વિક્રમ વેતાળ ભાગ 17 : રાજાને પસંદ હતી સેનાપતિની પત્ની, સેનાપતિએ કહ્યું તમે રાખી લો, પછી જે થયું તે… 

0
1497

આ વખતે પણ રાજા વિક્રમાદિત્ય એક મોટા ઝાડ પરથી વેતાળને નીચે ઉતારીને તેને લઈને આગળ વધવા લાગ્યા. પોતાને બચાવવા માટે વેતાળે ફરીથી રાજાને એક વાર્તા સંભળાવી. વેતાળ કહે છે…

એક સમયની વાત છે, કનકપુર નામનું એક શહેર હતું, જેના રાજાનું નામ યશોધન હતું. એ રાજા પોતાની પ્રજાની ખૂબ કાળજી રાખતો. આ જ શહેરમાં એક શેઠ પણ હતા, જેમની પુત્રીનું નામ ઉન્માદિની હતું. તે ખૂબ જ સુંદર અને ગુણવાન હતી, જે પણ તેને જોતા તે તેને જોતો જ રહી જતા.

જયારે શેઠની દીકરી મોટી થઈ ત્યારે શેઠે તેના લગ્ન કરવાનું નક્કી કર્યું. શેઠ પહેલા તેની પુત્રી માટે લગ્નનો પ્રસ્તાવ લઈને રાજા પાસે ગયા. શેઠ રાજા પાસે ગયા અને કહ્યું, “મહારાજ, હું મારી દીકરીના લગ્ન વિશે વિચારી રહ્યો છું. તે ખૂબ જ સુંદર, ગુણવાન અને વિદ્વાન છે. તમે અહીંના મહારાજ છો, સૌથી સાહસી, ગુણવાન અને વિદ્વાન. તમારા સિવાય મારી પુત્રી માટે બીજો લાયક વર કોઈ ના હોઈ શકે. તો સૌથી પહેલા હું તમને વિનંતી કરવા માંગુ છું કે તમે મારી દીકરીને પત્ની તરીકે અપનાવો અને જો તમને મંજૂર ન હોય તો તમે ના પાડી શકો છો.

શેઠની વાત સાંભળીને રાજાએ બ્રાહ્મણોને તેમની પુત્રીને જોવા અને તેના લક્ષણો તપાસવા મોકલ્યા. રાજાની વાત માનીને બ્રાહ્મણો ઉન્માદિનીને જોવા ત્યાં ગયા. ઉન્માદિનીને જોઈને બ્રાહ્મણ બહુ ખુશ થયા, પણ બીજી જ ક્ષણે તેઓને એ પણ ચિંતા થઈ કે જો રાજા આટલી સુંદર છોકરી સાથે લગ્ન કરશે તો, તે આખો દિવસ તેને જોઈ રહેશે અને પ્રજા પર ધ્યાન આપી શકશે નહીં. તેથી, બ્રાહ્મણોએ નક્કી કર્યું કે તેઓ રાજાને ઉન્માદિનીના સ્વરૂપ અને ગુણો વિશે કશું કહેશે નહીં.

બધા બ્રાહ્મણો રાજા પાસે ગયા અને કહ્યું, “રાજા, તે છોકરી સારી નથી, તેથી તમે તેની સાથે લગ્ન કરશો નહીં.” બ્રાહ્મણોની વાત સાંભળીને રાજાને લાગ્યું કે તેઓ સાચું કહી રહ્યા છે. રાજાએ ઉન્માદિની સાથે લગ્ન કરવાની ના પાડી. પછી શેઠે રાજાની પરવાનગીથી તેની પુત્રીના લગ્ન રાજાના સેનાપતિ બલધર સાથે કરાવ્યા. લગ્ન પછી ઉન્માદિની સુખેથી રહેવા લાગી, પરંતુ ક્યારેક ક્યારેક તેના મનમાં એવી વાત ચોક્કસ આવતી હતી કે, રાજાએ તેને ખરાબ સ્ત્રી માનીને તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

એકવાર વસંતઋતુમાં રાજા વસંત મેળો જોવા નીકળ્યા. રાજાના ફરવા નીકળવાના સમાચાર ઉન્માદિનીને પણ મળ્યા. તે જોવા માંગતી હતી કે તે રાજા કોણ છે, જેણે તેની સાથે લગ્ન કર્યા નહિ. આ વિચારીને ઉન્માદિની રાજાને જોવા તેના ઘરની છત પર ઊભી રહી ગઈ. રાજા તેની આખી સેના સાથે ત્યાંથી જઈ રહ્યો હતો ત્યારે તેની નજર ધાબા પર ઉભેલિ ઉન્માદિની પર પડી. તેને જોઈને રાજા સંપૂર્ણ મંત્રમુગ્ધ થઈ ગયા.

રાજાએ પોતાના સેવકોને પૂછ્યું, “આ સુંદર છોકરી કોણ છે?” પછી સેવકે રાજાને બધી વાત કહી કે, “આ એ જ છોકરી છે, જેની સાથે તમે બ્રાહ્મણોના કહેવાથી લગ્ન કરવાની ના પાડી હતી. પછીથી તેના લગ્ન સેનાપતિ બલધર સાથે થઈ ગયા. આખી વાત સાંભળીને રાજાને ગુસ્સો આવ્યો અને તેણે બ્રાહ્મણોને નગર છોડી દેવાની સજા કરી દીધી.

ત્યારપછી રાજા વારંવાર આ વિશે વિચારીને દુઃખી થવા લાગ્યો. તેને વારંવાર શરમ આવતી હતી કે તે એક એવી છોકરી વિશે વિચારી રહ્યો હતો, જે પહેલેથી જ પરિણીત છે. રાજાના વ્યવહારથી તેમની આસપાસના લોકો તેમના મનની વાત સમજવા લાગ્યા. રાજાના મંત્રીઓ અને સ્નેહીજનોએ રાજાને કહ્યું, “રાજા આમાં દુઃખી થવાનું શું છે, સેનાપતિ તમારા માટે જ કામ કરે છે, તો તમે સેનાપતિ સાથે વાત કરીને તેની પત્નીને અપનાવી લો.” જોકે રાજાએ મંત્રીઓની વાત માની નહિ.

બલધર જે રાજાનો સેનાપતિ હતો, જેની સાથે ઉન્માદિનીના લગ્ન થયા હતા, તે રાજાનો ભક્ત હતો. જ્યારે તેને રાજા વિષે ખબર પડી ત્યારે તે રાજા પાસે પહોંચ્યો અને કહ્યું, “રાજા, હું તમારો સેવક છું અને તે તમારા સેવકની જ પત્ની છે. હું પોતે તેને તમને ભેટ આપું છું. તમે તેને અપનાવી લો અથવા હું તેને મંદિરમાં મૂકી આવું છું. આમ કરવાથી તે દેવકુળની સ્ત્રી બની જશે. પછી તમે તેને અપનાવી શકો છો.” સેનાપતિની વાત સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. રાજાએ કહ્યું, “રાજા થઈને આવું ખરાબ કામ કરું? ક્યારેય પણ નહિ. તું મારો ભક્ત થઈને મને આવું કામ કરવા કહે છે. જો તું તારી પત્નીનો સ્વીકાર નહીં કરે, તો હું તને ક્યારેય માફ નહીં કરું.”

રાજા મનમાં ને મનમાં ઉન્માદિની વિશે વિચારતા વિચારતા મ-રી-ગ-યો. રાજાના મ-રૂ-ત્યુથી સેનાપતિને ખૂબ જ દુઃખ થયુ અને તે આ વાતને સહન ન કરી શક્યો. તેણે તેના ગુરુને આખી વાત કહી. તેના ગુરુએ કહ્યું, “રાજા માટે પોતાનો જીવ આપવો એ સેનાપતિનું કર્તવ્ય છે.” આ સાંભળીને સેનાપતિએ રાજા માટે બનાવેલી ચિતામાં કૂદીને પોતાનો જીવ આપ્યો. જ્યારે આ સમાચાર સેનાપતિની પત્ની ઉન્માદિનીને ખબર પડી ત્યારે તેણે પણ પોતાના પતિ માટે પોતાનો જીવ આપી દીધો.

આટલું કહ્યા પછી વેતાળે રાજા વિક્રમાદિત્યને પ્રશ્ન પૂછ્યો, “રાજન કહો, રાજા અને સેનાપતિમાં સૌથી વધુ હિંમતવાન કોણ હતો?”

વિક્રમાદિત્યએ કહ્યું, “રાજા સૌથી હિંમતવાન હતા, કારણ કે તેણે રાજ ધર્મ સંભાળ્યો હતો. તેણે સેનાપતિના કહેવા છતાં પણ ઉન્માદિનીને અપનાવી નહિ અને પોતે મ-રી જવું યોગ્ય માન્યું હતું. સેનાપતિ એક સારો સેવક હતો, તેણે તેના રાજા માટે પોતાનો જીવ આપ્યો, આમાં આશ્ચર્યજનક કંઈ નથી. ખરો હિંમતવાળો તો રાજા હતો, જેણે પોતાના ધર્મ અને કામની અવગણના ન કરી.

વિક્રમાદિત્યનો જવાબ સાંભળીને વેતાળ ખુશ થઈ ગયો અને હંમેશાની જેમ ઝાડ જઈને લટકી ગયો.

વાર્તામાંથી બોધ : ખરી હિંમતવાળો વ્યક્તિ તે છે જે પોતાના પહેલા તેના પરિવારનો વિચાર કરે છે અને તેના પ્રિયજનોની સંભાળ રાખે છે.