વિક્રમ વેતાળ ભાગ 7 : રાજા ચંદ્રસેન અને દરબારી સત્વશીલમાંથી વધુ શક્તિશાળી કોણ, વાર્તા વાંચી જવાબ જાણો

0
463

ઘણા સમય પહેલાની વાત છે જ્યારે સમુદ્ર કિનારે સ્થિત એક નગર તામ્રલિપી પર રાજા ચંદ્રસેનનું રાજ હતું. હજારો લોકો રાજાને મળવા આતુર હતા. તેમાંથી એક યુવાન સત્વશીલ હતો. સત્વશીલ કામની શોધમાં હતો, તેથી તે દરરોજ રાજા ચંદ્રસેનને તેમના રાજમહેલમાં મળવા પહોંચતો. પણ અફસોસની વાત એ હતી કે દર વખતે દરબારીઓ તેને ભગાડી મુકતા હતા. આવું થતા થતા ઘણો સમય વીતી ગયો, પણ યુવક હિંમત ના હાર્યો. તે રાજ મહેલની સાથે સાથે તે દરેક જગ્યાએ જતો જ્યાંથી રાજાની સવારી નીકળતી હતી.

એક દિવસ રાજા નગરમાં ફરીને પોતાના સૈનિકો સાથે મહેલમાં પાછા ફરી રહ્યા હતા. સખત તડકાને કારણે રાજાને ખૂબ તરસ લાગી. સૈનિકો આમતેમ પાણી શોધવા લાગ્યા, પરંતુ કોઈ સફળ થયું નથી. ત્યારે રાજા સત્વશીલને રસ્તામાં ઊભેલો જુએ છે. તે યુવાનને જોઈને રાજા પૂછે છે : તમારી પાસે પાણી છે?

સત્વશીલ તરત જ રાજાને પાણી આપે છે અને સાથે મીઠાં ફળ ખવડાવે છે. રાજા તેના પર ખૂબ પ્રસન્ન થાય છે અને કહે છે : ‘મારે તને કંઈક આપવું છે, મને કહે કે તારે શું જોઈએ છે?’

ભૂપતિ ચંદ્રસેનના પ્રશ્ન પૂછતાં જ સત્વશીલ ઝડપથી કહે છે કે, મહારાજ હું ઘણા સમયથી કામ શોધી રહ્યો છું, જો તમે મને કોઈ કામ આપો, તો તમારી કૃપા થશે. આ સાંભળીને રાજા તરત જ તેને તેમના દરબારમાં નોકરી આપે છે અને કહે છે કે તારા દ્વારા આપેલા પાણીના ઉપકારને તે આજીવન યાદ રાખશે.

સમય પસાર થતો ગયો અને પોતાની પ્રતિભાને લીધે તે યુવક રાજાની ખૂબ નજીકનો વ્યક્તિ બની ગયો. એક દિવસ ભૂપતિ ચંદ્રસેન સત્વશીલને કહે છે : ‘આપણા તામ્રલિપી નગરમાં બેરોજગારી ઘણી વધી ગઈ છે, તેના માટે આપણે કંઈક કરવું જોઈએ’. આ સાંભળીને યુવક કહે છે : ‘મહારાજ, તમે આદેશ આપો.’

રાજા કહે છે : ‘આપણી પાસે એક દ્વીપ છે, જે ખૂબ જ લીલોછમ છે. ત્યાં થોડી શોધ કરવામાં આવે તો કામની કેટલીક તકો મળી શકે છે.’ આ સાંભળીને સત્વશીલ ‘જી મહારાજ’ કહીને દ્વીપ તરફ રવાના થઈ ગયો.

સમુદ્રના રસ્તે તે દ્વીપ પાસે પહોંચતા જ, સત્યશીલને પાણીમાં તરતો ધ્વજ નજરે પડે છે. ધ્વજને જોતા જ તે હિંમત ભેગી કરીને પાણીમાં કૂદી પડે છે. પાણીમાં કુદતા જ સત્વશીલ દ્વીપની રાજકુમારી પાસે પહોંચી જાય છે, જ્યાં તે પોતાની બહેનપણીઓ અને દાસીઓ સાથે ગીત ગાઈ રહી હોય છે.

સત્વશીલ રાજકુમારીને પોતાનો પરિચય આપે છે. થોડીવાર વાત કર્યા પછી રાજકુમારી સત્વશીલને ભોજન માટે આમંત્રિત કરે છે અને જમતા પહેલા તેને નજીકના તળાવમાં સ્નાન કરવા વિનંતી કરે છે. સત્યશીલ જેવો જ તળાવમાં સ્નાન કરવા ઉતારે છે કે તે તામ્રલિપી મહેલની સભામાં પહોંચી જાય છે.

સભામાં સત્વશીલ જોઈને રાજા ચંદ્રસેન આશ્ચર્યચકિત થઈ જાય છે. તેઓ તેને પૂછે છે કે – ‘અરે, તમે અહીં કેવી રીતે?’ સત્તશીલ રાજાને સમગ્ર ઘટના વિશે કહે છે. બધી બાબતો જાણ્યા પછી રાજા પણ તે ટાપુ પર જવાનું નક્કી કરે છે. ત્યાં પહોંચીને ભૂપતિ ચંદ્રસેન તે ટાપુ પર વિજય પ્રાપ્ત કરે છે. આવું થતાં જ રાજકુમારી રાજા ચંદ્રસેનને તે ટાપુના રાજા જાહેર કરે છે. ટાપુ જીતવાની ખુશીમાં રાજા તે રાજકુમારી અને સત્વશીલના લગ્ન કરાવે છે. આ રીતે રાજા ચંદ્રસેન સત્વશીલના પાણીના ઉપકારનું ઋણ ચૂકવે છે.

આટલી વાર્તા કહ્યા પછી, વેતાળ મૌન થઈ જાય છે અને વિક્રમને પૂછે છે કે રાજા ચંદ્રસેન અને સત્વશીલ બંનેમાં સૌથી બળવાન કોણ હતું? પ્રશ્ન સાંભળીને વિક્રમ બોલે છે : સત્વશીલ વધુ શક્તિશાળી હતો. વેતાળ પૂછે છે : કેવી રીતે?

પછી વિક્રમ કહે છે કે કંઈપણ વિચાર્યા વિના, સત્વશીલ ટાપુ પાસે ધ્વજ જોઈને પાણીમાં કૂદી પડે છે. ત્યાં કૂદકો મારવાથી તેને કોઈ પણ પ્રકારનું જોખમ થઈ શકતે, જયારે રાજા જાણતો હતો કે ત્યાં પાણીમાં કોઈ જોખમ નથી. પ્રશ્નનો જવાબ મળતાં જ વેતાળ રાજા વિક્રમના ખભા પરથી ઊડીને ગાઢ જંગલમાં એક ઝાડ પર જઈને બેસી જાય છે.

વાર્તામાંથી બોધ : વ્યક્તિએ ક્યારેય હિંમત ન હારવી જોઈએ અને સતત કર્મ કરતા રહેવું જોઈએ.