વિક્રમ વેતાળ ભાગ 9 : રાજકુમારી માટે શ્રેષ્ઠ વર કોણ, કલાકાર, ભાષા જ્ઞાની, વૈદ્ય કે પરાક્રમી વીર, વાંચો વાર્તા

0
294

રાજા વિક્રમાદિત્ય વેતાળને લેવા માટે ઘણી વખત નિષ્ફળ ગયા, પરંતુ તેમણે હાર ન માની. આ વખતે પણ તેમણે વેતાળને ખભા પર ઊંચકીને આગળ વધવાનું શરૂ કર્યું. દર વખતની જેમ આ વખતે પણ વેતાળે રાજાને એક નવી વાર્તા સંભળાવી. જાણો શું હતી તે વાર્તા અને વેતાળના આ વાર્તા સાથે સંકળાયેલો પ્રશ્નનો રાજાએ શું જવાબ આપ્યો?

એક વખતની વાત છે, ઉજ્જૈન શહેરમાં એક રાજા રાજ કરતો હતો. તેનું નામ વીરદેવ હતું અને રાણીનું નામ પદ્મા હતું. બંનેને એક પુત્રી રૂપમતી હતી. એકવાર રૂપમતી પોતાની બહેનપણીઓ અને મંત્રીઓ સાથે રાજ્યમાં ફરવા માટે નીકળી હતી. ફરવાની સાથે સાથે તે પોતાની પ્રજાને ભેટ પણ આપતી જતી હતી. એટલામાં એક વ્યક્તિએ રાજકુમારીને સુંદર સાડી ભેટમાં આપી. એ સાડી જોઈને રાજકુમારી ખૂબ ખુશ થઈ ગઈ.

તેણે તે વ્યક્તિને પૂછ્યું, “તમે આ સાડી ક્યાંથી ખરીદી છે? આ સાડી ખૂબ જ સુંદર છે.” આના પર રાજકુમારીના મંત્રીએ કહ્યું, “આ સાડી આમણે પોતે બનાવી છે. આ વ્યક્તિ મહાન કલાકાર છે.” મંત્રીની વાત સાંભળીને રાજકુમારી આશ્ચર્યચકિત થઈ ગઈ. રાજકુમારીએ તે વ્યક્તિ દ્વારા વણાયેલી અન્ય સાડીઓ અને કપડાં જોવાની ઈચ્છા વ્યક્ત કરી. તે વ્યક્તિ ખૂબ જ ખુશ થયો અને રાજકુમારીને તેના ઘરે આવવા આમંત્રણ આપ્યું.

રાજકુમારીએ આમંત્રણ સ્વીકાર્યું અને તેમના ઘરે જઈને ઘણા કપડાં જોયા. તે ખૂબ જ ખુશ થઈ અને કહ્યું, “મન કરે છે કે હું અહીં રોકાઈને તમારી પાસેથી આ કારીગરી શીખું.” આટલું કહીને રાજકુમારી ફરી પોતાની યાત્રા પૂરી કરવા નીકળી પડી.

રાજકુમારી થોડી આગળ વધી હતી કે સામેથી એક વ્યક્તિ આવ્યો અને તેણે રાજકુમારી અને તેમની બહેનપણીઓને કહ્યું કે, આગળ એક ઝાડ નીચે સિંહ છે. રાજકુમારી ચોંકી ગઈ અને તેણે વ્યક્તિને પૂછ્યું, “તમને કેવી રીતે ખબર પડી? તમે જાતે જોયો છે શું?” વ્યક્તિએ કહ્યું, “ના રાજકુમારી, મને મારા પક્ષી મિત્ર દ્વારા જાણકારી મળી છે.”

રાજકુમારી ફરી ચોંકી ગઈ. તેણે પૂછ્યું, “તમે પક્ષીઓ સાથે વાત કરો છો?” તો વ્યક્તિએ જવાબ આપ્યો કે તે પક્ષીઓ, પ્રાણીઓ અને પાણીમાં રહેતા જીવોની ભાષા જાણે છે. રાજકુમારી આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને પક્ષીઓ અને પ્રાણીઓની ભાષા શીખવાની ઈચ્છા વ્યક્ત કરીને તેમને મહેલમાં આવવા આમંત્રણ આપ્યું.

વ્યક્તિએ કહ્યું કે, આ પક્ષીઓ અને પ્રાણીઓ તેમનો પરિવાર છે, તેઓ મહેલમાં કેવી રીતે આવી શકે. તેથી રાજકુમારીએ તેમની વાતનું માન રાખતા કહ્યું, “જો મને ભવિષ્યમાં ક્યારેય તક મળશે, તો હું પોતે આ ભાષા શીખવા માટે તમારી પાસે આવીશ.” આટલું કહી તે આગળ વધી.

યાત્રા લાંબી હતી. મુસાફરી દરમિયાન રાજકુમારીની હાલત બગડવા લાગી. રાજકુમારીને વૈદ્ય પાસે લઈ જવામાં આવી. તે વૈધે રાજકુમારીને તેમને ત્યાં આરામ કરવા કહ્યું અને જડીબુટ્ટીઓ આપી. એ જડીબુટ્ટી લીધાના થોડા કલાકોમાં રાજકુમારી સાજી થઈ ગઈ. રાજકુમારીએ તે વૈદ્યનો આભાર માન્યો. ત્યાં બેઠેલા અન્ય દર્દીઓએ રાજકુમારીને વૈદ્ય વિશે ઘણી બધી વાતો કહી, કે તેઓ કેવી રીતે દરેકની સેવા કરે છે અને તેમની ઔષધીથી ઘણા લોકો સાજા થયા છે.

આ બધું સાંભળીને રાજકુમારીએ વૈદ્યને કહ્યું, “તમે બહુ સારું અને પુણ્યનું કામ કરો છો. હું પણ આવી જ રીતે બીજાની સેવા કરવા ઈચ્છું છું.”

પછી રાજકુમારી પોતાની યાત્રા પૂરી કરવા આગળ વધી. તે થોડે દૂર ગઈ હતી ને તેનો પગ પ્રાણીઓ માટે પાથરવામાં આવેલા જાળમાં ફસાઈ ગયો. રાજકુમારી મદદ માટે ચીસો પાડવા લાગી. તેની બહેનપણીઓ અને મંત્રીઓએ પણ મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું. પછી એક વીરે પોતાની બુદ્ધિમત્તા અને તીરંદાજીથી રાજકુમારીને જાળમાંથી બહાર કાઢી. રાજકુમારીએ ખુશ થઈને એ વીરનો આભાર માન્યો. સાથે જ, તેને ફરીથી મળવાની ઇચ્છા વ્યક્ત કરીને તે ત્યાંથી ચાલી ગઈ.

આ પછી રાજકુમારી લાંબી મુસાફરી કરીને મહેલમાં પાછી આવી. ઘરે પાછા ફર્યા પછી રાજાએ તેમને કહ્યું કે, આસપાસના રાજ્યોમાંથી રાજાઓ અને રાજકુમારોના માંગા આવવા લાગ્યા છે. રાજકુમારીએ પિતાની વાત સાંભળી અને કહ્યું કે, તેને રાજા કે રાજકુમાર નહિ, પણ એક સામાન્ય વ્યક્તિ પતિ તરીકે જોઈએ છે. તેણે પોતાના પિતાને કહ્યું, “હું આ પ્રવાસમાંથી એ શીખી કે સામાન્ય લોકો પણ ખૂબ જ જ્ઞાની, મહેનતુ અને મહાન હોય છે. તેથી, હું મારા જીવનસાથી તરીકે કોઈ સામાન્ય વ્યક્તિને ઈચ્છું છું.”

રાજાએ પોતાની પુત્રીની વિનંતી સ્વીકારી અને સ્વયંવરની જાહેરાત કરી. એ સ્વયંવરની વાત એ ચાર વ્યક્તિઓ સુધી પણ પહોંચી કે જેઓ રાજકુમારી યાત્રા દરમિયાન તેને મળ્યા હતા. ચારેય જણ રાજકુમારીના સ્વયંવરમાં પહોંચ્યા.

વાર્તા આટલે પહોંચી કે દર વખતની જેમ આ વખતે પણ વેતાળે વાર્તા અટકાવીને વિક્રમને પ્રશ્ન પૂછ્યો. વેતાળે પૂછ્યું, “રાજકુમારીની સામે ચાર વર હતા, એક કપડાં બનાવતો કલાકાર, એક ભાષા જ્ઞાની, એક વૈદ્ય અને એક પરાક્રમી વીર. હવે મને કહે, રાજકુમારી માટે શ્રેષ્ઠ વરરાજા કોણ હતો? રાજકુમારીએ કોના ગળામાં સ્વયંવરની માળા પહેરાવી? મને જલ્દી કહે નહીંતર હું તારું માથું ફા-ડી ના-ખી-શ.

રાજા વિક્રમે જવાબ આપ્યો, “કલાકાર ખૂબ જ પૈસાદાર માણસ હતો, પણ રાજકુમારીને પૈસાની શું અછત. તેથી, રાજકુમારી કલાકારને પસંદ કરશે નહીં. બીજી બાજુ, બીજો વ્યક્તિ જે ભાષા જ્ઞાની છે, તે મનોરંજન માટે યોગ્ય છે. ત્રીજો વૈદ્ય છે, જે એક સારો વ્યક્તિ છે, સમાજની સેવા કરે છે. જો તેની સરખામણી તે વીર સાથે કરવામાં આવે તો રાજકુમારી વીરને પસંદ કરશે. રાજાને કોઈ પુત્ર નથી, તેથી માત્ર એક બહાદુર જમાઈ જ રાજ્યનું રક્ષણ કરી શકે છે. તેથી, રાજકુમારીનો શ્રેષ્ઠ વર એ બહાદુર વ્યક્તિ છે.”

વિક્રમની વાત સાંભળીને વેતાળ ખુશ થઈ ગયો, પણ દર વખતની જેમ વિક્રમના બોલતા જ વેતાળ ફરી ઝાડ પર જઈને લટકી ગયો.

વાર્તામાંથી બોધ : એક બહાદુર અને બુદ્ધિશાળી વ્યક્તિને પોતાના જીવનનો ભાગ ચોક્કસ બનાવવો જોઈએ.