રાહ્મણ રાજાને પૂછે છે, “મારી પુત્રવધૂ ક્યાં છે, હું તેને મારી સાથે લઈ જવા માંગુ છું અને મારા પુત્રના લગ્ન તેની સાથે કરાવવા માંગુ છું.” આ સાંભળીને રાજાએ તેને બધી વાત કહી. સિદ્ધ પુરુષ ખૂબ ગુસ્સે થયા.

તેના શાપથી બચવા રાજાએ કહ્યું, “જુઓ, હવે જે બન્યું છે તે બદલી શકાય તેમ નથી. પણ હા, હું ચોક્કસપણે તમારા પુત્રના લગ્ન મારી પુત્રી સાથે કરાવી શકું છું.” આ સાંભળીને, સિદ્ધ પુરૂષ રાજાની વાત સાથે સંમત થઈ ગયો અને રાજાએ સિદ્ધ પુરુષના મિત્ર જે તેમનો પુત્ર બનીને મહેલમાં પહોંચ્યો હતો તેની સાથે પોતાની પુત્રી શશીપ્રભાના લગ્ન અગ્નિની સાક્ષી માનીને કરાવી દીધા. આ બધા વચ્ચે મનસ્વામી તેના વાસ્તવિક વેશમાં એટલે કે પુરુષ સ્વરૂપમાં ત્યાં પહોંચે છે અને શશીપ્રભાને તેની પત્ની તરીકે જાહેર કરે છે.

પછી વેતાળ વાર્તા કહેવાનું બંધ કરી દે છે. તે કહે છે, “રાજન, હવે મને કહે શશીપ્રભા કોની પત્ની છે?” વિક્રમાદિત્યએ જવાબ ન આપ્યો. ગુસ્સામાં વેતાળે કહ્યું, “જવાબ આપ અથવા તારી ગરદન ધ-ડ-થી અ-લ-ગ કરી દઈશ.” થોડીવાર વિચાર્યા પછી વિક્રમાદિત્ય કહે છે, “શશીપ્રભા એ છોકરાની પત્ની છે જેની સાથે તેણે અગ્નિને સાક્ષી માનીને લગ્ન કર્યા હતા. મનસ્વામી ઘરમાં વેશ બદલીને રહેતો હતો અને શશીપ્રભાને ચોરીથી મળતો હતો એટલે તે તેનો પતિ કહેવાય નહિ.

આ જવાબ સાંભળીને વેતાળે કહ્યું, “તેં સાચો જવાબ આપ્યો છે, તેથી હું ફરીથી ઉડ્યો, રાજન.” આટલું કહીને વેતાળ ફરી એકવાર ઝાડ પર જઈને ઊંધો લટકી જાય છે.

વાર્તામાંથી બોધ : છળ કપટથી કરવામાં આવેલો પ્રયત્ન નિષ્ફળતાનું કારણ બને છે.