વિક્રમ વેતાળ ભાગ 18 : બ્રાહ્મણ પુત્રએ સિદ્ધ પુરુષ પાસેથી વિદ્યા મેળવી છતાં પણ તે કામ ના લાગી, જાણો કેમ

0
536

વેતાળનો પીછો કરતા રાજા વિક્રમાદિત્ય વૃક્ષ પાસે પહોંચ્યા અને કોઈક રીતે વેતાળને ખભા પર લઈને આગળ વધવા લાગ્યા. પહેલાની જેમ જ વેતાળે માર્ગ લાંબો હોવાને કારણે રાજાને વાર્તા સંભળાવવાનું શરુ કરે છે. વેતાળ કહે છે…

વર્ષો પહેલાની વાત છે જ્યારે રાજા મહાસેન ઉજ્જૈન શહેરમાં રાજ કરતા હતા. એ જ રાજ્યમાં એક બ્રાહ્મણ રહેતો હતો, જેનું નામ હતું વાસુદેવ. તેને એક જ પુત્ર હતો ગુણકાર. તે ફક્ત નામથી જ ગુણકાર હતો, અસલમાં તેનામાં કોઈ ગુણ નહોતા. તે દિવસ-રાત ફક્ત જુ-ગા-ર રમતો હતો. જુ-ગા-ર-માં તે તેના પિતા દ્વારા કમાયેલ તમામ પૈસા હારી જતો. તેની બે બહેનો પણ હતી. તે તેમની પણ કાળજીનો વિચાર કરતો ન હતો. તે દિવસ-રાત જુ-ગા-ર રમવામાં જ વ્યસ્ત હતો.

પોતાના પુત્રની આવી હાલત જોઈને બ્રાહ્મણ ખૂબ જ દુઃખી થઈ ગયો. એક દિવસ વાસુદેવે વિચાર્યું કે, હું જે કમાઉં છું, તેને ગુણકાર જુ-ગા-ર-માં ઉડાવી દે છે. એમ વિચારીને તેમણે પુત્ર ગુણકારને ઘરની બહાર કાઢી દીધો. ઘરેથી નીકળયા પછી તે બીજા રાજ્યમાં પહોંચી ગયો. ત્યાં તે ભૂખ્યો અને તરસ્યો ફરતો હતો. તેને ન તો કામ મળ્યું કે ન ખાવા માટે કંઈ મળ્યું.

આમ કરતાં કરતાં એક દિવસ તે બેભાન થઈ ગયો. ત્યાંથી પસાર થતા એક યોગી (સિદ્ધ પુરુષ) એ તેને જોયો એટલે તે તેને પોતાની સાથે ગુફામાં લઈ આવ્યા. ભાનમાં આવ્યા પછી યોગીએ છોકરાને પૂછ્યું, “તું શું ખાશે?” બ્રાહ્મણ પુત્ર કહે, “તમે યોગી છો, તમારી પાસે જે છે તે આપી દો. મને જોઈતું ભોજન કદાચ તમારી પાસે ન હોય. આ સાંભળીને યોગીએ કહ્યું, “તું ફક્ત કહે, તારે શું ખાવું છે.”

આ સાંભળીને ગુણકારે પોતાની ઈચ્છા વ્યક્ત કરી, જે સાંભળીને યોગીએ પોતાની સિદ્ધિની મદદથી તેની મનપસંદ થાળી પ્રગટ કરી દીધી.

છોકરો આશ્ચર્યચકિત થયો. પહેલા તેણે ભોજન કર્યું અને પછી યોગીને પૂછ્યું, “તમે આ ચમત્કાર કેવી રીતે કર્યો?” યોગીએ કશું કહ્યું નહિ, માત્ર અંદર જવાનો ઈશારો કર્યો. અંદર જતાં જ તેણે એક મોટો મહેલ અને દાસીઓ જોઈ. બધાએ તેની સારી રીતે સેવા કરી અને તે શાંતિથી સૂઈ ગયો.

ઊંઘમાંથી ઉઠીને તેણે ફરીથી એ જ પ્રશ્ન યોગીને પૂછ્યો. યોગીએ કહ્યું, “તારે આનાથી શું લેવાદેવા છે? તું અહીં થોડા દિવસ મહેમાન બનીને રહે અને વ્યવસ્થાનો આનંદ લે.” બ્રાહ્મણ પુત્ર પોતાની જીદ પર અડગ રહ્યો અને કહેવા લાગ્યો કે, તે પણ આ સિદ્ધિ મેળવવા માંગે છે. પરેશાન થઈને યોગીએ તેને વિધિ જણાવી અને કહ્યું કે હવે જા અને મન લગાડીને સાધના કર.

થોડા સમય પછી તે પોતાની સાધના પૂરી કરીને આવે છે. ત્યારે યોગી કહે છે, “તું બધું જ સારી રીતે કરી રહ્યો છે. આ પહેલો તબક્કો હતો, જે તે પાર કર્યો છે. હવે તારે બીજા તબક્કામાં આગળ વધવું પડશે.” તેણે કહ્યું, “હું તે કરીશ, પરંતુ હું બીજો પડાવ શરૂ કરું તે પહેલાં હું એક વાર ઘરે જવા માંગુ છું.” સિદ્ધ યોગીએ કહ્યું, “જા, ચોક્કસ જા.”

ત્યાંથી જતા પહેલા બ્રાહ્મણ પુત્રએ યોગી પાસે તેના પરિવાર માટે ભેટની માંગણી કરી. યોગીએ પોતાની સિદ્ધિથી તેને ઘણી ભેટો આપી. તે પછી તેણે પૈસાની માંગણી કરી. યોગીએ પોતાની વિદ્યાના બળે તેને ઘણા પૈસા પણ આપ્યા. તે પછી તેણે પોતાના માટે સારા કપડા માંગ્યા, યોગીએ તેને તે પણ આપ્યા.

જ્યારે તે બધું લઈને તેના ઘરે પહોંચ્યો ત્યારે તેના પરિવારના તમામ લોકો ગુણકારને જોઈને સ્તબ્ધ થઈ ગયા. તે જે ભેટો અને પૈસા સાથે લાવ્યો હતો તે જોઈને તેના બ્રાહ્મણ પિતાએ પૂછ્યું, “દીકરા, તેં કોરી તો નથી કરી ને?” ગુણકારે ખૂબ ગર્વ સાથે કહ્યું, “પપ્પા, મને કંઈક એવું મળ્યું છે, જેની મદદથી હું હવે દરેકની ઈચ્છા પૂરી કરી શકું છું.” તેના પિતાએ ગુણકારને સાવચેત રહેવાની અને અહંકાર ના કરવાની સલાહ આપી. ઘરે થોડા દિવસો રહ્યા પછી, ગુણકાર ફરીથી યોગી પાસે પાછો આવ્યો.

ત્યાં પાછા ફર્યા પછી, તેમણે ફરીથી તેની સાધના શરૂ કરાવી. તેણે ખંતપૂર્વક ધ્યાન કરવાનું શરૂ કર્યું. સમયની સાથે બ્રાહ્મણ પુત્રએ બીજો પડાવ પણ પૂરો કર્યો. પડાવ પૂરો થયા પછી તેને પણ એ જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરીને યોગી પાસે પહોંચતા જ તે ખૂબ પ્રસન્ન થયા. તેણે ગુણકારને કહ્યું, “તે હવે વિદ્યા મેળવી લીધી છે, આજે તું મને ખાવાનું ખવડાવ. મને ભૂખ લાગી છે.”

આ સાંભળીને બ્રાહ્મણ પુત્ર ખૂબ જ ખુશ થયો અને સિદ્ધિની મદદથી મનમાં મનપસંદ ભોજન મેળવવા માટે મંત્રનો પાઠ કરવા લાગ્યો. લાંબો સમય થયો, પણ ભોજન સામે આવ્યું નહિ. તે ખૂબ ગુસ્સે થઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો કે મારી વિદ્યા કેમ કામ નથી કરી રહી. મેં પણ સિદ્ધિ મેળવી છે, તેનું ફળ મને કેમ નથી મળતું?

આ વાર્તા સંભળાવતા જ વેતાળ મૌન થઈ ગયો અને રાજાને પૂછવા લાગ્યો કે, આટલા મનથી પુરી કરેલ વિધિ પછી પણ તે સિદ્ધિ કેમ ન મેળવી શક્યો. વિક્રમાદિત્ય કહે છે, વેતાળ! સૌ પ્રથમ કારણ તો એ છે કે તે વિદ્યા મેળવે તે પહેલાં જ તે ઘરે ચાલ્યો ગયો. તે પછી તે લોભના કારણે વિદ્યા મેળવવા માંગતો હતો. લોભથી કરેલા કાર્યો ક્યારેય ફળ આપતા નથી. સિદ્ધિ મેળવવા માટે વ્યક્તિએ લોભ વગર કાર્ય કરવું પડે છે.

વાર્તામાંથી બોધ : લોભને લીધે વિદ્યા મેળવવાનો નિર્ણય ક્યારેય ન લેવો જોઈએ અને જો વિદ્યા પ્રત્યે ઘમંડ હોય તો તે ખરા સમયે કામ નથી આવતી.